દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે સચોટ ઉપદેશ

ઈમાનદારી નું પ્રથમ પગથિયું

દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે પ્રસિદ્ધ જૈન મુનિના સચોટ ઉપદેશ

🔸 દુઃખ કોને કહેવાય? તમે દુઃખી ક્યારે થાવ ? અથવા દુઃખ ક્યારે લાગે ?

જ્યારે તમારી કોઇ ઇચ્છા પૂરી નથી થતી – તમારી અપેક્ષાથી વિરૂદ્ધ કંઇ બને છે, ત્યારે તમે દુઃખી થાવ છો.

🔸 તમે માનો છો – ‘ઇચ્છા પૂરી ન થઇ એટલે તમે દુઃખી છો.’

શાસ્ત્રકાર કહે છે – ‘ઇચ્છા છે, એટલે જ તું દુઃખી છે. ’

🔸 સભા : ઇચ્છા હોય જ નહીં – તે કેવી રીતે બને ?

એકપણ ઇચ્છા ન હોય, તેવું તો વીતરાગમાં જ બને. પણ આપણે અમુક ઇચ્છાઓને તો ખતમ કરી શકીએ… જેમ કે, અમને પૈસા કમાવા, ટીવી જોવા વગેરેની ઇચ્છા હોય જ નહીં…

🔸 જેટલી ઇચ્છા વધારે, તેટલું દુઃખ વધારે…

જેટલી ઇચ્છા ઓછી… તેટલું દુઃખ ઓછું… એટલે કે સુખ વધારે…

🔸 આપણે અનંતકાળથી એમ માનતા આવ્યા છીએ કે – ‘ઇચ્છા પૂરી નથી થઇ – એટલે દુઃખી છીએ…’ અને ઇચ્છા પૂરી કરવા માટે જ મહેનત કરીએ છીએ. શાસ્ત્રકાર કહે છે – ‘તારે સમજ બદલવી પડશે. ઇચ્છા છે, એટલે જ તું દુઃખી છે. ઇચ્છાને પૂરી કરવાથી તું સુખી નહીં થાય, ઇચ્છાને ઘટાડવી પડશે – ખતમ કરવી પડશે. તો જ તું સુખી થઇશ.’

🔸 દુઃખ કોને કહેવાય? પંચસૂત્રકાર તો ઇચ્છાને જ દુઃખ કહે છે – ‘અવિક્ખા અણાણંદે…’

ઇચ્છા સિવાય બીજું કોઇ દુઃખ જ નથી.

🔸 આ વાતને કેટલાક દૃષ્ટાંતથી સમજવા પ્રયત્ન કરીએ.

તમારા દીકરાને ૮મા ધોરણમાં ૭૦% આવે તો તમે સુખી કે દુઃખી ?

સભા : ૯૦%ની ગણતરી હોય અને ૭૦% આવે, તો દુઃખી થઇએ.

એટલે એ નક્કી થયું ને કે ૭૦% ની જ ગણતરી હોય અને ૭૦% આવે, તો દુઃખી નથી થતા. એટલે દુઃખી થાવ છો તેનું કારણ – ૭૦% આવ્યા તે નથી; ૯૦% ની ગણતરી હતી (અને તે ન આવ્યા) તે છે. દુઃખનું મૂળ તમારી ગણતરીમાં છે.

પડોશીના દીકરાને ૭૦% આવે તો તમને શું થાય ?

સભા : કાંઇ નહીં… અમારે શું લેવા દેવા ?

એટલે, ત્યાં તમારી કોઇ ગણતરી ન હોવાથી – તમે સ્હેજ પણ દુઃખી થતા નથી, બરાબર ?

જીભના શબ્દ અને શબ્દનો વટ
દુઃખ કોને કહેવાય?

🔸 તમે રસ્તા પર ખુલ્લા પગે ચાલતા જતા હો, અને પગમાં સળગતી બીડીનું ઠૂંઠું ચંપાઇ જાય – પાંચ-દસ સેકંડ બળતરા થાય, ત્યારે શું થાય ?

સભા : કોણે બેદરકારીથી નાખ્યું ? એવો તેના પર ગુસ્સો આવે.

અને રસ્તા પર ચાલતાં પથ્થરની ઠેસ લાગે તો ?

સભા : કાંઇ ન થાય, કારણકે ભૂલ અમારી છે – જોયા વગર ચાલ્યા તે.

તો બીડી ચંપાઇ – તે પણ જોયા વગર ચાલ્યા તો જ ને ?

હકીકત એ છે કુદરત પાસે તમે એવી અપેક્ષા નથી રાખી કે તેણે રસ્તા સીધા જ બનાવવા જોઇએ. કુદરતી રસ્તા ખાડા-ટેકરાવાળા જ હોય, આપણે જોઇને ચાલવું જોઇએ – એ તમે સમજો છો. એટલે પથ્થરની ઠેસ વાગે, તો ગુસ્સો નથી આવતો. (જો મ્યુનિસિપાલિટીએ બનાવેલ રસ્તો ખાડાટેકરાવાળો હોય, તો ગુસ્સો આવે પણ ખરો !) અને માણસો પાસે અપેક્ષા હોય છે કે તેમણે સળગતી બીડી રસ્તા પર ન નાંખવી જોઇએ. એટલે તમને ગુસ્સો આવે છે – અકળામણ થાય છે.

🔸 તમારો ૧૮ વર્ષનો દીકરો બહારથી આવીને ચંપલ ગમે ત્યાં મૂકે, કપડાં ગમે ત્યાં ફેંકે, જમ્યા પછી થાળી ગમે ત્યાં મૂકે – તો તમને અકળામણ થાય ?

સભા : હા…

જો કે હવેની પેઢીમાં આવી બધી સ્વયંશિસ્ત છે કે નહીં ? તે મોટો પ્રશ્ન છે. પણ મારે બીજી વાત કરવી છે.

૧૮ મહિનાનો છોકરો આવું કરે તો ?

સભા : તે ક્યાંથી કરી શકે ?

જે કરી શકે, તેવો નાનો છોકરો કરે તો ?

સભા : તેનામાં સમજણ નથી.

એટલે, જેને સમજ છે – તેણે કરવું જોઇએ – એવી તમારી અપેક્ષા જ તમને દુઃખી કરે છે.

સાર એ જ છે, કે બહારની પરિસ્થિતિ તમને દુઃખી નથી કરતી, તમારી અપેક્ષા જ તમને દુઃખી કરે છે.

Neminath
દુઃખ કોને કહેવાય?

🔸 શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે.

કપિલ નામનો ગરીબ બ્રાહ્મણનો દીકરો પરદેશ ભણવા ગયો – કોઇ બ્રાહ્મણને ત્યાં રહે છે – ભણે છે. તેને જમવાનું આપનારી દાસી સાથે પ્રેમ થઇ ગયો. એક દિવસ કોઇ મહોત્સવમાં પહેરવા સારા કપડા લાવવા માટે દાસીએ પૈસા માગ્યા. તેની પાસે કાંઇ જ નહોતું. એટલે દાસીએ કહ્યું ‘આ નગરનો રાજા, સવારમાં સૌ પહેલો જે યાચક હોય તેને બે માસા સોનું આપે છે. જાવ, માંગી આવો.’ પોતાની પહેલા બીજું કોઇ ન પહોંચે, તે માટે રાતના જ રાજમહેલે ગયો. રક્ષકોએ ચોર માનીને પકડ્યો. સવારે રાજા પાસે હાજર કર્યો. તેણે સાચી વાત કરી દીધી. રાજાને દયા આવી – કહે ‘જેટલું જોઇએ તે માગી લે…’ પેલો વિચારમાં પડ્યો. વિચારવા સમય માંગ્યો… બે-ચાર-આઠ માસા… વધતાં વધતાં અડધું રાજ્ય માંગી લેવાના વિચાર આવી ગયા ! પણ પછી ત્રાસ થયો. ઘટાડવા લાગ્યો… એમ કરતાં કેવળજ્ઞાન થઇ ગયું !

🔸 ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું છે – ‘ઇચ્છા તો આકાશ જેટલી અનંત છે.’ એનો ક્યાંય અંત આવતો નથી.

જેમ જેમ ઇચ્છા પૂરી થાય, તેમ નવી મોટી ઇચ્છા ઊભી થતી જાય.

🔸 ગામડામાંથી શહેરમાં આવનાર પહેલા ભાડાના ઘરમાં રહે… પછી પોતાનો નાનો ફ્લેટ-દૂરના વિસ્તારમાં લે… પછી સારા વિસ્તારમાં આવે… પછી બંગલો લે… એમ ઇચ્છા વધતી જ જાય…

શાસ્ત્રકાર કહે છે – ‘જેમ જેમ લાભ થતો જાય, તેમ તેમ લોભ વધતો જાય…’

🔸 ઇચ્છા પૂરી કરીને સુખી થવા માંગતા – ઇચ્છા પૂરી કરવા દોડનારે યાદ રાખવું કે ઇચ્છાની પૂર્તિ પુણ્યને આધીન છે – ગમે તેટલી મહેનત કરો તો પણ પૂરી ન થાય – તેવું બની શકે. પાંચ કરોડ કમાવાની ઇચ્છા થાય અને મહેનત કરે – પણ પુણ્ય ન હોય તો પૂરી ન પણ થાય. અને તો તેને કદી સુખ ન મળે – સદા માટે દુઃખી રહે.

બીજી વાત એ કે ઇચ્છા પૂરી થવા જેટલું પુણ્ય હોય, તો પણ તરત પૂરી નથી થતી… તેમાં સમય લાગે છે, અને તેટલો સમય તો દુઃખ જ રહેવાનું છે…

સભા : આવી સમજ પણ પુણ્યથી જ મળે ને ?

એ તમારો ભ્રમ છે.

સમજ આપનાર સદ્ગુરૂનો સંયોગ પુણ્યથી મળે; પણ સમજ તો જાતે જ લાવવી પડે… સાંભળેલા ઉપદેશ પર ચિંતન-મનન કરવાથી આવે. ધર્મની સામગ્રી પુણ્યથી મળે, પણ ધર્મ પોતાના પુરૂષાર્થથી જ થાય. પુણ્યથી નહીં.

🔸 દેવને એવું પુણ્ય હોય છે કે ઇચ્છા થાય અને તરત પૂરી થાય. ખાવાની ઇચ્છા થાય અને મોંઢામાં આવી જાય. એટલે જ દેવ કોઇ પચ્ચક્ખાણ કરી શકતા નથી. આપણે ઉપવાસનું પચ્ચક્ખાણ કરીએ, પછી ભૂખ લાગે – ખાવાનું મન થાય તો પણ મનને વારીએ – ખાઇએ નહીં – પચ્ચક્ખાણ પાળીએ. દેવને ભૂખ લાગે – ખાવાનું મન થાય એટલે સીધું મોઢામાં આવી જાય – મનને વારી શકે નહીં. તેથી તેઓ પચ્ચક્ખાણ પાળી શકે નહીં. જો કે દેવની પણ બધી ઇચ્છા પૂરી થતી નથી. તેમને જન્મથી જે સમૃદ્ધિ મળી હોય, તે જ રહે. ઇચ્છા થાય તો પણ વધારી શકે નહીં.

🔸 તમે ઇચ્છા પૂરી કરવા માંગો છો, જ્ઞાની ભગવંત કહે છે – ઇચ્છા ખતમ કરો. ફરક નાનો છે, પણ બંનેની દિશા તદ્દન વિરોધી છે.

🔸 સાધુ કેમ સુખી ? કારણકે ઇચ્છાઓ નથી/ઓછી છે.

ગરમીમાં પંખા/એ.સી.ની ઇચ્છા નથી, ઠંડીમાં હીટરની નથી, વાહન (કાર)ની નથી, વાપરવા માટે કોઇ દ્રવ્યની ઇચ્છા નથી – જે મળે તે ચાલે છે. ક્ષુધા (ભૂખ) હોવાથી ખાવાનું જોઇએ – તે શરીરની માંગ છે. તેટલી ઇચ્છા હોય. પણ ‘આ જોઇએ જ, આવું જ જોઇએ…’ આવી કોઇ ઇચ્છા નથી હોતી…

🔸 કોઇ વંદન કરવા ન આવે તો પણ સાધુ દુઃખી થતો નથી.

ગોચરી માટે કોઇ બોલાવવા ન આવે તો પણ સાધુ દુઃખી થતો નથી.

પ્રવચન સાંભળવા કોઇ ન આવે તો પણ સાધુ દુઃખી થતો નથી.

એટલે, ઇચ્છા ન હોવાથી જ સાધુ સુખી છે.

🔸 તમને કેટલી ઇચ્છાઓ છે ? એક લિસ્ટ બનાવો.

સભા : પૂરું જ ન થાય…

તો પછી કઇ રીતે સુખી થવાના ?

ઇચ્છા કદાચ ખતમ ન કરી શકો, પણ ઘટાડશો તો ય દુઃખ ઘટશે, સુખી થશો. બાકી બધી ઇચ્છા તો ચક્રવર્તીની પણ પૂરી થતી નથી. અરે ! ઇન્દ્રની પણ પૂરી થતી નથી.

🔸 હજારો ઇચ્છાઓ લઇને બેઠા છો. પરિવાર પાસે, નોકર પાસે, સરકાર પાસે… પાવર જાય તો તમારો ય પાવર ચાલ્યો જાય. મોબાઇલનું નેટવર્ક જાય તો તમારો મૂડ-આઉટ થઇ જાય. તમને દુઃખી કરવા, એ તો જાણે રમત વાત છે ! અમને મળવા આવનાર સંસારીઓમાં કોઇ એમ કહેતું નથી કે – ‘સુખી છીએ…’ દરેકને કાંઇને કાંઇ દુઃખ છે – કોઇને શરીરમાં રોગ છે, કોઇને આર્થિક આપત્તિ છે, કોઇને પરિવારમાં પ્રશ્નો છે…

🔸 એક અપેક્ષાએ તમે દેવો કરતાં સુખી છો… ૧ કરોડની મૂડી સાથે જન્મેલો માણસ ૧૦ કરોડ કમાઇ શકે… દેવને તો જેટલું મળ્યું હોય તેટલું જ રહે !

એટલે જ ઉપદેશમાળામાં દેવોના દુઃખનું વર્ણન કરતાં શાસ્ત્રકાર સૌ પહેલા ઇર્ષ્યા બતાવી છે. બીજાને વધારે મળ્યું હોય – તે જોઇને સળગી જાય ! વર્ષો પહેલા ટી.વી.માં જાહેરખબર આવતી હતી – ‘ઉસકી સાડી – મેરી સાડીસે જ્યાદા સફેદ ક્યૂં ?’ બસ… એમાં દુઃખી થઇ જાય…

🔸 જગતમાં સૌથી સુખી સિદ્ધ પરમાત્મા…

ત્યાર પછી વીતરાગ એવા કેવલિ ભગવંતો – તેમને ઇચ્છાનું દુઃખ નથી… પણ શરીરમાં અશાતા હોઇ શકે…

ત્યાર પછી સાધુ ભગવંતો સુખી છે… કારણકે નિઃસ્પૃહ છે.

જ્ઞાનસારમાં શાસ્ત્રકાર લખે છે – ‘ધરતી પર સૂવાનું, માંગીને ખાવાનું, જીર્ણ કપડાં, ઘરનાં ઠેકાણાં નહીં… તો પણ સાધુ ચક્રવર્તી કરતાં પણ વધુ સુખી છે – કારણકે નિઃસ્પૃહ છે !’

🔸 જ્યાં સુધી તમને સમજાશે નહીં કે – ‘દુઃખનું મૂળ ઇચ્છા છે…’ ત્યાં સુધી તમે દુઃખથી મુક્ત થવાના નથી.

સત્સંગ જવાના ફાયદા
દુઃખ કોને કહેવાય?

🔸 સભા : ઇચ્છા ઘટાડવી શી રીતે ?

‘હું ઇચ્છાના કારણે જ દુઃખી થાઉં છું’ – એ સમજાય, તો ઇચ્છા ઘટાડવાનું મન થાય.

સુદર્શન ચૂર્ણ ફાકે – કડવું લાગે, તો બીજી વાર નથી ફાકવાનો…

🔸 મને પૂ. ગચ્છાધિપતિશ્રીએ ચાતુર્માસ કરવા મોકલ્યો. હું એવી ઇચ્છા રાખું કે બે-ત્રણ શિષ્ય મળવા જોઇએ… પછી ન મળવાથી દુઃખી થાઉં… ત્યારે તમારા પર આક્રોશ કરું તો દુઃખી જ થવાનો. પણ આત્મનિરીક્ષણ કરું કે ‘મેં ઇચ્છા રાખી હતી, એટલે દુઃખી થયો… આવી ગણતરી વિના ચાતુર્માસ કર્યું હોત, તો દુઃખી જ ન થાત… એટલે હવે આવી ગણતરી ન રાખવી…’ તો સુખી થાઉં…

🔸 પ્રવચનમાં ૮૦૦ માણસ આવે એવી ઇચ્છા રાખું… અને ૪૦૦ થાય…. તો દુઃખી થાઉં – તેવું બને…. ત્યારે વિચારું કે ‘ગણતરી રાખી તો દુઃખી થયો… હવેથી ગણતરી રાખવી જ નહીં..’ તો દુઃખી થાઉં જ નહીં.

🔸 સભા : લક્ષ્ય રાખીએ તો પ્રગતિ થાય ને ?

તમારે સુખી થવું છે કે પ્રગતિ કરવી છે ? એ પહેલા નક્કી કરો.

પ્રગતિ પાછળ પડનારા સફળ થાય, તો પણ સુખી થતા નથી. સુખી થવું હોય તો સંતોષ જોઇશે – પ્રગતિ નહીં.

🔸 સભા : દીક્ષાની ઇચ્છા હોય તો ?

એ ઇચ્છા એવી છે કે પૂરી થાય તો નવી ઇચ્છા ઊભી થતી નથી; પણ અનેક ઇચ્છાઓને ખતમ કરે છે… તેથી તે પ્રશસ્ત ઇચ્છા છે… દુઃખનું નહીં – સુખનું કારણ છે…

🔸 સભા : પૂરી ન થાય તો ?

તો તત્કાળ કદાચ દુઃખ થાય, તો પણ તેની ભાવના જે ક્ષયોપશમ કરાવે છે, તેનાથી ભવાંતરમાં પણ સંયમ મળે – જે સુખી કરે.

🔸 મેં જે ઇચ્છાઓ ખતમ કરવા કહ્યું – તે સંસારની વાત છે.

સુકૃતોની ઇચ્છા તો પ્રશસ્ત છે… તેની વાત નથી. તેમ તો ‘ઇચ્છાને ઘટાડવાની’ ઇચ્છા પણ એક ઇચ્છા છે. પણ તે પ્રશસ્ત છે. તેને ખતમ કરવાની વાત નથી… પ્રશસ્ત ઇચ્છા પૂરી ન થાય તો પણ, તે ઇચ્છા પણ પુણ્ય બંધાવે, દોષને ઘટાડે – જે કાળાંતરે સુખી કરે છે.

🔸 ઘણાં કહે – ‘દીકરા-દીકરી ન માને, તો દુઃખી જ થઇએ ને ?’

તેમને કહેવાનું – ત્યારે વિચારવાનું – ’૨૦ વર્ષના થયા… મારે સમજણ આપવાની હતી, તે આપી દીધી. હવે પોતાના હિત-અહિતને વિચારવા સમર્થ છે… જે કરવું હોય તે કરે… મારે જોયા કરવાનું… પૂછે/ગમે તો સલાહસૂચન કરવાના… નહીં તો જોયા કરવાનું….’ તો હમણાં સુખી થઇ જશો…

🔸 *જ્યારે કોઇ ઇચ્છા પૂરી ન થવાના કારણે દુઃખ થાય – ત્યારે એવું પણ વિચારી શકાય કે – ‘ભવિષ્યમાં કોઇ મોટો લાભ થવાનો હશે તે માટે જ આ ઇચ્છા પૂરી ન થઇ…’ અથવા ‘ઘણાં મોટા દુઃખથી બચાવવા માટે જ આ દુઃખ આવ્યું.’ તો પણ તમે સુખી થઇ શકો.

આના માટે આપણે ત્યાં કહેવત છે – ‘જે થાય, તે સારા માટે…’*

🔸 એક રાજાનો મંત્રી હતો. તેના હૃદયમાં આ વાત બેઠેલી – ‘જે થાય, તે સારા માટે…’ અને વારંવાર એ વાક્ય બોલ્યા કરે. રાજદરબારમાં એકવાર તલવાર વેચવા કોઇ આવ્યું. તલવારની ધાર તપાસતાં રાજાની આંગળી કપાઇ ગઇ – લોહી નીકળ્યું. તરત મંત્રી બોલ્યો – ‘જે થાય તે સારા માટે…’ રાજાને ગુસ્સો આવ્યો… મંત્રીને બરતરફ કરી દીધો… મંત્રી ફરી બોલ્યા – ‘જે થાય, તે સારા માટે…’ થોડા દિવસ પછી ઘોડેસવારી કરતા રાજા જંગલમાં ભૂલો પડ્યો. ભીલોએ પકડી લીધો. આવા બત્રીસલક્ષણા પુરૂષનું પોતાના કુળદેવતાને બલિદાન આપવાનું નક્કી કર્યું. બલિદાન પૂર્વે સ્નાન કરાવ્યું – તો ખબર પડી – આંગળી કપાયેલી હતી… અખંડ પુરૂષનું જ બલિદાન અપાય – એટલે રાજાને છોડી મૂક્યો… રાજાને થયું – મંત્રીની વાત સાચી પડી – આંગળી ન કપાઇ હોત તો હું આખેઆખો કપાઇ ગયો હોત ! મહેલે આવીને મંત્રીને બોલાવ્યો. સત્કાર કર્યો. ફરી મંત્રીપદ આપ્યું. પછી પૂછ્યું – ‘મારી આંગળી કપાઇ, તે તો સારા માટે થયું. પણ તમને બરતરફ કર્યા, તે શું સારા માટે થયું ?’ મંત્રી હસતા હસતા કહે – ‘રાજન્ ! મને બરતરફ ન કર્યો હોત, તો ઘોડેસવારીમાં હું તમારી સાથે જ હોત… અને તો તમારા બદલે મારું બલિદાન અપાઇ ગયું હોત ! મને બરતરફ કર્યો, તો હું બચ્યો !’

🔸 અંગ્રેજીમાં આના માટે શબ્દ છે – Blessings in Disguise. ક્યારેક વરદાન પણ અભિશાપના રૂપમાં આવતું હોય છે.

🔸 અમેરિકાના યુવાને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો. ટાઇપિંગ ન આવડતું હોવાના કારણે નાપાસ થયો. ત્યારે ટાઇપિંગ ન આવડવા માટે ભારે દુઃખ થયું…. પછી લાઇન બદલી… આગળ જતાં અમેરિકાનો પ્રમુખ બન્યો ! ત્યારે થયું, ‘જો ટાઇપિંગ આવડતું હોત, તો અત્યારે ટાઇપિંગ જ કરતો હોત…’

Thank you God
દુઃખ કોને કહેવાય?

🔸 વઢવાણના રતિભાઇ જીવણ પ્રખ્યાત સુશ્રાવક હતા. ભારે જીવદયાપ્રેમી… એકવાર કોઇ ગામડે જીવદયાનું કામ કરીને પાછા આવતા હતા. વઢવાણની છેલ્લી બસ હતી, પણ કંડક્ટરે ઊભી ન રાખી. ત્યારે તો ગુસ્સો જ આવે ને ? ચાલતા-ચાલતા વઢવાણ જવાનું નક્કી કર્યું… થોડીવારે ફાટક આવ્યું ત્યારે જોયું તો બસ-ટ્રેન સાથે અથડાઇ ગયેલી… ત્યારે થયું કે ‘બસ ઊભી ન રહી, તો બચી ગયો !’

🔸 ટાઇટેનિકનું નામ જાણીતું છે. ‘કદી નહી ડૂબે’ તેવું મનાતી એ સ્ટીમર પહેલી જ મુસાફરીમાં ડૂબી ગયેલી… ઘણાં શ્રીમંત માણસો તેમાં હતા. એક માણસે તેમાં મુસાફરી માટે ટિકિટ બુક કરાવેલી-પરિવાર સાથે… જવાના આગલે દિવસે જ દીકરાને તાવ આવ્યો… ટિકિટ રદ કરાવવી પડી… ત્યારે તો દીકરા પર ઘણો ગુસ્સો આવ્યો – ‘જીવનનું સપનું રોળાઇ ગયું…’ પણ જ્યારે ટાઇટેનિક ડૂબી જવાના સમાચાર આવ્યા ત્યારે… ? લાગ્યુ કે ‘જે થાય, તે સારા માટે !’

🔸 બે વર્ષ પૂર્વે અમે મર્ચન્ટ સો. (પાલડી) ચોમાસું હતા. તે પછીનું (ગયા વર્ષનું) ચોમાસું મુંબઇ નક્કી થઇ ગયેલું. પણ અમારા મહાત્મા બિમાર પડવાથી રદ્દ થયું. જો કે મુંબઇ જવાનો કોઇ શોખ નહોતો – એટલે અફસોસ થવાનું કોઇ કારણ નહોતું. પણ મહાત્મા બિમાર પડ્યા – તેનું દુઃખ તો થાય જ… પણ તેના કારણે અમદાવાદ રહેવાનું થયું; તો ૧ વર્ષમાં ૩ દીક્ષા થઇ… મુંબઇ ગયા હોત, તો કદાચ ન પણ થાત !

🔸 કર્મસત્તા ઇનામ આપતાં પૂર્વે ક્યારેક કઠોર પરીક્ષા કરે છે.અને સહન કર્યા વિના તો સિદ્ધિ કદી મળતી નથી.

🔸 જાપાનમાં જન્મેલા એક બાળકને નાનપણથી જુડોના ચેમ્પિયન બનવાની ઇચ્છા હતી. નાનપણમાં એક્સિડન્ટ થતા ડાબો હાથ કાપી નાખવો પડ્યો. ખૂબ અફસોસ કર્યો. મોટો થયા પછી જુડો શીખવાના ક્લાસમાં ગયો. એક હાથ કપાયેલો જોઇને પહેલા તો શિક્ષકે ના જ પાડી. પણ ખૂબ આગ્રહ કરવાથી રાખ્યો. શીખવાડ્યું… જુડોની સ્પર્ધામાં ભાગ લેતો થયો. જીતતો પણ થયો. નેશનલ ચેમ્પિયનશિપમાં તેનું નામ શિક્ષકે લખાવ્યું. તેને એક ખાસ દાવ શીખવાડ્યો. અને તે દાવ રમે એટલે જીતી જ જતો. છેક ફાઇનલમાં પણ જીત્યો. તેને સમજાયું નહીં કે કેમ આમ થાય છે ? ત્યારે તેને શિક્ષકે સમજાવ્યું – ‘તને જે દાવ શીખવાડ્યો છે, તે તું રમે, ત્યારે તને હરાવવાનો એક જ રસ્તો છે – તારો ડાબો હાથ પકડવો… પણ તારો કોઇ પ્રતિસ્પર્ધી તેમ કરી શકે તેમ નહોતો – કારણકે તને ડાબો હાથ જ નથી ! અને એટલે જ તું જીત્યો – અજેય રહ્યો !’

🔸 દરિયામાં વહાણ તૂટી પડ્યું… એક માણસને પાટિયું મળી ગયું… તરતાં તરતાં કોઇ ટાપુ પર આવી ચડ્યો. સાવ નિર્જન-એક પણ માણસ નહીં… ચારે બાજુ પાણી… અને કોઇ વહાણ પણ ન દેખાય… ત્યાંના વૃક્ષના ફળ ખાઇને દિવસો વીતાવવા લાગ્યો… ઘાસની ઝૂંપડી બનાવી… શિયાળામાં રાત્રે તાપણું કરીને સૂતો હતો. સવારે બહાર ગયો. રાત્રે આવીને જોયું તો તાપણાંથી આખી ઝૂંપડી સળગી ગયેલી. હતાશ થઇ ગયો. મરી જવાના વિચારમાં સૂઈ ગયો. સવારમાં કોઇએ ઢંઢોળીને જગાડ્યો. કિનારે હોડી લાંગરેલી હતી. દૂર સ્ટીમર દેખાતી હતી. (સ્ટીમર કિનારા સુધી ન આવી શકે.) તેણે તે માણસોને પૂછ્યું – ‘કેમ અહીં આવ્યા ?’ તેમણે કહ્યું – ‘સ્મોક સિગ્નલ (દરિયામાં કોઇ આપત્તિમાં હોય, તો બચાવવાનો સંદેશો મોકલવા ધૂમાડો છોડે તેને સ્મોક સિગ્નલ કહેવાય.) જોઇને અમને થયું કે કોઇ અહીં આપત્તિમાં છે…’ ત્યારે ખબર પડી કે – ‘ઝૂંપડી સળગી ગઇ તો મને લઇ જવા કોઇ આવ્યું.’

all religions
દુઃખ કોને કહેવાય?

🔸 દુઃખની ઘટનામાં પણ જોતાં આવડે તો કંઇ ને કંઇ સુખ મળી શકે.

હર્ષદભાઇ ઉદાર દાનવીર હતા. પોલિયો હોવાથી હાથ-પગ ચાલતા ન હતા. પણ કહેતા – ‘બીજા બધાને કદાચ થાળીમાં ભોજન મળે – તેટલું પુણ્ય હશે… મારું એટલું પુણ્ય છે કે – મને મોઢામાં કોઇ મૂકી આપે છે !’

🔸 જેને સુખી થવું છે, તે રસ્તો ગોતી શકે. જેને દુઃખી જ થવું છે, તેને કોઇ સુખી ન કરી શકે.

પ્રભુ વીરના ચરિત્રમાં આવે છે ને, ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થયેલા જીવને, બધી સામગ્રી સુખની મળી… તો ય, ‘મારા માથા પર સૌધર્મેન્દ્રના પગ આવે છે…’ તે વિચારે દુઃખી થઇ ગયો…

🔸 જો આપણે દુઃખી થવા ન માગતા હોઇએ, તો જગતમાં કોઇની તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે.

સુખ-દુઃખ આપણા મનમાં જ છે !

‘ઇચ્છા એ જ દુઃખ’

શ્રાવણ સુદ ૪, ૪.૮.૧૯, રવિવાર

Also read : સુદામા ના દરિદ્ર હોવાનું સાચું કારણ : સુદામા કૃષ્ણ ની મિત્રતા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *