જનરેશન ગેપ એટલે બે પેઢી વચ્ચે ના મતભેદ : શું છે ઉપાય?
જનરેશન ગેપ એટલે બે પેઢી વચ્ચે ના મતભેદ : શું છે ઉપાય?
આપણા પરિવારોમા આજે જે કાંઈ સાધન-સગવડ કે પૈસે-ટકે સુખી-સંપન્ન છીએ એમાં છેલ્લી ચાર-ચાર પેઢીઓની અથાક મહેનત-લગન-પરસેવો અને પરિશ્રમના પરિણામે છીએ. આજે ગાડી-બંગલામાં પહોંચતા ચાર-ચાર પેઢીઓ હોમાઈ ગઈ છે અને એ પણ કોઈ સીધા સરકારી લાભો કે (આ) રક્ષણ વગર…! કોઈનું કરી નાખ્યા વગર….!!આપબળે…. સ્વમહેનતે… સ્વમાનભેર…!! આજે… વાત કરવી છે… આપણી 1G, 2G, 3G, 4G અને 5G પેઢીની….
1G : આપણા વડદાદાઓ :
ગોળ-રોટલો પેઢી
ધોતી-કેડિયું પેઢી…
રાત-દા’ડો જોયા વગર મજૂરી કરીને જેમતેમ ગાડું ગબડાવ્યું.. ટૂંકમાં આ પેઢીએ ચલાવ્યું ને કંઈક ભેગું કર્યું..!!
2G : આપણા દાદાઓ :
ધી-દૂધ, શિરો-મગપેઢી.
ધોતિયું-પહેરણ-ટોપી પેઢી.
જેટલા મહેનતુ એટલા જ ગણતરીવાળા.. શિક્ષણનું મહત્વ આ લોકો બહુ પહેલા સમજી ગયા, અને આપના બાપાઓ ને ભણાવ્યા.. જે ભણી ના શક્યા એમને બચત કરી શહેરો તરફ તગળ્યા..અને એમને નોકરી-ધંધામાં વાળ્યાં.. ટૂંકમાં આ પેઢીએ ભેગું કર્યું..!!
3G : આપણા બાપાઓ :
શ્રીખંડ કે રસ-રોટલી પેઢી. પેન્ટ-શર્ટ/શૂટ-બુટ પેઢી.
શહેરોમાં બસ્કુ બાંધીને આવ્યા, કરકસર, સંઘર્ષ, આયોજન, સેફ સાહસો કર્યા, ખૂબ રાજકીય/સામાજિક/ધાર્મિક પહોંચ બનાવી, ખૂબ મહેનત કરી, અને આજે દુકાનો – કારખાના – ઓફીસો/જમીન – જાયદાત/ગાડી-બંગલા ખડા કરી દીધા.. (પપ્પાને આજે એમની સંઘર્ષની કહાની પૂછજો મજ્જા આવશે….!!!)
ટૂંકમાં આ પેઢીએ વધાર્યું…!!!
4G: એટલે આપણે બધા
પંજાબી – ચાઈનીઝ – અનલિમિટેડ થાળી પેઢી.
જીન્સ/ટી-શર્ટ પેઢી.
અધેલી ની આવક અને રૂપિયાનો ખર્ચો. સ્માર્ટ ફોનવાળી પેઢી. પાર્ટીઓ, ખર્ચાઓ, દેખાડાઓ, હોટલો, આબુ-દિવ-દમણની બાધાઓ, શેર-સટ્ટાઓ. ડાયરા – ડીજે. સમજી ગ્યા કે લાંબુ ચલાવું….???
ટૂંકમાં આ પેઢીએ ઉડાવ્યું…!!!!
હા… હાલની 16 થી ૩5 વર્ષની પેઢી ખૂબ જ આક્રમક, પોતાના હક અને અધિકાર માટે સામી છાતીએ લડનાર, ધર સરકાર કે સિસ્ટમ સામે ખુલ્લું બંડ પોકારનાર બાહોશ અને બળવત્તર પેઢી છે…!! બસ જરૂર છે તો એમને સમયસર એક સાચી દિશા ની… સાચા માર્ગદર્શનની…. સાચા વિચારની….!!!!
5G: આપણા ૦૫ થી ૧૫ વર્ષના છોકરાં.
મેગ્ગી- મસાલા/બોનવિટા-બર્ગર/પીઝા-પાઉ-પોપકોન પેઢી.
ફાટેલા જીન્સ અને બરમુંડા પેઢી.
લાઈફમાં બધું જ એકદમ સેટ..! એકદમ રેડી..!!
કોઈ જ ટેન્શન નહીં.
કોઈ મગજમારી નહીં.
કોઈ જવાબદારી નહીં.
કોઈ ચિંતા કે ઉચાટ નહીં.
લાઈફમાં કોઈ મિશન કે મહત્વાકાંક્ષા પણ નહીં. ઘર-ગાડી-બંગલા બધું જ રેડી ટુ યુઝ…!!!
ટુંકમાં આ પેઢી તમારા જ પૈસે તમને પાર્ટી આપે… ગિફ્ટ આપે… અને પાછા શીખવાડે કે પપ્પા આમ સ્ટાઇલમાં રેવા’નું…!!! બોલો…!!!!
પણ આ જનરેશન ખૂબ જ ફાસ્ટ છે. ખૂબ જ સ્માર્ટ છે. ખૂબ જ ચબરાક છે.
જો..જો.. સંભાળજો.. હો…!
ખૂબ જ અધીરી અને ઉતાવળી છે. લાલચ લાડ ને જિદમા ઊછરેલી આ પેઢી..!!
બસ જરૂર છે તો એમને સમયસર એક સાચી દિશાની. સાચા માર્ગદર્શનની સાચા વિચારની….!!!!
નહીંતર આપણી ચાર-ચાર પેઢીની મહેનત અને પરિશ્રમ પર પાણી ફરી વળશે… કેમ કે આપણે એમના માટે કરવા જેવું કંઈજ બાકી રાખ્યું નથી.! શિક્ષણ પ્રત્યે પરિવાર પ્રત્યે એમનામાં સૂગ-અને નિરાશા પ્રસરતી જાય છે…!!મહેનત-મજૂરી અને પરસેવાની કમાણી એટલે શું એ એમને ખબર નથી…!!!
જનરેશન ગેપ વિષે આપણે શું કરી શકીએ? : જાણો ઉપાય
- નોકરી-ધંધા-રોજગાર ને પોતાનામાં ખૂબ જ ખૂંપી ગયેલા આપણે સૌ થોડો સમય આપણા આ 5G બાળકોને આપીએ.
- તેમને મંદિરે લઈ જઈએ. તેમના હૃદયમાં ધર્મના નીતિનિયમો દૃઢ કરાવીએ. વાર-તહેવાર અવસર પ્રસંગમાં એમને સીધા જોતરીએ.
- એમને આપણા પરિવારનો સમાજનો ભવ્ય સામાજિક અને સાંસ્કૃતિક વારસો સમજાવીએ.
- આપણા બાપ-દાદાઓના સંઘર્ષની વાતો માંડીએ.
- આપણા બાપ-દાદાઓની અસ્મિતા-ઓળખ અને આત્મસન્માનને ઉજાગર કરીએ.
- એમનામાં આપણા પરિવારનું સ્વમાન અને સ્વાભિમાન કેળવીએ.
- એમનામાં પરમાત્માના સાચેરા છોરું હોવાનો અહોભાવ ઉત્પન્ન કરાવીએ….
- Also read : સંસ્કાર ની મૂડી સૌથી કિંમતી