ઘર ના ફર્સ્ટ એડ (First aid) બોક્સ માં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ?
ઘર ના ફર્સ્ટ એડ (First aid) બોક્સ માં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ?
ગુજજુમિત્રો, ફર્સ્ટ એડ (First aid) બોક્સ એક એવી વસ્તુ છે જે દરેક ના ઘરમાં હોવી જરૂરી છે. ફર્સ્ટ એડ બોક્સ એટલે દવાનો એક એવો નાનો ડબ્બો જેમાં પ્રાથમિક સારવાર માટે આવશ્યક એવી તમામ વસ્તુઓ ઉપલબ્ધ હોય અને મેડીકલ વસ્તુઓ હોવા છતાં ડૉક્ટર ની ગેરહાજરીમાં પણ તેનો ઉપયોગ કરવો હાનિકારક નથી હોતો. ઘરમાં નાના બાળકો હોય કે વૃદ્ધ વડીલો, એક ફર્સ્ટ એડ બોક્સ હોવું જ જોઈએ જેથી નાની-મોટી તકલીફો કે ઈજા ની સમયસર સારવાર થઈ શકે. ચાલો જાણીએ કે એક ફર્સ્ટ એડ બોક્સ માં કઈ કઈ વસ્તુઓ હોવી જરૂરી છે. જો તમારા ઘરે ફર્સ્ટ એડ બોક્સ ના હોય, તો આજે જ બનાવી લો અને જો હોય તો તપાસી લો કે આ બધી જ વસ્તુઓ નો સમાવેશ થાય છે કે નહીં.
૧. એન્ટિસેપ્ટિક લીક્વીડ
નાની ઇજા આવી હોય તો તેના પર થી ધૂળ કે કાંકરો સાફ કરવા માટે ડેટોલ કે સેવલોન કંપની નું એન્ટિસેપ્ટિક લીક્વીડ રાખો.
૨. એડહેસિવ બેનડેજ
કેટલીકવાર નાના છોકરાઓ પડી જાય કે રમતા રમતા ઘૂંટણ ચોળાઈ જાય કે નાની ચામડી ઊખડી જાય ત્યારે, બેન્ડ – એડ લગાવવી જરૂરી છે. બેન્ડ – એડ લગાડવા થી ઘા જલ્દી રૂઝાય છે અને તમારા કપડાં કે બીજી વસ્તુ થી વારંવાર સંપર્ક ના થવાથી તેમાં ઇન્ફેકશન નથી થતું. વૉટરપ્રૂફ બેન્ડ – એડ કોઈપણ મેડીકલ સ્ટોર માંથી મળી રહશે.
૩. ગોઝ ડ્રેસીંગ
એટલેકે માથા પર લગાવવાની સાદી પટ્ટી. કોઈપણ ઘા પર પાટો બાંધવા માટે કામ આવે છે.
૪. ક્રેપ બેનડેજ
પગ મચકોડાઈ જાય ત્યારે આ પાટો બાંધવાથી હલનચલન કરતી વખતે સાંધા પર ઝટકો નથી લાગતો.
૫. સેફટી પીન
બેનડેજ ને મજબૂતી થી બંધ કરવા માટે ઘણીવાર સેફટીપીન વધારે અસરકારક હોય છે.
૬. ટવીઝર
જો હાથમાં કે પગમાં કાંટો કે ફાંસ ઘૂસી જાય, તો ટવીઝર ની મદદ થી સરળતાથી નીકળી જશે અને ઇન્ફેકશન પણ નહીં થાય.
૭. નાની કાતર
દવા ની સ્ટ્રીપ કે પાટો કાપવા માટે કાતર હોવી અત્યંત જરૂરી છે. રસોડા ની કાતર અને ફર્સ્ટ એડ બોક્સ ની કાતર અલગ અલગ રાખવી.
૮. રૂ
એ ધ્યાન રાખો કે રૂ એક ચોખ્ખી કોથલીમાં અલગ થી પેક હોય. જો રૂ ગંદુ થઈ જશે તો તેને મેડીકલ કામ માં ઉપયોગ લેવું હિતાવહ નથી.
૯. થર્મોમીટર
તાવ ગમે ત્યારે આવે ત્યારે એક વસ્તુ જે સૌથી અગત્યની છે કે તમે તાપમાન ની નોંધ લેતા રહો. એક કાગળ માં સમય અને તાપમાન ની સૂચિ તૈયાર કરો.
૧૦. મચ્છર ની દવા
ઓડોમસ ની ક્રીમ મચ્છર થી બચાવે છે. નાના શિશુ માટે બે ભાગ બોડી લોશન અને એક ભાગ ઓડોમસ લઈને મિક્સ કરો. તેને શરીર ના ખુલા ભાગ પર લગાવો. આંખોની આસપાસ આ ક્રીમ લગાવવું નહી.
૧૧. એન્ટિસેપ્ટિક ક્રીમ
ઘા ને સાફ કરીને તેના પર લગાવીને છોડી દો .
૧૨. પેઈન કીલર
શરીર ના નાના-મોટા દુખાવા માટે પેઈન કીલર એટલે કે પેરાસીટેમોલ હોવી જરૂરી છે. હળવા તાવ માં પણ અસરકારક હોય છે. મેટાસીન, ક્રોસીન , ડોલો જેવી દવા સરળતાથી મળી જશે. બાળકો માટે જે-તે સીરપ ડૉક્ટર ની સલાહનુસાર લેવી.
૧૩. એન્ટાસીડ
અપચો કે ગેસ ની તકલીફ બહુ સામાન્ય છે. ENO, પુદીન હરા, જીવન મિક્સર્ કે ડાયજીન અસરકારક છે.
૧૪. એન્ટિ-એલર્જી
ધૂળ કે બીજી કોઈ પ્રકારની એલર્જી થી બચવા એવિલ નામની દવા બહુ કામની છે.
૧૫. બામ અથવા પેઇન રીલીવર સ્પ્રે
કોઈપણ પ્રકારના બામ અથવા રેલી સ્પ્રે, વૉલીની ઘરમાં હોવા જરૂરી છે.
૧૬. આંખો ના ટીપાં
આજકાલ કોમ્પ્યુટર ના વધારા પડતાં વપરાશ તેમજ હવામાં પ્રદૂષણ વધવાને કારણે આંખોમાં બળતરા થવી બહુ સામાન્ય વાત છે. રીફ્રેશ ટીયર નામના આંખો ના ટીપાં બહુ ફાયદાકારક છે.
૧૭. શેક ની કોથળી
સોજા, કફ કે દુખાવા થી રાહત મેળવવા માટે આવશ્યક છે. હવે ઇલેક્ટ્રિક કોથળી ઓ પણ મળે છે અથવા ગરમ પાણી વાળી સાદી કોથળી પણ ઉપયોગી છે.
૧૮. ગળા માટે ચૂસવાની દવા
ખદીરાવટી, કુશળ કંઠીલ અથવા વિક્સ ની ગોળી હળવી ખારાશ કે દુખાવા માટે ઉપયોગી છે.
ગુજજુમિત્રો, જો તમારા ઘરે ફર્સ્ટ એડ બોક્સ ના હોય, તો આજે જ બનાવી લો અને જો હોય તો તપાસી લો કે આ બધી જ વસ્તુઓ નો સમાવેશ થાય છે કે નહીં.