સ્વદેશી અપનાવો, વિદેશી જીવનશૈલીને કહો ગુડબાય

સ્વદેશી અપનાવો

ગુજજુમિત્રો, આજે હું તમારી સાથે એક સરળ વાત શેર કરવા માગું છું. ભારતના વડવાઓ બહુ સમજી વિચારીને કહેતા કે અન્ન જ ઔષધ છે. તેમની પાસે દરેક તકલીફોનો દેશી ઈલાજ તૈયાર હતો. તેમની પાસે દરેક પરેશાનીનો સ્વદેશી ઉપચાર હતો. પરંતુ વિદેશી વસ્તુઓ નો આપણને એવો ચસ્કો લાગ્યો કે આપણે ભાન ભૂલીને દેશી ત્યાગીને, વિદેશી જીવનશૈલી અને ખોરાક અપનાવ્યો. હવે આજે એ જ વિદેશોમાં ભારતના દેશી ઈલાજ ના ગુણગાન ગવાય છે. હું તમને એક જ વિનંતી કરવા માગું છું કે સ્વદેશી અપનાવો, વિદેશી ને કહો ગુડબાય.

વાળ માટે આમળા અરીઠા વાપરવાનું છોડીને શેમ્પૂ કેમ વાપરવા લાગ્યા?

મલ્ટિનેશનલ કંપનીઓએ આપણને કહ્યું કે , વાળને સિલ્કી બનાવવા અમારું શેમ્પુ ઈસ્તેમાલ કરો અને અરિઠા , શિકાકાઈ છોડો! આજે હવે એ જ કંપનીઓ અરિઠા અને આમળા અને શિકાકાઈયુક્ત શેમ્પુની કરોડોના ખર્ચે જાહેરાતો ટેલિવિઝન પર આપે છે.

દાંત માટે દાંતણ છોડીને કોલસાવાળી ટૂથપેસ્ટ કેમ વાપરવા લાગ્યા?

આપણે જ્યારે દાંત સાફ કરવા કોલસા કે નમકનો કે દાતણનો ઉપયોગ કરતા ત્યારે વિદેશી કંપનીઓ ભારતીયોની ઠઠ્ઠા – મશ્કરી કરતી હતી. હવે … દરેક મલ્ટિનેશનલ કંપનીઓ કરંજ , બાવળ , લવિંગ વગેરેનો અર્ક નાંખીને ટુથપેસ્ટ બનાવે છે ! તેઓ કોલસાવાળી પેસ્ટ પણ બનાવે છે અને દરરોજ આપણને પૂછે છે કે , ” આપ કે ટુથપેસ્ટ મેં નમક હૈ ” ?

ઘઉં નો ત્યાગ કેમ કરવા લાગ્યા?

હમણાં એક નવું તૂત નીકળ્યું છે : વ્હિટ બેલી . કોઈ એક સંશોધકે તારણ આપ્યું કે , ઘઉંને કારણે પેટ વધે છે , તેમાં રહેલા ગ્લુટેનને કારણે ફાંદ વધે છે. કોઈ ધાનથી એમ પેટ વધતું નથી . માપમાં લો ત્યાં સુધી કશું જ ઝેર નથી. બેશક , બાજરો , જુવાર , મકાઈ જેવા જાડા ધાનનો મહિમા અપરંપાર છે. પણ .. તેનો મતલબ એ નથી કે , ઘઉં નકરું નુકસાન કરે છે. સાવધાન રહો , આવા કુપ્રચારથી બચો. આપણી ફુલકા રોટલી જેવી સુપાચ્ય અને પોષક બ્રેડ આખી દુનિયામાં બીજી એકપણ નથી.

દૂધ અને દૂધ ની વસ્તુઓને કેમ છોડવા લાગ્યા?

આવો જ એક ટ્રેન્ડ ચાલ્યો છે : વિગન બનવાનો . વિગન એટલે દરેક ડેરી પ્રોડક્ટનો નિષેધ . દૂધ , દહીં , છાસ , માખણ , ઘી , ચીઝ , પનીર…. કશું જ નહિ લેવાનું . ભારતીયો માટે આ કોન્સેપ્ટ મૂર્ખતા થી વિશેષ કશું જ નથી. કારણ કે, પશ્ચિમમાં આ આઈડિયા પશુઓ પર અત્યાચાર રોકવાની ચળવળના ભાગરૂપે છે. ભારતનું ગોપાલન ક્રુરતાથી જોજનો દૂર છે. અહીં તો ગોપાલક જે – તે ગાયને નામથી ઓળખે છે , ગાય અથવા ભેંસ તેની સખી હોય છે. બીજું, દૂધ – દહીં , ઘી અને પનીરનું આપણી ડિશમાં આગવું સ્થાન છે. એનો મહિમા અને મહત્વ આપણે જાણીએ છીએ. યાદ રાખજો, આજથી પાંચ-દસ વર્ષ પછી આપણે લોકોને વિગનમાંથી ફરી વેજિટેરિયન બનવા ઝુંબેશ કરતા હોઈશું.

ગાયના દૂધનું માખણ!

દરિયાઈ નમક પછી આયોડિન નમક અને હવે ફરીથી સી-સોલ્ટ?

દેશી અને વેસ્ટર્ન કંપનીઓએ આપણને ઉપદેશ આપ્યો કે, નમકમાં આયોડિન અનિવાર્ય છે. તેમણે શેરીમાં નમક વેચવા આવતા ફેરિયાઓની લારીઓ બંધ કરાવી. ફેરિયાઓ નમક જોખી આપતાં. કંપનીઓએ તગડો ભાવ નક્કી કર્યો. મારો સવાલ તો એ છે કે, દરિયાઈ મીઠું – સી સૉલ્ટ ખાવાની જરૂર જ શી છે ? આયુર્વેદમાં પણ સિંધાલૂણનો મહિમા છે, હિમાલયન પિન્ક સોલ્ટ તરીકે ઓળખાતું ગુલાબી નમક પણ ગુણમાં બેજોડ છે. પણ આપણને તબિયત સારી રાખતા આપણા આવા દેશી નમકમાં રસ નથી , બ્લડપ્રેશર હાઈ કરી નાંખતા બ્રાન્ડેડ દરિયાઈ નમક આપણે હોંશે-હોંશે ખરીદીએ છીએ.

પૌઆ ને બદલે કોર્નફલેક્સ કેમ વાપરવા લાગ્યા?

ચોખાના પૌઆ છોડ્યા આપણે અને કૉર્નફ્લેક્સ પકડાવ્યા . પૌઆ જેવો હળવો અને નિર્દોષ એકેય નાસ્તો નથી. પણ આપણને કહેવામાં આવ્યું કે, બાળકો જો આ કૉર્નફ્લેક્સ ખાશે તો અરબી ઘોડાં જેવા તંદુરસ્ત બની જશે. જાણે પૌઆ – મમરા ખાઈને આપણાં બાળકો લુલાં – લંગડા બની ગયા હોય!

ભારતીય મસાલા જેવુ કઈ જ નથી

પહેલા તો ભારતીય ખાવાનું બહુ તીખું અને મસાલાયુક્ત હોય છે તેમ કહીને મજાક ઉડાવતા વિદેશી લોકો અને જગત આખું એ જ ભારતીય મસાલા પાછળ ઘેલું છે. એ જ તજ – લવિંગ , મરી – મસાલા , હળદર , મરચું , અજમો , જાયફળ અને જાવંત્રીનો ઔષધિય મહિમા હવે બધા જ સ્વીકારે છે. કોરોના કાળમાં પણ આ જ આપણાં મસાલા હવે ઔષધ તરીકે કારગત નિવડી રહ્યાં છે.

હળદર ના ગુણ જોઈને વિદેશીઓ પણ હક્કાબક્કા છે

આપણે સદીઓથી રસોઈમાં હળદરનો ઉપયોગ કરીએ છીએ, હવે આપણને કહેવામાં આવે છે કે, હળદર ખાઈએ તો અલ્ઝાઈમરથી મહદ અંશે બચી શકીએ. વૈજ્ઞાનિક પરીક્ષણો નહોતા થયા ત્યારે પણ આપણે હળદરનો ઔષધ તરીકે ઉપયોગ કરતા હતા. હવે મેડિકલ સાયન્સ કહે છે કે, તેમાં કરક્યુમિન નામનું એક ચમત્કારિક તત્ત્વ છે – જે મોટાભાગના વાઈરસ, બેક્ટેરિયા અને ફંગસ સામે જબરજસ્ત પરિણામ આપે છે.

