ઘરે કેરી પકાવવાની સાચી રીત કઈ છે?
ઘરે કેરી પકાવવાની સાચી રીત
ગુજજુમિત્રો, આજે હું તમારી સાથે ફળોનો રાજા કેરી વિષે વાત કરવા માગું છું. તે સ્વાદ માં પણ રાજા છે અને પોષકતત્વોમાં પણ. આ શ્રેષ્ઠ ફળ નો જન્મદાતા ભારતવર્ષ છે તે આપણા માટે ગૌરવની વાત છે. હજારો જાતની શ્રેષ્ઠ કેરી આપણે ત્યાં થાય છે. અને દરેક પ્રકારની કેરી ગુણકારી છે. આજે હું જણાવવા માગું છું કે કેવા પ્રકારની કેરી ખરીદવી જોઈએ અને ઘરે કેરી પકાવવાની સાચી રીત કઈ છે.
કઈ કેરી ખાવી જોઈએ?
કેરીની મોસમ ચાલી રહી છે અને હાલ હાફુસ અને થોડી અન્ય વેરાઈટી મળી રહી છે. કેસર શરુ થઇ રહી છે પણ હજુ જોઈએ તેવી આવતી નથી. મિત્રો, કોઈ પણ કેરી ખાવ, પરંતુ ઘરે પકાવીને ખાવ. કેરીની વખારમાં લેવા જાવ તો જ્યાં વખાર પાકતી કેરીની સુગંધથી મઘમઘતી હોય તેવી જગ્યાએથી જ કેરી લેવી અને બે દિવસ ઘરે રાખીને પછી ઉપયોગ કરવો. કાચી કેરી ઘરે પકાવીને ખાવી તે શ્રેષ્ઠ રીત છે. આંખ બંધ કરીને સપાટી પર હાથ ફેરવતા ખરબચડી લાગે, ઉપર દાણા દેખાય તે કેરી સારી.
કેરી ઘરમાં કેમ પકાવાય?
એક બકેટમાં થોડું ગરમ હોય તેવું પાણી લો. અંદર મીઠું (પ્રમાણસર) નાખો. હવે લાવેલી કેરી અંદર નાખી દો. ૧૫ મિનિટ રહેવા દો. ચોખ્ખા પાણીથી ધોઈને દાબો નાખો. શણના કોથળા પર છાપું પાથરો. તેના પર કેરી ઉભી ગોઠવીને લાઈનસર મુકો. વચ્ચે નાની ડુંગળી મુકતા જાવ. ઉપર ફરી છાપું મૂકી ચારે બાજુથી હવા ન લાગે તે રીતે કવર કરી લો. ઉપર કોથળા મુકો. બે-ત્રણ દિવસ પછી જુઓ તો કેરી પાકવા લાગી હશે. ડુંગળી કાઢી લો અને કેરીને આછું ઢાંકો. પાકવા લાગેલી કેરીને નીચેથી દબાવતા પોચી લાગે તે કેરી ખાવા માટે તૈયાર છે અને વધુમાં વધુ ફાયદાકારક છે.
કેરી કેવી રીતે ખાશો?
આપણે બધા (મોટાભાગના લોકો) બપોરના જમવા સાથે કાપીને કે રસ કાઢીને કેરી ખાઈએ છીએ. પણ કેરીના ગુણોનો પુરેપુરો ફાયદો લેવો હોય અને તેનો ઔષધની જેમ ઉપયોગ કરવો હોય તો કેરી હંમેશા નરણા કોઠે એટલે કે ખાલી પેટે જ ખાવ. થોડો સમય લાગશે, પરંતુ ધીરજથી ઘોળીને જ કેરી સીધી ખાવ અથવા શણના ટુકડામાં આપણે જયારે નાના હતા ત્યારે રસ કાઢતા હતા તે રીતે કાઢીને ખાવ.
Also read: મધ ની પરખ કરવાની ૪ સચોટ રીતો