ધારા અને રોહિત ની અજબ ગજબ પ્રેમકહાની
ધારા અને રોહિત ની અજબ ગજબ પ્રેમકહાની
ભાભી મોં મીઠું કરાવો, દિલ ખુશ થઈ જાય એવા સમાચાર લઇને આવી છું. રૂપાફઇનો રૂપાની ઘંટડી જેવા અવાજ સાંભળીને ધારા બેડરૂમમાંથી બહાર આવી. હરખાતા નણંદબાને કૈલાસબેને પ્રેમથી આવકાર્યા એટલામાં તો ધારા પાણીના ગ્લાસ સાથે દિવાનખંડમાં આવી અને પૂછ્યું કેમ છો ફઇબા?સવાલના જવાબમાં રૂપાબેને એના માથા પર હેતાળ હાથ ફેરવ્યો, મજામાં બેટા. વાત્સલ્ય એમની આંખોમાંથી વરસતું હતું.
બેન હું કંઈ સમજી નહીં.. કહીને કૈલાસબેને અવઢવ વ્યક્ત કરી. ભાભી આપણી ધારા માટે રાધવ બિલ્ડર્સવાળા મહેશભાઇના એક ના એક દિકરા રોહિતનું માગું આવ્યું છે. રોહિત ખૂબ મહેનતી- મહેશભાઇના કન્સ્ટ્રકશનના નાનકડા વ્યવસાયને એણે ટૂંકા ગાળામાં ક્યાં પહોંચાડયો, ખબર છે ને તમને? ભાભીએ હકારમાં માથું હલાવ્યું. કોઈ વ્યસન નહિ અને સીધો છોકરો. ધારાની સ્કૂલમાં જ ભણતો. ધારા ચોંકી ગઈ રસોડાના પ્લેટફોર્મ પર ટ્રે મૂકતાં જ એ મનોમન બોલી..
કોણ એ બબૂચક ?
સ્કૂલ પૂરી થયા બાદ તો એણે ક્યારેય રોહિતને જોયાનું યાદ ન આવ્યું. સ્કૂલની સ્મૃતિઓ એના માનસપટલ પર છવાઈ ગઈ. કેટલા મજાના દિવસો હતા.. આવતીકાલના સપનાંઓને આંખોમાં આંજીને જીંદગીને ભરપૂર માણતાં મોજીલા મિત્રો, કલાસ, રમતનું મેદાન, શિક્ષકો, બેન્ચ, રિસેસ,લેબ, સ્કૂલનો છેલ્લો દિવસ અને પેલી સ્કૂટીની સીટના કવરમાં ભરાવેલી ચિઠ્ઠી.. ધારા સાંભળ્યું બેટા? મમ્મીએ સાવ સામે આવીને પુછ્યું. એણે એમ જ હા પાડી દીધી.
ફઈના ગયા પછી થોડી આડી અવળી વાતો કરી એ પોતાના બેડરૂમમાં ગઈ. દરવાજો બંધ કરી ને કબાટમાં છુપાવીને રાખેલી એ ચિઠ્ઠી કાઢી. વીતેલા વર્ષોમાં એણે એ કંઈ કેટલીય વાર વાંચેલી, હવે તો એને શબ્દે શબ્દ યાદ હતો. છતાં પણ ફરી એક વાર એ ચિઠ્ઠી લઈને એણે ઊભા ઊભા જ વાંચવાનું શરૂ કર્યું.
દુનિયામાં સૌથી પ્રિય ધારા,
પ્રેમ કરું છું કે નહિ એ તું પોતે જ નક્કી કરજે. તારા માટે બધું જ કરી છૂટીશ. તારે લાયક થઈને તને મળીશ. મારી રાહ જોઈશ ને?
માત્ર તારો,
હું
કોણ હશે આ? હંમેશની જેમ જ કોઈ જવાબ ન મળતાં ચિઠ્ઠી મૂકી દીધી.
સાંજે પપ્પાએ જમતાં જમતાં વાત કરી, આવતીકાલે સાંજે ચાર વાગ્યે મહેશભાઈ અને તેમનો પરિવાર આપણે ત્યાં આવશે. ધારા તને તારો નિર્ણય કરવાની છૂટ છે બેટા. મળીને વાતચીત કરી નિર્ણય લઈશું.બરાબર ને કૈલાસ?
મમ્મીએ હકારમાં માથું હલાવ્યું. જમીને ધારા બેડરૂમમાં ગઈ. રોહિત વિશે વિચારવા એણે મનને કામે લગાડ્યું. ભણવામાં હોંશિયાર, તેલ નાખીને માથું ઓળતો, છોકરીઓ સામે ક્યારેય ન જોતો ચશ્માં પહેરેલાં છોકરા સિવાય કંઈ જ યાદ ન આવ્યું. શું કરીશ કાલે એ વિચાર કરતા કરતા એ ક્યારે ઊંધી ગઈ એની એને ખબર જ ન રહી.
બીજે દિવસે સવારે એ મમ્મીને મદદ કરવા કામકાજમાં વળગી. આજે સાંજે થોડી વહેલી થઇ હોય એવું એને લાગ્યું. એ બિલકુલ મન વગર જ તૈયાર થઈ. ચિઠ્ઠીને માત્ર જોઈને એ બેડરૂમમાંથી નીકળી ગઈ.
મહેમાનો માટે પાણી લઈને તે ડ્રોઇંગરૂમમાં આવી. મમ્મી, પપ્પા અને બેન સાથે આવેલો રોહિત આજે એને સાવ અલગ જ લાગ્યો, સોહામણો લાગ્યો. રીમલેસ ચશ્માંમાંથી તાકતી રોહિતની આંખો તેને જોઈ રહી છે એ અહેસાસ થતાં ધારા નજર ફેરવીને ગ્લાસ લઇ રસોડા બાજુ વળી. થોડી વાતચીત પછી નાસ્તા પાણીનો દોર ચાલુ થયો. રૂપાફઈ તેની અને રોહિતની ગર્વ લેવા જેવી વાતો કરી બે પરિવારોને નજીક લાવી રહ્યા હતા.
થોડીવાર પછી એમણે જ બંનેને વાતચીત માટે અલગ રૂમમાં બેસાડ્યા. તું બિલકુલ નથી બદલાઈ રોહિત બોલ્યો. અને તું સાવ જ બદલાઈ ગયો છે. એ હસી પડ્યો અને બોલ્યો તું ઈચ્છે તે મને પૂછી શકે છે.અહીં છોકરી જોવા આવવાનું કારણ? થોડા રોષ સાથે ધારા બોલી. એ ખડખડાટ હસી પડ્યો જોઈ તો વર્ષો પહેલાં હતી, આજે તો માત્ર જવાબ સાંભળવા આવ્યો છું.. ધારા ચોંકી ગઈ એટલે?
દુનિયામાં સૌથી પ્રિય ધારા, તને પ્રેમ કરું છું કે નહિ તે તું જાતે જ નક્કી કરજે. તારા માટે બધું જ કરી છૂટીશ. તારે લાયક થવાનો પ્રયત્ન પૂરી ઈમાનદારીથી કર્યો છે. રાહ જોવા માટે આભાર. માત્ર તારો હું – તારો બબૂચક .
રોહિત એક શ્વાસે બધું જ બોલી ગયો. ધારાને રોહિતની આંખોમાં તેના સવાલોના જવાબ મળી ગયા. એણે અનુભવી જીંદગીની અમુલ્ય પળ.. એની બોલકી આંખોમાં રોહિતને એનો નિર્ણય મળી ગયો, એટલામાં રૂમમાં મોબાઇલ લેવા આવેલા રૂપાફઈએ એમના મલકાતાં ચેહરાઓ જોયા. પળનો ય વિલંબ કર્યા વગર એમણે બહાર આવી અને કહ્યું ભાભી, મોં મીઠું કરાવો અને ઘરમાં ખુશીની લહેર પ્રસરી ગઇ.
લેખક :- Anandita Raiyani
ડોક્ટરની સલાહની સાથે અજમાવો લકવા એટલે કે પેરાલીસીસ નો ઘરેલુ ઈલાજ