Turmeric

ભારતીય રસોડું ઔષધ કેન્દ્ર હવે રોગોનું ઘર કેમ બની ગયું?

પહેલાના સમયમાં લોકો વૈદ્યરાજ પાસે ઉપચાર માટે આવતા. નજીવા પૈસામા તેઓ નાની – મોટી બીમારીનો ઈલાજ સૂચવે. એમની સારવાર પણ એકદમ યુનિક. આપણા રસોડામાં ઉપલબ્ધ હોય તેવી વસ્તુઓ જ દવા તરીકે સૂચવે. કોઈને અજમો લેવાનું કહે , કોઈને મેથી તો કોઈને વરિયાળી , તજ – લવિંગ , એલચી , જાયફળ કે ધાણાજિરુ. લોકો તેમને ‘રસોડાં વૈદ્ય’ તરીકે જ ઓળખતા. આપણું રસોડું સ્વયં એક ઔષધ કેન્દ્ર હતું, આપણે તેને રોગોનું ઘર બનાવી દીધું. ફ્રોઝન ફૂડ, પ્રિઝર્વેટિવ ધરાવતા ખાદ્યપદાર્થો અને જાતજાતનાં ફાલતૂ સૉસ આપણાં ભોજનનો હિસ્સો બન્યા. અસલી વસ્તુઓ વિસરાતી ગઈ અને સિન્થેટિક પદાર્થો ઘૂસતા ગયા. બદામ – પિસ્તાવાળું દૂધ બાળકોને આપવાને બદલે હવે આપણે ટીનપેક ફૂડ સપ્લીમેન્ટ આપીએ છીએ, ચિક્કાર ફળો ઉપલબ્ધ હોવા છતાં માત્ર ૨૫ ટકા ફળોનો રસ ધરાવતા ટેટ્રા પેક ખરીદીએ છીએ.

શું આપણી ચટણી અને અથાણાં ચાઈનીઝ સોસ કરતાં બહેતર નથી?

જરા વિચાર કરો, કહેવાતી ચાઈનીઝ ડિશમાં ચિલી સોસ, ટોમેટો સોસ, ગાર્લિક સોસ વગેરે ઠલવાય છે. સવાલ એ છે કે, શું આપણી ચટણીઓ એ ફ્રેશ સોસ જ ન ગણાય ? આપણે લસણની , મરચાંની , આદુની, કોથમીર – ફુદીનાની ફ્રેશ ચટણીઓ બનાવી જાણીએ છીએ. આ બધી ચટણીઓ એક પ્રકારે એપેટાઈઝરનું કામ પણ કરે છે અને ઔષધનું પણ કરે છે. એમ જણાવાતા પ્રદીપભાઈ ઉમેરે છે કે આપણને આવા છ-બાર મહિના પહેલા બનેલા અને ભરપૂર કેમિકલ્સ ધરાવતા હાનિકારક સોસની કોઈ જ આવશ્યકતા નથી.

આપણાં સરગવા ને વિદેશી ઓ સુપરફૂડ કેમ કહે છે?

આપણા ગામના પાદરે સરગવો સાવ રેઢો ઊભો હતો , વડવાઓ તેનાં પાનમાંથી થેપલાં , મુઠિયાં અને સબ્જી બનાવતાં. એ બંધ કર્યું. આજે એ જ પાંદડાનો પાવડર બે-ત્રણ હજાર રૂપિયે કિલો ખરીદીને ગળચીએ છીએ. કારણ કે, હવે તો નિષ્ણાતો તેનાં ગુણગાન ગાય છે !

ગુજજુમિત્રો, આપણાં વડવાઓ કરતાં મોટા નિષ્ણાતો બીજા કોઈ નહોતા, કોઈ નથી. એટલે જ કહું છું સ્વદેશી અપનાવો, વિદેશી જીવનશૈલીને કહો ગુડબાય.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *