લિજજત પાપડના જસવંતીબેન કે જસવંતીબેનના લિજ્જત પાપડ?!!
ગુજજુમિત્રો, વર્ષો જૂના લિજ્જત પાપડ આજે પણ પાપડની સૌથી પ્રસિદ્ધ કંપની છે અને ઘર-ઘરમાં વખણાય છે. પણ આ લિજ્જત પાપડની શરૂઆત કોણે કરી અને કેવી રીતે? શું તમે જાણો છો લિજ્જત પાપડની સકસેસ સ્ટોરી? ચાલો, આપણે આ પ્રેરક સત્યઘટના ને એકસાથે વાંચીએ લિજજત પાપડના જસવંતીબેન વિષે.
લિજજત પાપડના જસવંતીબેન
જસવંતીબેન જમનાદાસ પોપટ..93 વર્ષીય ગુજરાતી મહિલાને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે ગણતંત્ર દિવસે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે..અત્યારે એ “લિજજત” પાપડનાં માલિક તરીકે જાણીતાં છે…મુળ કાઠિયાવાડના હાલારી લોહાણા સમાજનાં…પણ હાલે મુંબઈમાં રહે છે..તેઓ “સ્ત્રી સશકિતકરણ”ની આગવી મિશાલ છે..ગુજરાતની ગરિમા વધારનાર આ એક ગુજરાતી ની કોઠાસૂઝ ને કારણે જ લિજ્જત પાપડ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
આયુષ્યની સદીએ પહોંચેલ જસવંતીબેન એ જમાનામાં પણ મહિલાઓ માટે સારું કહી શકાય એવું એકાદ બે ચોપડી ભણેલા છે..ગૃહિણી તરીકે એ સમયે ફાજલ રહેતા સમયનું શું કરવું ? એ પ્રશ્ન એમને થયો. અને એ વિચારોમાંથી જ ઇ.સ.1950થી ઘરમાં જ પાપડ બનાવવાનું શરૂ કર્યું..પ્રવૃત્તિ મળી..ધીમેધીમે પાડોશ..ગલી..અને શહેરમાં એમનાં પાપડ જાણીતાં થતાં ગયાં…આર્થિક વળતર પણ મળતું થયું…
એક સાધારણ મહિલાની અસાધારણ સફળતા
હવે શરૂઆત થાય છે એક મહિલાની સાફલ્યગાથાની..લોહાણા વેપારી સૂઝ એમનામાં જન્મજાત હતી…અને એમણે ઇ.સ.1959માં રજિસ્ટર્ડ સંસ્થા બનાવી..જેમાં પ્રારંભે સાત જેટલી પરિશ્રમી મહિલાઓને સભ્યો બનાવી પોતે સંચાલક બન્યાં..લિડરશીપ લીધી. રૂપિયા 200ની લોન લઈ મૂડી ઉભી કરી..અને પાપડનો ગૃહઉદ્યોગ શરૂ થયો.પ્રોડકટને સરસ નામ આપ્યું લિજ્જત પાપડ…
લિજ્જત પાપડ મશીનથી નહીં, બલ્કે આજે પણ હાથથી બને છે
ધીમેધીમે ધંધો વિકસતો ગયો..લોકોમાં એમના પાપડની માંગ વધતી ગઈ..બહેનોની સંખ્યા વધતી ગઈ..પાપડ તૈયાર કરવાં. પેકિંગ, માર્કેટીંગ, વેચાણ હિસાબો બધું જ મહિલાઓ કરતી રહી..લિજ્જત પાપડ એક પ્રતિષ્ઠિત નામ બની ગયું….ટી. વી.ઉપર એની જાહેરાત અને કર્ણપ્રિય જિંગલ…લિજજત પાપડ ઘેરઘેર જાણીતાં બન્યાં..અખબારોનાં પેજ હોય કે જાહેરાતોનું જગત લિજજત એક ઇજજતદાર નામ બની ગયું..જે આજે પણ મશીનથી નહીં પરંતુ હાથે બનાવેલા પાપડ બજારમાં મુકે છે..એનો આગવો ટેસ્ટ છે.
નાનકડો મહિલા ઉદ્યોગ આજે બ્રાન્ડ બની ગયો છે
બસો રૂપિયાની મૂડીથી શરૂ થયેલ આ પ્રવૃત્તિ આજે વરસે દહાડે 800 કરોડનું ટર્નઓવર કરતો ધીકતો બિઝનેસ છે.. ઇન્ડસ્ટ્રી છે..એક નાનકડી શાખાની જગ્યાએ આજે 82 જેટલા પાપડ તૈયાર કરતા એકમો જસવંતીબેનના વડપણ હેઠળ હજારો બહેનોને રોજગારી આપે છે..મહિલાઓને સ્વમાન અને મોભો આપી સામાજિક દરજ્જો આપ્યો છે…આજે મળેલ પદ્મ પુરસ્કાર એ એમની પ્રવૃત્તિને મળેલ ઉચ્ચ ઉપહાર છે…
પદ્મશ્રી જસવંતીબેન દરેક મહિલા માટે એક પ્રેરણા છે
મુંબઈમાં વસતાં 93 વર્ષિય આ જાજરમાન જનેતા આજેપણ કડેધડે છે..પોતે હજુ પણ કાર્યરત છે..દરરોજ સંસ્થાનાં કામો કરે છે..મેનેજમેન્ટ સહિત તમામ કામો સ્વસ્થતાથી કરે છે…બીજા માળે આવેલા નિવાસથી નીચે સંસ્થા સુધીનાં પગથિયાં કોઇની પણ મદદ વગર ચડઉતર કરે છે..ચહેરા ઉપર નરી પ્રસન્નતા છે..કર્મયોગનું અદ્ભુત ઓજસ છે…જસવંતીબેનની ગાથા અનેક મહિલાઓ માટે પ્રેરણાના પથ સમાન છે..
Read more inspiring articles here.