ઘરનું રસોડું છે દવાખાનું અને મસાલા છે દવાઓ
રસોડું અને આરોગ્ય પર નિષ્ણાત ની સલાહ
ડો. શિલીન શુકલ વિશ્વખ્યાત કેન્સર સર્જન છે. તેમણે અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશમાં રસોડું અને આરોગ્ય વિષય અંતર્ગત તેજાનાની રસપ્રદ વાતો કરી તે મિત્રો સાથે વહેંચું છું. યાદ રહે આ વ્યાખ્યાન કોઇ વૈદ્યરાજે કે કુદરતી ઉપચારના તજજ્ઞએ નહોતું આપ્યું. મેડિકલ સાયન્સ ના પ્રખર અભ્યાસી અને અનુભવી દ્વારા અપાયેલા આ વ્યાખ્યાનને ચિક્કાર સભાગૃહમાં બેઠેલા તમામ શ્રોતાઓએ રસપૂર્વક-શાંતિથી સાંભળ્યું હતું.
ઘરનું રસોડું છે દવાખાનું અને મસાલા છે દવાઓ
તેમણે ક્હ્યું કે જેમ પેટને રોગ મંદિર કહેવામાં આવે છે તેમ તે આરોગ્યનું મંદિર પણ છે. તે જ રીતે ઘરનું રસોડું છે દવાખાનું અને મસાલા છે દવાઓ. ગૃહિણી એટલે ઘર. ગૃહસ્થ તેમાં સ્થિર થાય છે. આપણે આહાર શા માટે લઇએ છીએ ? પોષણ, રક્ષણ, ચિકિત્સા, આનંદ, વૃષ્ટિ, તૃપ્તિ, સંતતિ, સામાજિક સૂત્રતા માટે. તન-મન-ચેતન અને સમાજનું આરોગ્ય સાચવવામાં રસોઇ ખૂબ મહત્વની. રસોઇ પહેલાં, રસોઇ સમયે, રસોઇ પછી અને રસોઇ સિવાયનાં કાર્યો- આ ચાર રીતે રસોઇને જોવી-સમજવી જોઇએ. રસોઇ બનાવવામાં શ્રમ થતો, હવે બધું તૈયાર મળવા લાગ્યું તેથી શ્રમ ગયો.
બેઠાડું જીવનની ભેટ – પુરુષોને હૃદયરોગ અને સ્ત્રીઓને સ્તન કેન્સર
બેઠાડું જીવને પુરુષોને હૃદયરોગની અને સ્ત્રીઓને સ્તન કેન્સરની ભેટ ધરી છે. હવે રસોડાં પેન્ટ્રી જેવાં બનવા લાગ્યાં છે. થોડા વર્ષોમાં પશ્ચિમની જેમ આપણા દેશમાં પણ રસોડું સ્થગિત થશે. તેમણે કઠોળાં-તેજાના- વિષય પર મુખ્ય વ્યાખ્યાન આપ્યું. સ્વાદ મુખ્ય ચાર પ્રકારના હોય છે. ગળ્યો, ખારો, ખાટો અને કડવો. તીખો સ્વાદ હોતો નથી. એ જીભ પર થતો ચચરાટ હોય છે. તૂરો અસ્વીકાર્ય સ્વાદ છે.
તેજાના છે આપણી તાકાત
તેજાના માટે સંસ્કૃતમાં શબ્દ છે ગંધદ્વવ્ય. એ રુચિકારક છે. તેજાનાનાં લક્ષણોઃ સુગંધ, તૈલી, વનસ્પતિજન્ય, ચચરાટ, ખાદ્ય અને આસ્વાદ્યક. વિશ્વમાં 109 જાતના તેજાનાની ઓળખ થઇ ગઇ છે. તેમાંથી 60 ભારતમાં ઉગે છે. 30 તેજાના રોજે રોજે વપરાય છે. ભારત ગુલામ થયું તેનું એક કારણ તેજાના પણ છે. એક જમાનામાં તેજાનાને કારણે ભારતની જાહોજહાલી હતી. મધ્ય-પૂર્વ અને યુરોપના લોકો તેજાના લેવા-વેપાર કરવા અહીં આવ્યા હતા. તેજાનામાં તીખાશ હોય છે. તેનાથી ચચરાટ અને બળતરા થાય છે. લોકોને તેનાથી મજા આવે છે. તેજાના એંડોફિન્સ- પીડામુક્ત કરે છે.
રસોડા ના મસાલા માં છે ઔષધીય ગુણો
- હિંગમાં અનેક ગુણ છે, પણ હાઇબીપી હોય તેણે ના લેવી.
- તમાલપત્ર જોખમી cholesterolત્ર ઘટાડે છે અને સારું cholesterol વધારે છે.
- તમાલપત્ર ડાયાબિટીસ/હૃદયરોગમાં ઉત્તમ છે.
- ઇલાયચી કેન્સર વિરોધી છે. શ્વાસ રોગમાં પણ ઉત્તમ.
- લાલ મરચું ખાનારાઓમાં 10 ટકા મૃત્યુદર ઘટ્યો. 20 હજાર લોકો પર 13-14 વર્ષ સંશોધન કરાયું હતું. લીલું મરચું હૃદયરોગ-કેન્સર સામે લડત આપે છે. ફેફસાં મજબૂત કરે છે. મરચામાં એન્ટી બેક્ટેરિયા હોય છે.
- કોથમીર કેન્સર વિરોધી ભાજી છે.
- તજ-હૃદયરોગ-કોલેસ્ટ્રોલ ઘટાડે છે. દાંતનો સડો ઘટાડે છે. (તજની યકૃત પર આડ અસર થતી હોય છે.)
- લવિંગ શ્વાસની દુર્ગંધ ઘટાડે છે. લવિંગ ચામડીને બહેરી કરી શકે છે. સડો રોકે પણ છે.
- જઠરમાં ચાંદુ પડ્યું હોય તો કોકેમ ઉપયોગી છે. પગના વાઢિયા પણ મટે.
- જીરૂ કેન્સર, વિરોધી છે. મધુપ્રમેહમાં પણ ઉત્તમ.
- મીઠો લીમડો જીવાણું નાશક છે. દાંતનો સડો પણ અટકાવે છે. મીઠો લીમડો ચાવીને કોગળા કરી શકાય. આંખની દૃષ્ટિ મળે. તેમાં કેરોટીન અને બીટા કેરોટીન હોય છે.
- વરિયાળીના અનેક ગુણ છે. લોહીનું દબાણ ઘટાડે છે.
- મેથી કડવી છે, પણ ઉત્તમ છે. તે કોલેસ્ટ્રોલ, ચરબી ઘટાડે. તેનું તેલ ટાલ સામે રક્ષણ આપે છે. ભૂખ જગાડે, સાંધાના દુઃખાવામાં તો અક્સીર.
- લસણ હૃદયરોગ કેન્સર વગેરેમાં ઉપયોગી. આંતરડાના રોગમાં પણ ઉપયોગી છે.
- આદુ જાતીયતા ઉશ્કેરે છે, ઉલટી બંધ કરે. કેન્સર સામે લડે.
- આમચૂર(આમચૂર્ણ)પ્રતિ કેન્સર છે.
- ફૂદીનોઃ માનસિક રીતે સક્રિય રહેતા લોકોનાં આંતરડાની સક્રિયતા વધી જાય છે. તેને સ્થિર કરવાનુ્ં કાર્ય ફૂદીનો કરે છે. (સતત વિચારતા લોકોએ ફૂદીનોને મિત્ર બનાવી લેવો.) ફુદીનામાં બેક્ટેરિયા, વિષાણું, જીવાણું સામે લડવાની તાકાત છે.
- રાઇઃ શરદીમાં કામ આવે. અમેરિકામાં રાઇના તેલ પર પ્રતિબંધ છે. રાઇના તેલથી સોજા આવે છે.
- જાયફળઃ લોહીમાં દબાણ ઘટાડે-પેટનો દુઃખાવો મટાડે. દાબીને ખવાઇ ગયું હોય તો જાયફળ આંતરડાની હલનચલન ઘટાડે છે.
- અજમો-પ્રતિકેન્સર છે.
- જેઠીમધઃ બ્લડપ્રેશર હોય તેણે ના લેવું.
- કાળાંં મરીઃ ભારતને ગુલામ કરવામાં તેનું મોટું પ્રદાન છે. તે પાચનમાં ખૂબ મદદ કરે છે.
- કેસરઃ ડિપ્રેશન ઘટાડે-સ્પૃતિ વધારે, આંખની દૃષ્ટિ તેજ કરે, શરીરનો દુઃખાવો ઘટાડે-તેના અનેક ફાયદા છે. જનીનની વિકૃતિ દૂર કરે.
- આંબલીઃ આંખના રોગ ઘટાડે.
- હળદરઃ ચિંતા ઘટાડે. લોહી વહેતું બંધ કરે. લોહીને ગાંઠવા ના દે. મોં ગળાના કેન્સરને રોકે.
મસાલા ઘરે જ તૈયાર કરો
તેમણે બધા તેજાનાથી બનતા ગરમ મસાલાની વાત કરતાં ભારપૂર્વક કહ્યું કે બજારમાંથી તૈયાર મસાલા લાવવા હિતાવહ નથી. જે તે સમયે ઘરે જ મસાલા તૈયાર કરીને તેનો ઉપયોગ કરવો જોઇએ. આ તેજાના/મસાલા માત્ર સ્વાદ માટે નથી, સ્વાસ્થય માટે છે. દરેક તેજાનાનો જરૂર પડતો ઉપયોગ કરવો જોઇએ. આ વ્યાખ્યાન સાંભળીને થયું કે રસોડું એ મેડિકલ સ્ટોર જ છે. જો ગૃહિણીઓ સમજીને આ તમામ તેજાનાનો નિયમિત રીતે ઘરનાં સભ્યોની જરૂરિયાત અનુસાર ઉપયોગ કરે તો મોટા ભાગની બિમારીઓ દૂર થાય.
Also read : ભારતીય મસાલામાં છુપાયેલું છે સ્વાસ્થ્ય સુખ
Very informative👏. Loved to read the health benefits of the spices😊👍
ખૂબ જ ઉપયોગી માહિતી 🙏🙏🙏