રાજા, મંત્રી અને ક્લબ ૯૯ !!! – એક ગુજરાતી બોધ કથા

ગુજરાતી બોધ કથા

રાજા, મંત્રી અને ક્લબ ૯૯ !!! – એક ગુજરાતી બોધ કથા

એક રાજા એના મંત્રી જોડે નગરમાં ફરવા નીકળ્યા. રસ્તામાં એણે લીલુંછમ ખેતર જોયું એ ખેતરના બીજા છેડે એક પરિવાર રહેતો હતો. પતિ-પત્ની અને એમના બે સંતાનો. અતિશય આનંદમાં તેઓ ગીતો ગાતા હતા. આમ-તેમ ફરતાં હતા અને એમના ચહેરાઓ ઉપર સૂર્ય સમું તેજ હતું. સુખ શું હોઈ શકે એ આ પરિવારને જોતા જ સમજાઇ જાય એમ હતું.

રાજા ને અતિશય આશ્ચર્ય થયું. એણે મંત્રી ને સવાલ કર્યો, “હું આખા પ્રદેશનો રાજા છું! દોમ દોમ સાહ્યબી છે તેમ છતાં હૂં આ લોકો જેટલો ખુશ કેમ નથી?”

મંત્રી એ હસીને જવાબ આપ્યો, “એ લોકો ક્લબ ૯૯ નાં સભ્યો નથી અને તમે છો ને એટલે!!”

“ક્લબ ૯૯? એ શું છે??” રાજા ને આશ્ચર્ય થયું.

મંત્રી એ કહ્યું, “મને ૯૯ સોના મહોર આપો અને આ પ્રશ્ન નો જવાબ હું એક મહિના પછી બસ આ જ જગ્યાએ આપીશ.” રાજા આ મુત્સદિ જવાબથી ચિડાયો, પણ જવાબ જાણવાની ઉત્સુકતાએ એણે મંત્રીને ૯૯ સોનામહોર આપી.

મંત્રી એ એજ રાત્રે જઈને એ ૯૯ સોનામહોર ભરેલી થેલી પેલા સુખી પરિવારની ઝુંપડી આગળ મૂકી દીધી.

બીજે દિવસે સવારે જ્યારે પતિએ જાગીને દરવાજા પાસે જોયું તો એને પેલા મંત્રીએ મુકેલી થેલી મળી. એણે અંદર જઈને જોયું તો અંદર સોનામહોર દેખાઈ. એના આનંદનો પાર ન રહ્યો. એ બધી જ સોનામહોર બહાર કાઢીને ગણવા લાગ્યો. એક,બે,ત્રણ,ચાર…..નવ્વાણું.

કંઈક ભૂલ થઈ લાગતી હોય એમ એણે ફરીવાર ગણવાનું શરૂ કર્યું. ફરીથી આંકડો ૯૯ નો જ આવ્યો. એણે એની પત્નીને બોલાવી અને કહ્યું, “તું આ સોનામહોર ગણ. એને ય આંકડો ૯૯ નો જ આવ્યો.”

સહેજ હતાશ થઈને પતિએ મનોમન વિચાર કર્યો, “જો એક સોનામહોર હું મહેનત કરીને કમાઈ લઈશ તો અમારી પાસે પૂરી ૧૦૦ સોનામહોર થઈ જશે.” એ દિવસ રાત મહેનત કરવા લાગ્યો. ખેતરમાંથી પાક વધુ અને સારો થાય એને માટે અથાક પરિશ્રમ કરવા લાગ્યો.

એવામાં એક દિવસ સાંજે ઘરે આવીને એણે સોનામહોર ગણી……તો આંકડો ૯૭ નો જ આવ્યો.

“આમાંથી બે સોનામહોર ઓછી કેવી રીતે થઈ ગઇ?” એણે અતિશય ગુસ્સામાં કહ્યું.

એની પત્ની એ અંદરથી જવાબ આપ્યો, “બે સોનામહોર માંથી હું ખરીદી કરી આવી! જુઓ આ સાડી ……કેવી લાગે છે ?”

Greedy man

પતિનો પિત્તો ગયો, “તને બે સોનામહોર વાપરવાનું કોણે કહ્યું હતું? હું અહીં આટલી મહેનત કરીને એક સોનામહોર કમાવાની કોશિશ કરું છું અને તું બે વાપરી આવી?”

“તમે તો સ્વભાવે જ કંજૂસ છો. ક્યારેય વાપરવાના તો હતા નહીં એટલે મેં જ એનો ઉપયોગ કર્યો”, પત્નીએ છણકો કર્યો.

એવામાં બીજે દિવસે એનો છોકરો એક સોનામહોર વેચીને નવી ઘડિયાળ લઈ આવ્યો. પેલો માણસ ફરી એની ઉપર ચિડાયો.

“સોનામહોર ઘટતી ગઈ”……અને…….”કંકાસ વધતો ગયો.”

બરાબર એક મહિને રાજા અને મંત્રી ફરી એ જ જગ્યા એ ઊભા રહીને જુએ છે તો પરિવારમાંથી સુખનું નામો નિશાન નહોતું. ચહેરા ઉપરની રોનક ઉડી ગઈ હતી. અતિશય ગંભીરતા ભર્યું વાતાવરણ હતું. એમ લાગતું હતું કે ગમે ત્યારે ઝઘડો ફાટી નીકળશે.

રાજાને અતિશય નવાઈ લાગી. મંત્રી ને મંદ મંદ હસતા જોઈ એણે પૂછ્યું, “શું થયું આ લોકોને? સુખ ક્યાં ગયું?”

મંત્રીએ હસીને જવાબ આપ્યો, “રાજન! હવે આ લોકો પણ ક્લબ ૯૯ ના સભ્યો છે.” “તમે આપેલી ૯૯ સોનામહોર મેં એમના ઘરને દરવાજે મૂકી દીધી. અને એ ૯૯ સોનામહોર ને ૧૦૦ કેમ કરવી એની પળોજણમાં આ પરિવારનું સુખ હણાઈ ગયું.”

ગુજજુમિત્રો, આપણામાંથી એવા ઘણા છે જેની પાસે ૯૯ સોનામહોર પડેલી જ છે. પણ બીજી એક સોનામહોર કમાવાની માથાકૂટમાં ને માથાકૂટમાં એ ૯૯ સોનામહોર ખોટી જગ્યા એ વેડફાઈ જાય છે અથવા તો સોનામહોરો એમને એમ મૂકીને પોતે જ ગુજરી જાય છે.

આ ગુજરાતી બોધ કથા આપણને સમજાવે છે કે જે નથી મળ્યું એની પાછળ દોડવા કરતા જે મળ્યું છે એનો આનંદ માણતા જો આવડી જાય ને તો ૯૯ ટકા મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે અને ૯૯ સોનામહોર નો ભાર પણ માથે નહીં રહે! મારી નમ્ર વિનંતી છે કે…….જો તમે પણ ક્લબ ૯૯ની સભ્ય ફી ભરી હોય તો તાત્કાલિક ધોરણે સભ્યપદ છોડી દેશો.

Also read : દૂરનો સગો : એક વાર્તા

You may also like...

1 Response

  1. Harsh says:

    Beautiful story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *