પ્રભુને કવિ દલપતરામ ની ભાવપૂર્ણ પ્રાર્થના

કવિ દલપતરામ ની પ્રાર્થના

પ્રભુને કવિ દલપતરામ ની ભાવપૂર્ણ પ્રાર્થના

ગુજજુમિત્રો, આપણા ગુજરાતી સાહિત્ય નું ઝગમગતું નામ એટલે કવિ શ્રી દલપતરામ . આજે આપણે વર્ષો પહેલા રચેલી તેમની એક સુંદર અને સરળ કવિતા નો આનંદ માણીશું. ચાલો વાંચીએ : કવિ દલપતરામ ની ભાવપૂર્ણ પ્રાર્થના

ઓ ઇશ્વર ભજીએ તને,
મોટું છે તુ જ નામ
ગુણ તારાં નિત ગાઇએ,
થાય અમારાં કામ.

હેત લાવી હસાવ તું,
સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે,
તો પ્રભુ કરજો માફ.

પ્રભુ એટલું આપજો,
કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં,
સાધુ સંત સમાય.

અતિથિ ઝાંખો નવ પડે,
આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે,
આશિષ દેતો જાય.

સ્વભાવ એવો આપજો,
સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા,
પડોશી ઇચ્છે પ્રીત.

કવિ દલપતરામ ની પ્રાર્થના

વિચાર વાણી વર્તને,
સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું,
ઇચ્છું કુશળક્ષેમ.

આસપાસ આકાશમાં,
હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં,
વિશ્વપતિનો વાસ.

ભોંયમાં પેસી ભોંયરે,
કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે,
જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ,
કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના,
ઠાલુ ના મળે ઠામ.

જોવા આપી આંખડી,
સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા,
ભલું કર્યું ભગવાન.

Prayer

ઓ ઇશ્વર તું એક છે,
સર્જ્યો તે સંસાર
પૃથ્વી પાણી પર્વતો,
તેં કીધા તૈયાર.

તારા સારા શોભતા,
સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા,
જબરું તારું જોમ.

અમને આપ્યાં જ્ઞાન ગુણ,
તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ,
એ તારો ઉપકાર.

padma

કાપ કલેશ કંકાસ ને,
કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે,
કાપ કષ્ટ સુખ આપ.

ઓ ઇશ્વર તમને નમું,
માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને,
સુખમાં રાખો સાથ.

મન વાણી ને હાથથી,
કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને,‌
પાળો બાળ તમામ.

~કવિ દલપતરામ

Also read: ફક્ત એક જ ટકો કાફી છે મહોબતમાં : મરીઝ ની મર્મસ્પર્શી કવિતા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *