એક ગરીબ શાકવાળા ની દુર્દશા : આ કેવો ન્યાય છે?
એક ગરીબ શાકવાળા ની દુર્દશા : આ કેવો ન્યાય છે?
કાલે સાંજે પિન્ટુ જમવા ના ટેબલ પર બેઠો હતો પણ અપસેટ હતો…આટલો અપસેટ કદી મેં તેને જોયો ન હતો..મેં કીધું બેટા કોઈ તકલીફ..?
ના પપ્પા ..ખરેખર કર્મ શુ છે ?
કર્મ નો સિદ્ધાંત
મેં કીધું બેટા અચાનક સવાલ કરવાનું કારણ ?
બસ એમજ…દરેક વ્યક્તિ પાસે અથવા લખાણ માં વાંચું છું, સાંભળું છે..દરેક વ્યક્તિને તેના કર્મની સજા ભોગવવી પડે છે..
બેટા…સાંભળ આપણી થાળી માં જમવા ના બત્રીસ જાત ના ભોજન પડ્યા હોય છતાં પણ ખાઈ ન શકીએ એ કરેલા કર્મ નું પરિણામ જ છે જીવન દરમિયાન કદી અન્નદાન કર્યું ન હોય તો પણ આવું બને…
આ બત્રીસ પ્રકારની વિવિધ વાનગી જોવી ગમે છે..પણ એ જ ખોરાક ના કોળીયા ની સફર મોઢા થી અંદર ગયા પછી વિવિધ પ્રક્રિયા માંથી પસાર થતા થતા જ્યારે “મળ” સ્વરૂપે એ બહાર આવે છે ત્યારે તે તરફ નજર પણ કરવી આપણને ગમતી નથી….
બેટા ખરાબ કર્મ નું આવું જ છે…ખરાબ કર્મ ના પરિણામ તરફ નજર કરવી પણ આપણને ગમતી નથી…પણ કર્મ ક્યાં કોઈ ને છોડે છે.
ડોકટર આપણને ચેતવે તંદુરસ્ત શરીર માટે કયો ખોરાક લેવો કયો ન લેવો ..તેવી જ રીતે આપણા અંતર આત્મા માં બેઠેલ ઈશ્વર આપણને સારા ખરાબ કર્મ કરતી વખતે માર્ગદર્શન આપે છે પણ આપણે તેની સલાહ ને નજર અંદાજ કરીયે છીયે
પણ બેટા… આજે અચાનક આવું પૂછવાનું કારણ?
શાકવાળો અને તેની લારી
પપ્પા…આજે સવારે હું મોટી શાક માર્કેટ માં શાક લેવા ગયો હતો..અચાનક ભાગ દોડ થવા લાગી..કોઈ લારી લઈ સલામત જગ્યા એ ભાગવા લાગ્યા તો કોઈ નીચે પાથરી ને બેઠા હતા એ પોટલાં વાળી ભાગવા લાગ્યા..મેં જોયું તો દૂર થી..દબાણ હટાવવા ની એક ગાડી આવતી હતી…
હવે થયું એવું કે એક ઘરડા માજી જેવા બા લારી ને ભગાવી શકે તેવી સ્થતિમાં ન હતા તેમનો દીકરો કોઈ કામ થી આઘો પાછો થયો હશે ત્યાં દબાણવાળા નજીક આવી ગયા..
દબાણવાળા ને માજી એ ખૂબ હાથ જોડી વિનંતી કરતા હતા ત્યાં તેનો છોકરો દોડતો આવ્યો. એ પણ ખૂબ હાથે પગે લાગ્યો, સાહેબ ગરીબ માણસ છું..મારી લારી ને કંઈ ન કરો..આંખમાં માઁ દીકરા ના આંસુ,
પણ નિર્દય દબાણવાળા નું હ્રદય પીગળતું ન હતું…
કાયદો સાચો છે, પણ શું ન્યાય સાચો છે?
સમજુ છું કાયદો તેના પ્રમાણે કામ કરે છે.પણ કોઈ નું ખૂન તો કર્યું ન હતું…? વર્તમાન પરિસ્થતિમાં જીવનધોરણ ટકાવવું લોકો માટે મુશ્કેલ બન્યું છે…ત્યારે કોઈ વખત વ્યક્તિ અને તેની ઉંમર જોઈ થોડી માનવતા રાખી હોય તો કોણ તેમને પૂછવાનું હતું..કોઈ તેમને એવોર્ડ નથી આપી દેવાના…
આવા તો ગેરકાયદેસર કેટલાય દબાણ હશે ત્યાં આવી વ્યક્તિઓના ટાંટિયા અને હાથ ધ્રૂજવા લાગે છે..ગરીબ વ્યક્તિ ને જુએ એટલે ચરબી ચઢે છે.. નિર્બળ નિ:સહાય વ્યક્તિ ઉપર જુલમ અને અત્યાચાર ગુજારતા વિકૃત આનંદ મેળવતા..આવા લોકો સત્તા અને તાકાત સામે કૂતરા ની જેમ પૂંછડી બે પગ વચ્ચે દબાવી ભાગી જતા મેં જોયા છે.
પપ્પા..લારી વાળો બે હાથ જોડી વિનંતી કરતો હતો સાહેબ અત્યારે હું દેવા માં ડુબેલ છું..વધારે નુકશાન ન કરો..હું સહન નહિ કરી શકું..હું જીવવા લાયક નહિ રહું… સાહેબ ..સાહેબ એ અને તેની ઘરડી માઁ કરગરતા રહ્યા
અને દબાણવાળા એ આંખ ના પલકારા માં ચાર જણાએ ભેગા થઈ લારી ને રસ્તા ઉપર ઊંધી વાળી શાક રસ્તા ઉપર ઢોળી નાખ્યું અને લારી ને ઊંચકી ટ્રક માં ચઢાવી દીધી…
પપ્પા લારી વાળો અને તેની માઁ લારી અને રસ્તા ઉપર વેરાયેલ શાક સામે જોઈ ચોધાર આંસુએ રડતા રહ્યા… અને આ નિર્દય લોકો આગળ વધ્યા..
પિન્ટુ જમવા ની થાળી ઉપર રડતો હતો…પિન્ટુ આટલો લાગણીશીલ છે એ મને આજે ખબર પડી બીજા ના આંસુ જોઇ તમારી આખ માં આંસુ આવે ત્યારે તમે સમજી લ્યો તમે માનવતા ની ટેસ્ટ માં પાસ થઈ ગયા છો..
મેં પિન્ટુ ને પાણી આપ્યું.. પિન્ટુ સ્વસ્થ થઈ અમારી સામે જોઈ બોલ્યો….પપ્પા વાત અહીં પુરી નથી થતી….
લારીવાળા ની ઘરડી મા
આ લારીવાળો પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો… એ તેની ઘરડી માં ના ખભે માથું મૂકી ખૂબ રડ્યો.. માઁ હું લૂંટાઈ ગયો બરબાદ થઈ ગયો..મારી પાસે હવે કંઈ રહ્યું નહિ..હું જીવી ને શુ કરું..કહી એ અચાનક બાજુ માં વહેતી નદી તરફ દોડ્યો.
તેની ઘરડી માં કાળું…ઉભો રહે બેટા. કહી.ધીરે ધીરે તેની પાછળ દોડતી રહી…અને બુમો મારતી રહી…પણ કાળું ના માથે કાળ સવાર થયો હતો ..એ બાજુ માં વહેતી નદી ના પુલ ઉપર થી ઝંપલાવી પોતાના જીવનો અંત લાવી દીધો… નદી ના પુલ ઉપર ઘરડી માં કાળું કાળું કરતી આક્રંદ કરતી રહી….
હવે મારી અને કાવ્યા ની આંખો પણ ભીની થઇ…
પપ્પા આટલી હદ સુધી નિર્દયતા ન હોવી જોઇયે…એક ગરીબ શાકવાળા ની આવી દુર્દશા? કાયદા નું પાલન કરવું જનતા ની જેટલી ફરજ છે એટલી નેતાઓ ની પણ છે..એ કાયદા નો ભંગ કરે તો તાકાત છે.આવા કર્મચારીઓ પાસે કે તેની ઉપર પણ આવી કડક કાર્યવાહી કરે ?
બેટા આઝાદી પછી ના ભારત ની કલ્પના જનતા એ આવી કરી નહતી… જનતા ટેક્ષ ભરતા રહે છે…અને આ આખલા રૂપી નેતાઓ લીલા છંમ ખેતરો ચરી જાય છે… ગરીબી માટે ફક્ત વસ્તી વધારો જ્વાબદાર નથી…આપણી દેશ ની સંપત્તિ અને ટેક્ષ રૂપી રૂપિયા ની બેફામ લૂંટફાટ પણ એટલો જ જવાબદાર છે….
પિન્ટુ તો શાંત થયો..પણ મને વિચારતો કર્યો..એ શાકવાળા કાળુ ની માઁ નું શું થયું હશે…?
– પાર્થિવ
Also read : જંગલમાં ખળભળાટ : એક ગુજરાતી વ્યંગકથા