શું તમારા ભણવાનો ખર્ચો દર્દી ચૂકવશે?
શું તમારા ભણવાનો ખર્ચો દર્દી ચૂકવશે?
દસ વર્ષ પહેલા તે દિવસે મને થોડું આમ મગજમાં ચચરી ગયેલું, થોડું ખૂંચી ગુયેલું એ ડોકટર સાથે કન્સલ્ટિંગ વખતે એ ડોકટરે કહેલું કે એના બાપે ચાર વીઘાનું ખેતર વેચીને એને ડોકટર બનાવ્યો છે. ચાલીસ લાખનું ડોનેશન આપીને એમ.બી.બી.એસ. થયેલો ને એમ.ડી, ગાયનેક જેવી અન્ય મને જાણકારી ન હોય એવી ડીગ્રી પણ ધારણ કરેલી.
ત્યારે એ ડોકટરને મેં કહેલું કે સાહેબ હું તો આમ પાર્ટ ટાઈમ જોબ કરી ને સ્વખર્ચે ઇન્જિનીયર થયો છું. ઇનજીનીયરની ડીગ્રી તો સસ્તી છે. મારા બાપને વન બી એચ કે નો એક ફ્લેટ લઈ આપ્યો છે. ઇ વાતને છ મહિના થયા ને હું આમ તેમ હોસ્પિટલની લોબી માં આટા મારતો ને એક નર્સે મને આવી ને કહેલુ કે “આમાં સહી કરી આપો સીજીરિયન કરવું પડશે અમે કોઈ જવાબદારી નથી લેતા”
એ કાગળની ચાર લાઈન વાંચવાનની મને જહેમત ક્યાં હતી!! મારી ઘરવાળી આમ તેમ દુખાવા માં તરફડતી હતી,, ને એક કલાક પછી એ ડોકટરે કહેલું કે
“એ બી પોઝીટીવ ત્રણસો સીસીની જરૂર છે કલાકમાં બ્લડ બેન્કમાંથી લઇ આવો થોડી ઇમરજન્સી છે બ્લડ બેન્કમાં વાત થઈ ગઈ છે”
એ પંદર કીલો મીટરનો રસ્તો કાપવાનો હતો મારે આમ એને હોસ્પિટલમાં મૂકીને એ વારે વારે મારું નામ લઇને બોલાવી રહી હતી, એ બ્લડની કોથળીનું પોટલું હું રૂમાલ માં વાળીને લાવ્યો ત્યારે એ ડોકટરે મને અભિનંદન પાઠવતા કહેલું કે
“ત્રીસ હજાર રૂપિયા કાઉન્ટર ઉપર જમા કરાવી દો.” ત્યાં રહેલી એક વૃદ્ધાએ મને કહેલું કે ” સવાર સુધી રાહ જોઈ હોત તો નોર્મલ ડીલીવરી થઈ હોત, મેં આવી કૈંક ડીલીવરી કરાવી છે”
એ વૃદ્ધા ને મેં કહેલું કે
” કાકી મારું તો કંઈ નુકસાન નથી થયેલ પણ એ ડોક્ટરના ભણવાનો ખર્ચો કાઢવા માટે તેના બાપનું ચાર વીઘા ખેતર વેચાઈ ગયેલું તે નુકશાન સરભર થઇ રહ્યું છે”
નીલેશ મુરાણી.