શરીર અને મનની તંદુરસ્તીનાં પાંચ દેશી અને સરળ રહસ્યો
તંદુરસ્તીનાં પાંચ દેશી અને સરળ રહસ્યો
ગુજજુમિત્રો, આજે હું તમને બહુ સરળ ભાષામાં તંદુરસ્તીનાં દેશી રહસ્યો બતાવવા માગું છું. ઘણીવાર લોકો કહે છે કે પહેલાના જમાનામાં બીમારીઓ નહોતી, આજકાલ જ આ બહુ વધી ગયું છે. તેનું કારણ છે, આપણાં જીવનશૈલીમાં આવેલા પરિવર્તનો અને તેને સંબંધિત તકલીફો. મિત્રો, ફરીથી જૂની અને દેશી લાઈફસ્ટાઈલ અપનાવી જુઓ અને સ્વાસ્થ્ય સુખનો આનંદ માણો.
કઈ ધાતુમાં ભોજન બનાવવું અને ખાવું જોઈએ?
રસોઈ રાંધે જો પીતળ માં ,
ને પાણી ઉકાળે તાંબું
જો ભોજન કરે કાંસામાં
તો જીવન માણે લાંબુ
મિત્રો, દરેક ધાતુ આપણા ભોજન સાથે પ્રતિક્રિયા કરીને કેમીકલ નું નિર્માણ કરે છે. આમાંના અમુક કેમીકલ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને અમુક લાભપ્રદ. તમને ખ્યાલ જ હશે કે તાંબાનું પાણી પીવાથી પેટ સાફ રહે છે અને રોગના જીવાણુ નો નિકાલ થાય છે. હવે, વિદેશોમાં તો એવી જાગરૂકતા ફેલાય છે કે એલ્યુમિનિયમ અને નોન -સ્ટીકના વાસણોનો ત્યાગ કરવો જોઈએ કારણકે તેનાથી lead નું નિર્માણ થાય છે જે શરીરમાં કેન્સર જેવા રોગોનું કારણ છે. મિત્રો, બની શકે તેટલું પ્લાસ્ટિકનો વપરાશ પણ બંધ કરી દો .
કઈ દિશામાં સૂવું જોઈએ?
પૂર્વે ઓશીકું વિદ્યા મળે,
દક્ષિણે ધન કમાય
પશ્ચિમે ચિંતા ઉપજે
ને ઉત્તરે હાનિ થાય
હવે , તમે કહેશો કે સૂવાની દિશા અને જીવનની સફળતાનો શું સંબંધ છે? મિત્રો, દરેક ઘરના એક વાસ્તુ દેવતા હોય છે અને ચંદ્ર – સૂર્યની દિશા પ્રમાણે આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ થતું હોય છે. જ્યારે આપણે વાસ્તુ પ્રમાણે સૂવાની દિશાને બદલીએ છીએ ત્યારે બ્રહ્માંડીય ઊર્જા સાથે એકસીધ હોઈએ છીએ અને તેના અનુસાર પોઝિટિવ – નેગેટિવ ઊર્જાને આકર્ષિત કરીએ છીએ.
કેવી રીતે સૂવું જોઈએ?
ઊંધો સુવે તે અભાગ્યો
ચત્તો સુવે તે રોગી
ડાબે તો સૌ કોઈ સુવે
જમણે સુવે તે યોગી
તમારા સૂવાની દિશાની સાથે સાથે શરીરની સ્થિતિ પણ બહુ મહત્ત્વની છે. જો તમે બીમારીઓ થી પીછો છોડાવવા માંગતા હોવા તો ડાબી બાજુ કે જમણી બાજુ સૂવાની આદત રાખો. બાળકોને નાનપણથી સાચી રીતે સૂવાનું શીખવો કારણકે મોટા થયા પછી આ આદતો બદલવી મુશ્કેલ થઈ જાય છે.
કયું તેલ વાપરવું જોઈએ?
ગાયના ઘીમાં રસોઈ રાંધો
તો શરીરનો મજબૂત બાંધો
ને તલના તેલ ની માલિશથી
દૂ:ખે નહીં એકેય સાંધો
પહેલા ના જમાનામાં દેશી ગાયનું ઘી છૂટ થી વાપરવામાં આવતું, તેનાથી લોકોના શરીરમાં તાકાત અને ચહેરા પર તેજ રહેતું હતું. આજ કાલ ઘીને અમુક બુદ્ધિજીવીઓ હેલ્ધી નથી માનતા પણ આ વાતમાં કોઈ તથ્ય નથી. ઘીના વધુ ઉપયોગો જાણવા માટે અહીં ક્લીક કરો.
કેવું પાણી પીવું જોઈએ?
ફ્રિજના ઠંડા પાણી પીને
ભૂલી ગયા છે માટલાં,
ઘર ઘરમાં રોગના ખાટલા
ને દવાખાનામાં બાટલા.
હવે, લોકોને ફ્રિજના પાણીની એવી કુટેવ પડી ગઈ છે જે ઘણીવાર તમને સાંભળવા મળશે કે “માટલા નું પાણી તો મને ગળે જ નથી ઊતરતું”. મિત્રો, આ શરીરને જેવી રીતે ઈચ્છો તે રીતે ઢાળી શકાય છે. જરૂર છે તો બસ મક્કમ મનની. શરૂ ના ૩-૪ દિવસો માં તકલીફ થઈ શકે પણ પછી માટલાનું પાણી મીઠું અને ઠંડુ લાગશે. હું તમને સલાહ આપીશ કે આજે જ ફ્રિજના બોટલોને ખાલી કરી દો . ઉનાળાની શરૂઆતમાં નવું માટલું લઈ આવો જેમાં પાણી વધારે ઠંડુ થશે.
તો મિત્રો, આ હતાં તંદુરસ્તીનાં રહસ્યો. મને આશા છે કે તમે આ દેશી સલાહનું પાલન ચોક્કસ કરશો.
Excellent