કોરોના રસી વિષે જરૂરી માહિતી
કોરોના રસી વિષે ધ્યાન માં રાખવાની ખાસ માહિતી
ગુજજુમિત્રો, કોરોના ની રસી શોધાઈ ગઈ છે અને ભારતભર માં લોકો ને ક્રમસર આપવાની તૈયારી થઈ ગઈ છે. હાલમાં મને ડૉ. ભાવિક એ. ચૌહાણ દ્વારા લિખિત એક મેસેજ વાંચવા મળ્યો. જેમાં તેઓ આ રસી વિષે અગત્યની માહિતી શેર કરી રહ્યા છે. સામાન્ય લોકો આ રસી વિષે વધારે નથી જાણતા. ચાલો, આજે આ રસી વિષે ધ્યાનમાં રાખવાની જરૂરી માહિતી જાણીએ અને શક્ય એટલા લોકોને જણાવીએ. ચાલો, ભારતને એક સ્વસ્થ ભવિષ્ય તરફ લઈ જઈએ.
કોરોના રસી થી ડરવાની શું જરૂર છે?
કોરોના ની રસી ની સાથે સાથે તેના વિષે અફવાઓ અને ભય ની લાગણી પણ વધી રહી છે. પણ મિત્રો, હું એક સામાન્ય પ્રશ્ન પૂછવા માગીશ, જે રસી સૌથી પહેલા ડોકટરો અને સ્વાસ્થ્યકર્મીઓ ને આપવામાં આવી છે તેના પર શંકાઓ શા માટે રાખવી? બધાં ડોકટરો નું મેડીકલ જ્ઞાન ઘણું સારું હોય છે અને જો તેઓ આ રસી લે છે તો આપણે આશ્વસ્ત રહેવું જોઈએ કે કોરોના રસી બધાં માટે સુરક્ષિત છે.
આ રસી કોણે ન લેવી જોઈએ?
- ૧૮ વર્ષ થી નાની ઉંમર ના વ્યક્તિ માટે નથી.
- ગર્ભવતી મહિલા અને પ્રસુતિ બાદ શિશુ ને સ્તનપાન કરાવતી માતાઓ એ રસી ના લેવી.
- વ્યક્તિ કે જેને રસી ના પ્રથમ ડોઝ પછી રીએકશન (એનફાયલેક્સિસ) આવ્યું હો એમણે બીજો ડોઝ લેવો સલાહભર્યું નથી.
- ભૂતકાળ માં અન્ય કોઈપણ રસી, ઇન્જેક્શન, દવા કે અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થ લેવા થી કોઈ ભારે રીએકશન આવ્યું હોય તો તેમણે રસી ના લેવી.
- વ્યક્તિ કે જે હાલ માં કોવીડ પોઝિટિવ છે એમણે ના લેવી.
- કોવીડ પોઝિટિવ દર્દી જેમને હાલ માં જ એન્ટીબોડી/ પ્લાઝમા થેરાપી આપી હોય એમના માટે નથી.
- તાજેતર માં અન્ય કોઇપણ બીમારી ના કારણે હોસ્પિટલ અથવા આઈ. સી. યુ. માં સારવાર હેઠળ ના દર્દી માટે નથી.
આ રસી કોણ લઈ શકે છે?
૧. ઉપર ના તમામ મુદ્દાઓ ને બાદ કરતા ,૧૮ વર્ષ થી મોટી ઉંમર ના દરેક વ્યકિત આ રસી નિ:સંકોચ લઈ શકશે
૨. કોવીડ-૧૯ ને માત આપી ને સાજા થયેલા દરેક વ્યક્તિ રસી લઇ શકશે.
૩. અન્ય કોઈ પણ લાંબા ગાળા ની બીમારીઓ જેવી કે હદય રોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર,ફેફસાની બીમારી, કિડની ની તકલીફો, કેન્સર, મગજ કે ચેતા તંત્ર ની બીમારી ની હાલ માં સારવાર લેતા તમામ દર્દીઓએ કોઈપણ જાત ના ડર વિના રસી લેવી જ જોઈએ.
૪. ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા તેમજ એચ. આઈ. વી. ગ્રસ્ત દર્દી ઓ પણ આ રસી લઇ શકશે.
રસી વિશેની માહિતી
સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવા માં આવનારી બન્ને રસી (કોવિશિલ્ડ / કોવેકસીન) બંને ઇંજેક્શન રૂપે સ્નાયુ માં આપવામાં આવશે.
- રસી ના બે ડોઝ છે.
- દરેક ડોઝ 0.૫ ml (મિલિલિટર) નો છે.
- બે ડોઝ ૪ અઠવાડિયા / ૨૮ દિવસ ના અંતરે આપવામાં આવશે.
રસી લીધા પછી સામાન્ય લક્ષણો
રસી મુકાવ્યા બાદ ઇંજેક્શન ની જગ્યા એ સામાન્ય દુખાવો થવો, ઉબકા આવવા, ઠંડી લાગવી, સામાન્ય તાવ આવવો, સામાન્ય નબળાઈ લાગવી, માથાનો દુખાવો થવો વગેરે જેવા લક્ષણો સામાન્ય છે, જો આમાંથી કઈ પણ જણાય તો ગભરાવવાની જરાય જરૂર નથી. એના માટે પેરસિટામોલ અને એવિલ ટેબ્લેટ લઈ શકાય.
આશા રાખું છું આ માહિતી બધા માટે ઘણી સંતોષકારક બનશે. મહેરબાની કરીને અન્ય અફવાઓ કે ડરામણી વાતો થી દૂર રહો.
Source :
Ministry of Health and Family Welfare, Government of India
Letter from Additional Secretary, MoHFW regarding Contraindications and Factsheet for COVID-19 vaccines
Read more on health here.