ઈશ્વર તરફથી તેમના ભક્તો માટે એક કવિતા

Quote

ઈશ્વર તરફથી તેમના ભક્તો માટે એક કવિતા

હું ઈશ્વર છું

તમે કરોડો છો ને હું એક છું

મારે પડી રહેવું હોય
પણ તમારે
મંગળા આરતી કરવી હોય
એટલે મને વાઘાં પહેરાવીને
બાબલાની જેમ તૈયાર કરી દો છો

ભોગ મને ધરાવો છો
ને આરોગો છો પોતે

જે દિવસે એક જલેબી ચાખીશ એ દિવસથી પ્રસાદ ધરાવવાનું બંધ થઈ જશે તે જાણું છું

લગ્ન નથી થતાં
તે મંગળફેરા માંગે છે

padma

સંતાન નથી
તે ઘોડિયું માંગે છે

કોઈને નોકરી જોઈએ છે
તો કોઈને છોકરી

માબાપ ખાસ જોઈતાં નથી
પણ મિલકત બધાંને જોઈએ છે

કોઈ કમાવા માંગે છે
તો કોઈ ચોરી કરવા માંગે છે

કોઈને બજાર ઊંચું લઈ જવું છે
તો કોઈને મફતનું જોઈએ છે

કોઈ રોટલો માંગે છે
તો કોઈ ઓટલો

મહામારી હું લાવ્યો નથી
પણ તે કાઢવાનું મને કહેવાય છે

જે આવે છે તે
ઘંટ ખખડાવીને
મારા કાન કોતરે છે

હું કોઈનું કામ નથી કરતો
તો મારા પરની શ્રદ્ધા ઘટી જાય છે

કોઈનું કામ થઈ જાય છે તો
મને મહાભોગ ચડે છે

વરસાદ નથી આવતો
તો યજ્ઞ થાય છે

આકાશ ખાબકે છે
તો ખમ્મા કરવાનું મને કહેવાય છે

પણ સાચું કહું
હું કોઈનું કૈં કરતો નથી

હું પરણાવતો
કે નથી કોઈનું છૂટું કરતો

જંગલ હું નથી કાપતો
હાઇરાઈઝ મેં નથી બાંધ્યાં

અમીર હું નથી કરતો
ગરીબી મેં નથી આપી

તમને લીલીછમ પૃથ્વી આપી
તે રહેવા માટે
એની તમે રાખ કરો
તો એમાં મારો શો વાંક?

મેં અણુ આપ્યો
ને તમે બૉમ્બ બનાવ્યો
પછી કહો કે શાંતિ વાર્તા કરો
તો કેવી રીતે કરું?

સાચું કહો
તમે મને ઈશ્વર માનો છો કે
નોકર ?

પ્રાર્થનાની આડમાં તમે
આજ્ઞાઓ જ કરો છો કે બીજું કૈં ?

ને તમે ઈચ્છો છો કે હું સેવા કરું
પણ હું કોઈનું સાંભળતો નથી

હું મેરેજ બ્યુરો ચલાવતો નથી
કે નથી ચલાવતો કોઈ
એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ

મેં કોઈનું કૈં બગાડ્યું નથી
કે નથી મારે કોઈ પાસેથી કૈં જોઇતું કરતું

શ્રીફળ વધેરીને
મને વધેરવાનું રહેવા દો
આપવાનું હતું તે આપ્યું જ છે

હવે મારી પાસે કૈં નથી
કૃપા કરીને હવે કૈં માંગીને
મને શરમાવશો નહીં

તમે આજ સુધી ઘણી પ્રાર્થનાઓ કરી
પણ આજે , હું તમને
એક પ્રાર્થના કરું છું

જાણું છું એ પછી કોઈ મારી પાસે કે મંદિરમાં આવવાનું નથી

તોય કહું છું કે
કોઈ માંગણી ન હોય
તો જ આવજો.

– રવીન્દ્ર પારેખ

Also read: બારાખડી નો ઢ ઉપમા તરીકે કેમ વપરાય છે?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *