“પપ્પા, તમે જ મારી હિંમત છો!”
ગુજજુમિત્રો, આપણે બધાં હંમેશાં મા ની મમતા ની તો પ્રશંસા સરળતાથી કરીએ છીએ પણ પપ્પા માટે આપણાં પ્રેમને વ્યક્ત કરતાં સંકોચ કરીએ છીએ. કેમ? એટલા માટે નહીં કે આપણને તેમની કદર નથી, પણ એટલા માટે કારણકે આપણને લાગે છે કે આવી ઈમોશનલ વાતો મમ્મી ને જ ગમે. પપ્પા તો પ્રૅક્ટિકલ માણસ છે. પણ મિત્રો, એવું નથી. તેમની અંદર પણ એ જ હૃદય છે જે પોતાના બાળકોની ખુશીમાં ખુશ અને દુ:ખ માં દુ:ખી છે. આજે જ તમારા પપ્પાને કહો, “પપ્પા તમે જ મારી હિંમત છો. તમે મારી દુનિયા છો! થેન્ક યૂ મારુ ધ્યાન રાખવા માટે.” ચાલો આજે મારી નજરથી તમારા પપ્પાને જુઓ.
મિત્રો, શું તમે આ માણસને ઓળખો છો?
- આ માણસ ઘરમાં સૌથી વધારે ઇગ્નોર થતો હોય છે, સવારે ઘરની બહાર નીકળે છે અને રાત્રે ઘરે પાછો ફરે છે.
- ઠંડુ પડી ગયેલું ટિફિન જમે છે, રોજ ઠંડુ ખાતા માણસનો સ્વભાવ ગરમ થઇ જાય એમ એ પણ ગરમ મિજાજનો છે.
- શેવિંગ કર્યા પછી હેન્ડસમ લાગતો આ માણસ રાત્રે ઘરે પાછો ફરે ત્યારે ચહેરા પર થાક લઇને આવે છે-
છતાં આઇસ્ક્રીમ ખાવા બહાર લઇ જવાની ના નથી પાડતો. - એ ગુસ્સે ભરાય ત્યારે સામે કશું નહીં બોલવાની આદત પડી હોય છે- મોટા થતાં જઇએ એમ-એમ આ આદત ભૂલાતી જાય-એ જુદી વાત છે.
- મોટાભાગે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે-કારણ કે ‘ના’ પાડવાનું એનાં પક્ષે જ આવે છે. એની ‘ના’ એટલે પથ્થરની લકીર એવું હકીકતે હોતું નથી, કારણ કે-દલીલોથી કન્વીન્સ ન થતો આ માણસ આંસુ અને ચઢેલું મોઢું જોઇને પીગળી જતો હોય છે.
- પોતાનાં શર્ટની સાઇઝ એને યાદ નથી રહેતી પણ તમારા શર્ટની સાઇઝ એ ક્યારેય ભૂલતો નથી,
ઘરમાં કશું પણ કરાવતા પહેલાં એની પરવાનગી લેવી પડે છે કારણ કે પૈસા એનાં ગજવામાંથી આવે છે. - ઘરમાં પાંચ લાડુ હોય અને ખાનારા પાંચ હોય તો મને નથી ભાવતું એમ કહીને લાડુ જતો કરનાર મા જ હોય આવું કહીને આપણે માનાં ગુણગાન તો વારંવાર ગાઇ લઇએ છીએ પણ એ પાંચ લાડુની વ્યવસ્થા કરી આપનાર એને બહુ જ સગવડતાથી ભૂલી જઇએ છીએ.
- એની સાથે આજીવન ‘ઇગો’નો સંબંધ રહે છે, એને ખોટાં પાડવાની આપણને મજા પડે છે અને આપણે સાચાં પડીએ એ માટે એ આખી જીંદગી ઘસી નાંખે છે, ‘તમે ખોટાં છો’ આવું કહેતી વખતે આપણાં ચહેરા પર એને હરાવ્યાનો આનંદ હોય છે ત્યારે આપણે સાચાં પડ્યાં એ વાતે એની છાતી ફૂલી જતી હોય છે,
- ચશ્મા પહેરતો આ માણસ બહારગામ ગયો હોય ત્યારે ‘હાશ..આજે જલસા..!’ આવું કહીને પોરસાતા આપણે એ કાયમ માટે જતો રહે ત્યારે ખુલીને રડી પણ નથી શકતાં હોતાં.
તમને બધાંને એક અપીલ છે – તમારા પપ્પાનો હાથ તમારા હાથમાં લઇને એમને કહેજો, ‘થેંક યુ, પપ્પા, તમે જ મારી હિંમત છો!’
કારણ કે, પિતા એક એવો પુરુષ છે-જે બોલી શકતો નથી અને ક્યારેય બોલવાનો પણ નથી. ગુસ્સે થતો, અકળાતો, નાની-નાની દરેક વાતમાં ના પાડી દેતો, હું કહું એ જ સાચું એવું માનતો આ માણસ-તમને જુવાન કરતાં-કરતાં ખુદ ઘરડો થઇ જાય છે અને આ વાત તમારા સુધી ન પહોંચે એટલે વાળને ડાઇ કરાવી લે છે.
આજે આ માણસને માત્ર એટલું જ કહેજો-‘મને તમારી જરૂર છે પપ્પા!!’ તમારી આટલી વાત એની છાતીમાં પહેલાં જેવી તાકાત ભરી દેશે…!! પિતા હોય ત્યારે વ્યક્ત કરતાં નથી પણ ન હોય ત્યારે છાતીમાં કાચ પેપર ઘસાયા કરે અને ચીસ પણ ન પાડી શકાય…આવી પરિસ્થિતિ આવે એ પહેલાં જ પિતાને કહી દો – “લવ યુ પપ્પા…!!!”
????
very nice
Truly heartwarming!