રસોઈ કરતા દાઝી જવાય તો તાત્કાલિક શું કરવું? – ૬ અકસીર ઉપાય
રસોઈ કરતા દાઝી જવાય તો તાત્કાલિક શું કરવું?
ગુજજુમિત્રો, રસોઈ કરનારી દરેક વ્યક્તિ જાણે છે કે વઘાર કરતાં, કે તળતા અથવા રોટલી શેખતા ઘણીવાર એવું થાય છે કે હાથ હળવો દાઝી જાય છે. તો આજે હું તમને એક લેખ શેર કરી રહી છું જેમાં જો થોડું દાઝી જવાય તો શું કરવું જોઈએ તેના ઉપાય બતાવ્યા છે. મને આશા છે કે તમને મદદરૂપ થશે.
રસોડામાં દાઝવાના કારણ શું?
આનું મુખ્ય કારણ તો એ કે રસોડા માં એક સાથે ૩-૪ કામ પર ધ્યાન રાખવું પડે છે. હકીકતમાં, દસ હાથવાળી દેવી જ બનવું પડે છે કારણકે એક તરફ રોટલી નો લોટ બાંધવાનો હોય, તો બીજી તરફ દૂધ ગરમ થતું હોય અને ત્રીજી તરફ દાળ ભાત ના કૂકરની સીટી વાગતી હોય છે. અને આજ કાલ તો રસોઈ કરતાં કરતાં ટીવી ચાલતું હોય અથવા મોબાઈલ. એટલે સમજવાની વાત એ છે કે શક્ય હોય એટલું હાથવગા કામ પર જ ધ્યાન દો .
ઘઉં નો લોટ છે અકસીર : વાંચો સત્ય ઘટના
હાલમાં મેં એક એક બહેનનો અનુભવ વાંચ્યો હતો. તેઓ કહે છે, “કેટલાક સમય પહેલાં હું મકાઈડોડા બાફતી હતી. એ તૈયાર થયા છે કે કેમ તે જોવા માટે મેં ઉકળતા પાણીમાં ફોર્ક ખોસ્યો. ફોર્ક ડોડા પરથી સરકી ગયો અને મારો હાથ સીધો ઉકળતા પાણીમાં. હું સખત રીતે દાઝી ગઈ અને ચીસાચીસ કરવા માંડી. એ સાંભળી વીયેતનામ યુદ્ધમાં જઈ આવેલ મારો ભાઈ દોડી આવ્યો. એણે પુછ્યું, “તું ઘઉંનો લોટ રાખે છે?” મારી પાસે એક બેગમાં ઘઉંનો લોટ હતો. હું તે લઈ આવી. એણે મને આ લોટમાં 10 મીનીટ સુધી હાથ રાખી મુકવાનું કહ્યું.
મારા ભાઈએ કહ્યું, “વીયેતનામમાં એકવાર એક ભાઈ આગની લપેટમાં આવી ગયો હતો. ગભરાટમાં બીજું કશું જ મળી ન શક્યું, આથી આગ બુઝાવવા પાસે પડેલી લોટની ગુણ એના પર આખી ને આખી ઠાલવી દીધી. એનાથી આગ તો બુઝાઈ જ ગઈ, એટલું જ નહીં એના શરીર પર એક પણ ફોલ્લો ઉઠી આવ્યો ન હતો. દાઝી જવાની સહેજ પણ વેદના એને થઈ ન હતી. અને ત્યાર બાદ દાઝી જવાનાં કોઈ ચાંઠાં પણ પડ્યાં ન હતાં.” મેં મારો હાથ લોટની બેગમાં મુકી ૧૦ મીનીટ સુધી રહેવા દીધો. મારા હાથ પર ફોલ્લો તો ઉઠ્યો જ ન હતો, લાલ ચકામું સુદ્ધાં જોવા મળ્યું નહીં, અને સહેજ સરખી વેદના પણ નહીં.
ઘઉં નો લોટ શા માટે છે ગુણકારી?
હંમેશાં ઘઉંનો લોટ હાથવગો રાખો, જેથી દાઝી જવાય તો કામ લાગે. કારણકે આ લોટમાં ગરમી શોષી લેવાનો ગુણ છે, અને એ પ્રબળ એન્ટીઑક્સીડન્ટ ગુણ પણ ધરાવે છે. આથી દાઝ્યા પછી જો ૧૫ મીનીટની અંદર ઘઉંનો લોટ લગાડવામાં આવે તો બહુ જ રાહત થાય છે.
નળ નું વહેતું પાણી – ડૉક્ટર પણ આ સલાહ આપે છે
અને સૌથી અકસીર ઉપાય છે કે દસ થી પંદર મિનિટ સુધી ઠંડા પાણી ની નળ ની નીચે જે ભાગ દઝાયો હોય તેને મૂકી દો . સ્કીન ના સ્પેશ્યાલીસ્ટ નું માનવું છે કે ઠંડા પાણીના નળ નીચે હાથ રાખી દેવાથી ગરમી ત્વચા ના નીચેના સ્તરો સુધી નથી ફેલાતી અને સ્કીન પર દાઝવાના નિશાન લાંબા સમય સુધી નથી રહેતા અને વધુ નુકસાન થતું અટકે છે.
ચણા ના લોટનું ખીરું
જો ભજીયા તળતા સમયે ગરમ તેલ ના છાંટા હાથ પર પડી જાય ત્યારે હાથ સીધો ચણાના લોટના ખીરુંમાં નાખી દેવાથી એક પણ ફોલ્લો થયો ન હતો.
ખાંડ ઠંડક કરે છે
આ ઉપરાંત ખાંડ હાથવગી હોય તો તેને દાઝેલા ભાગ પર તરત જ ભભરાવી દેવાથી પણ તે ગરમી શોષી લે છે. જો ખાંડનો ભૂકો હોય તો વધારે સારું. પણ આ ઉપાય અલગ અલગ બહેનો ના અનુભવ થી સાંભળેલો છે, આજમાવેલો નથી તેની નોંધ લેવી.
બરફ નો શેક
મિત્રો, આઈસ -પેક પણ તરત જ રાહત આપે છે. તમારા ફ્રીજર માં આઈસ-પેક ની કોથળી તો હશે જ. જો ના હોય તો અમુક બરફના ટુકડા ને જાડા રૂમાલ કે નેપકીન માં વીંટાળીને તેને દાઝ્યા હોવ એ જગ્યાએ દસ થી પંદર મિનિટ સુધી ઠંડો શેક કરો. રાહત પણ મળશે અને ફાયદો પણ થશે.
ગુજજુમિત્રો, ઉપરના બધા ઈલાજ “તાત્કાલિક” કરવાના છે. જેટલું મોડું થાય એટલો ફાયદો ઓછો. આમ તો દાઝી જવાય તેવી બેદરકારી જ ન રાખવી જોઈએ. પરંતુ અકસ્માત ગમે ત્યારે થાય અને તે માટે તૈયાર રહેવું સારું. અને આખરે હું એ જ કહીશ કે જો વધારે દાઝી ગયા હોવ, તો તાત્કાલિક ડોકટર ની પાસે દોડી જવું.
Also read : કોરોના રસી વિષે જરૂરી માહિતી