સરળ છે સૌને ગમી જવું…
કેટલું સરળ છે સૌને ગમી જવું,
અનિચ્છાએ પણ સદા નમી જવું!
ખુદની વાતે વળી મમત શીદ?
ખોટું હોય તો પણ ખમી જવું!
માણસ છે, ગુસ્સો આવે તો,
સહેજ તપી જવું, પછી શમી જવું!
સાચું હોવું જરૂરી નથી, હંમેશા
લાગણીઓથી સહેજ રમી જવું !
તારા અભિપ્રાયના શા મોલ?
બોલ્યા વગર બસ મલકી જવું!
સાવ હશે મામૂલી વાત એની,
તો’ય આશ્ચર્યથી ચમકી જવું !
ના ગમે કોઈ વાત, કઈ નહિ,
ધીરેકથી ત્યાંથી સરકી જવું !
બસ આવડી જાય જો આટલું,
સાવ સરળ છે, સૌને ગમી જવું!
કવિ : મેહુલ ભટ્ટ