તુટેલું ચંપલ : કોરોના અને માણસની લડાઈની એક અદભૂત નવલિકા

તુટેલું ચંપલ નવલિકા
Craftsman repairing or making a pair of shoes.

તુટેલું ચંપલ : કોરોના અને માણસની લડાઈની એક અદભૂત નવલિકા

કેટકેટલીયે મૂંઝવણો અને રાતોની રાતોના ઉચાટથી બકુલભાઇ ત્રાસી ગયા હતા. લૉકડાઉન ક્યારનુંયે ભલે પત્યું હોય પણ તેમની જિંદગીનું લૉકડાઉન હજુયે પત્યું નહોતું. પહેલા નોકરી ગઇ અને પછી ઘરની આર્થિક સ્થિતિ સાવ નબળી બની ગઇ હતી. ‘દુકાળમાં અધિક માસ’ની જેમ જિંદગી રોજે રોજ નવી ઉપાધિઓ લઇને આવતી હતી. બાકી રહી ગયું હતું કે કોરોના થયો અને શરીરનું જોમ પણ લઇ ગયું,,,..! તે પછી તેમની માનસિક હાલત સાવ કથળવા લાગી હતી. જીવવાના બધા જોશ પણ ધીરે ધીરે ઓસરવા લાગ્યા હતા.

વ્યાજે લીધેલ પૈસાની રોજ આવતી ઉઘરાણીઓ, છેલ્લા છ માસનું બાકી ઘરભાડું અને હવે મકાનમાલિકની રોજેરોજ ઘર ખાલી કરાવવાની ધમકીઓ, વિક્રાંતની સ્કૂલ ફી… અરે હવે તો ઘર ચલાવાના’ય સાંસા પડવા લાગ્યા હતા. કૃપા બિચારી ઘરકામ કરીને મદદ કરવા મહેનત કરી રહી હતી. એના પિયરમાં થોડું સુખ હતું પણ કૃપા મારા જીવતે જીવત ક્યારેય પિયર નહી જાય…! પોતે એમની પાસેથી પહેલા પણ મદદ લઇ ચૂક્યો હતો એટલે હવે હાથ લંબાવવા શરમ આવતી હતી…!! જીવવાના બધા રસ્તાઓ ધીરે ધીરે બંધ થઇ રહ્યા હોય તેમ બકુલભાઇની માનસિક હાલત ધીરે ધીરે બગડી રહી હતી.

એક દિવસ આખરે થાકીને બકુલભાઇએ છેલ્લો નિર્ણય કરીને ઘરની બહાર પગ મૂક્યો.

‘ક્યાં જાવ છો ?’ કૃપા એમને કંઇ કીધા વિના બહાર જતા જોઇ ઉંબરે આવીને બોલી.

broken shoe
તુટેલું ચંપલ – નવલિકા

‘આ તો ચંપલ તુટી ગયું છે.. જરા સંધાવી લાવું…!! અને નોકરી માટે તપાસ કરી આવું…!!’ નજર મિલાવ્યા વિના બકુલભાઇ કૃપા તરફ પીઠ ફેરવીને ચાલ્યા ગયા.

બકુલભાઇ શહેરના ધમધમતા વાતાવરણમાં દરરોજ કોઇ કામ માટે નીકળતા… કોઇ’દી સારો હોય તો મજુરી મળતી નહિ તો નદી કિનારે બેસીને ખારીસીંગ ખાઇને પાણી પી લેતા. આજે પણ એમને ખારીસીંગનું પડીકું લીધું અને ધીરે ધીરે એકપછી એક સીંગદાણાને સાવ ખાલી પેટમાં પધરાવ્યા…!!.

ક્યારેક પેટ દુ:ખી જતું પણ એ દુ:ખ જિંદગીના દુ:ખોના પહાડ સામે તે સામાન્ય હતું. પડીકું ખાલી થયું અને તેના ફોતરાં નીચે રહેલા જૂના છાપામાં એક ન્યુઝ પર નજર ફરવા લાગી. ‘આર્થિક તંગીથી કંટાળીને એક આધેડે નદીમાં કરી આત્મહત્યા…!!’ બકુલભાઇની નજર થોડીવાર તેમાં ચોંટી અને પછી નદીના વહેતા પાણી તરફ જોઇ લીધું.

એક ઉંડો શ્વાસ લઇને તે કાગળના ડૂચાને મુઠ્ઠીમાં બંધ કરી નદીના પુલ તરફ આગળ વધ્યા. જ્યારે તે પુલની બરાબર મધ્યમાં આવ્યા ત્યારે નીચે ઉછળતાં પાણી તરફ દ્રષ્ટી કરી અને જિંદગીની અનેક નિરાશાના વમળો નીચેના પાણીમાં દેખાવા લાગ્યા. ‘આ વમળો જ મારી બધી સમસ્યાનો અંત છે, હારી ગયો છું હવે નહિ જીવાય…!!’ હૃદયનો વિલાપ અને આંખોના વહેતા આંસુ બકુલભાઇની જીવવાની ઇચ્છાને ધૂંધળી બનાવી રહ્યા હતા. પુલ પર પોતાના બન્ને હાથની હથેળી દબાવી અને કુદી પડવા મન મક્કમ બન્યું…!

પુલ પર બધા પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હતા… તેમને આંખો મીંચી….અંદરથી એક ઉંડો વલોપાત ઉઠ્યો… ભગવાન પાસે મનોમન માફી માંગી…. હાથમાં કોકડું વળી ગયેલા કાગળની અંદર આવતીકાલે પોતાની તસ્વીર છપાશે તેવું પણ દેખાઇ ગયું…!! છેલ્લે છેલ્લે વિક્રાંત અને કૃપાનો ચહેરો નજર સામે દેખાયો…!!

જ્યાં મન જ હારી ગયું હોય ત્યાં આશાના કિરણો પણ અંધકારમય લાગતા હોય છે એમ બકુલભાઇની સામે ઘોર અંધકાર જ બચ્યો હતો…! કૃપાનો કાયમનો સાથ છોડીને અને વિક્રાંતને અનાથ મુકીને તેમને આત્મહત્યા કરવાનું નક્કી જ કરી લીધું.

એક પગ ઉંચો કર્યો અને કેડ જેટલી ઉંચી પુલની પાળી પર મુક્યો…! મોત માટે છેલ્લી છલાંગ ભરવાની ઘડી આવી પહોંચી હતી…!! ત્યાં જ… એક નાનો છોકરો અચાનક જ બકુલભાઇની પાસે આવ્યો અને બોલ્યો… ‘અંકલ, તમારું ચંપલ તુટી ગયું છે… લાવો સાંધી દઉ…!!’

અને એકાએક બકુલભાઇ ઘોર અંધકારમાંથી બહાર આવ્યા…!! પગ નીચે કર્યો…. સામે વિક્રાંત જેવડા જ છોકરાને ઉભેલો જોઇ તે રડી પડ્યા…!!

bridge

‘કેમ રડો છો અંકલ ?’

‘મારી પાસે પૈસા નથી…!!’ બકુલભાઇ એટલું જ બોલી શક્યા અને હિબકાં ભરાઇ ગયા.

‘અરે, એમાં શું ? પૈસા પછી આપજો પણ આમ તુટેલું ચંપલ થોડું પહેરાય… લાવો… લાવો…!!’ તેના શબ્દોમાં તાજગી હતી.

‘પણ તું મને ક્યાં ઓળખે છે ? અને તારા પૈસા હું તને ક્યારે આપીશ એ પણ ખબર નથી.’ બકુલભાઇ તેની સાથે વાત કરતા થોડા સ્વસ્થ બન્યા.

‘અરે અંકલ તમે ટેન્શન બહુ લો છો… મારી ફી કાંઇ લાખોમાં થોડી છે કે તમે નહી આપો તો હું મરી જઇશ ? આ તમારું ચંપલ સારુ રહેશે તો તમે મને યાદ તો કરશો’ને એટલુંયે ઘણું છે…! લો આ જુનું ચંપલ પહેરો અને તમારું ચંપલ લાવો.’ તેને એક તુટેલું ચંપલ બકુલભાઇને આપ્યું અને પરાણે બકુલભાઇના પગનું ચંપલ લઇ તેના કામે વળગી ગયો.

બકુલભાઇ ત્યાં જ તેની પાસે બેસી ગયા. તે સારી રીતે કામ કરી રહ્યો હતો. બકુલભાઇ થોડી સેકન્ડ પહેલાના ભૂતકાળમાં ગયા અને પોતે ખરેખર શું કરવા જઇ રહ્યા હતા તેનું ભાન થયું…!! હવે વિક્રાંત અને કૃપાનો ચહેરો પણ સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો.. તે અત્યારે આ છોકરાને કારણે જ આત્મહત્યાના માર્ગેથી પાછા વળ્યા હતા.

થોડીવારમાં જ તેને તેનું કામ પુરુ કર્યુ, ‘લો અંકલ તમારું ચંપલ..!! હવે બે વર્ષ સુધી આ ચંપલને કંઇ થાય તો મને કહેજો….!!’ તેને બકુલભાઈના ચંપલને જ નહી પણ તેમની જિંદગીને સાંધી આપી હતી.

‘વાહ, સરસ કર્યુ છે તેં…!! હવે કહે કે કેટલા થયા ?’ બકુલભાઇએ તેની ચમકતી આંખોમાં જોઇએ કહ્યું.

‘અંકલ, તમારી પાસે પૈસા જ નથી તો મને શું આપશો ?’ તેના શબ્દોમાં મીઠાશની સાથે સચ્ચાઇ પણ રણકી રહી હતી.

‘સારું, એટલું કહે કે તું ક્યાં મળીશ ?’

‘આ પુલ પર સામે છેડે બેસુ છું…!!’ તેને સહજ રીતે જવાબ આપ્યો.

‘સારુ તો આ પુલ પર ફરી મળે ત્યારે કેટલા આપવાના થશે એ તો કહે…?’ બકુલભાઇ હવે સંપૂર્ણ સ્વસ્થ હતા.

તે થોડીવાર માટે બકુલભાઇની આંખમાં રહસ્યમયી નજરે જોઇ રહ્યો અને પછી બોલ્યો, ‘અંકલ, એક વાત કહું… ગમે તે થાય પણ આ રીતે આ પુલ પર બીજીવાર ન આવતા…મારે બસ એટલું જ જોઇએ છે…!!’ બકુલભાઇ તેના શબ્દોની અને તેની આંખોની ભાષા સમજી ચુક્યા અને સાવ નિ:શબ્દ તેની સામે તાકી રહ્યા. તે તેની ઉંમર કરતા વધુ સમજદાર હતો.

તે ઉભો થયો અને તેને તેની વસ્તુઓ તેના થેલામાં ફરી ગોઠવવા માંડી. બકુલભાઈએ તેમના પગમાં રહેલું પેલું તુટેલું ચંપલ તેને પાછું આપ્યું અને પૂછ્યું, ‘તું સરસ ચંપલ સાંધે છે તો આ જુના ચંપલને કેમ નથી સાંધી દેતો ?’

‘એ મારા પપ્પાની યાદગીરી છે…!’એટલું કહેતા જ તેના આંખમાં ઝળઝળીયા આવી ગયા અને મોં ફેરવી લીધું.

‘કેમ, તારા પપ્પા ક્યાં છે ?’ બકુલભાઇને તેની વાતમાં રસ જાગ્યો.

તેને નદી તરફ મોં રાખીને જ જવાબ આપ્યો, ‘દસ દિવસ પહેલા જ આ નદીમાંથી એમની લાશ મળી હતી…!! એમને આ પુલ પરથી જ આત્મહત્યા કરી હતી… છાપામાં પણ આવ્યું હતું… એમના એક પગનું આ તુટેલું ચંપલ અહીં રહી ગયું હતું… તે અહીં સામે જ વર્ષોથી બુટપૉલિસ કરતા હતા… કોરોનામાં ઘરની હાલત બગડી ગઇ… એ સહન ન કરી શક્યા અને એમને…….!!’

તે રડી રહ્યો હતો…. પણ થોડીવારમાં જ તે ફરી સ્વસ્થ થઇને બોલ્યો, ‘ આ પુલ પર કેટલાય આવે છે અને પોતાની જિંદગી ટુંકાવી તેના પરિવારને અપાર દુ:ખમાં મુકીને એકલા સુખી થવા ચાલ્યા જાય છે… પણ એમને ક્યાં ખબર હોય છે કે એમના ગયા પછી દુ:ખ ઉલ્ટાનું વધે છે…!! એ પછી મને થયું કે હું અહીં જ આમતેમ ફરતો રહીશ અને કોઇપણ આત્મહત્યા કરવા આવે તો તેને બચાવવા હું મથતો રહીશ… કોઇની તુટેલી જિંદગીને ફરી સાંધી આપવા પ્રયત્ન કરીશ….’ તેનો ડૂમો બાઝી ગયો હતો એટલે તે ત્યાંથી ચાલતો થયો.

બકુલભાઇ તેને સાંભળ્યા પછી પોતાની ભૂલ સમજી ચુક્યા હતા અને સરખી રીતે પોતાના સંધાયેલા ચંપલને જોઇને પોતાની ભૂલ બદલ રડી પડ્યાં.

Read more Gujarati stories here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *