ભગવાન નાં દર્શન કરવાની સાચી રીત
ભગવાન નાં દર્શન કરવાની સાચી રીત
ગુજ્જુમિત્રો, આજે હું તમારી સાથે જે પ્રસંગ શેર કરી રહી છું તે બહુ માર્મિક છે. જ્યારે આપણે મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા જઈએ છીએ તો ઘણા બધા પ્રકારના લોકો જોવા મળે છે જે આપણું ધ્યાનભંગ કરે છે. પરંતુ શું આપણે મંદિરમાં ભગવાન સિવાય બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ? ભગવાનનાં દર્શન કેવી રીતે કરવા જેથી આપણને શાંતિનો અનુભવ મળે. જાણવા માટે વાંચો આગળ …
એક ભાઈ દરરોજ મંદિરે જતા. એક દિવસ તેણે પૂજારીને કહ્યું કે, હવેથી તે મંદિરે નહીં આવે.
પૂજારીએ તેને કારણ પૂછ્યું.
ત્યારે તે ભાઈ બોલ્યા, “હું જોઉં છું કે મંદિર આગળ લોકો ફોન પર સતત પોતાના નોકરી – ધંધાની વાત કરતા હોય છે. કેટલાકે તો મંદિર ને જ પોતાની ગુસપુસનું સ્થાન બનાવી દીધું છે. ઘણાં પૂજા- દર્શન-ભક્તિ ઓછી ને દેખાડો વધારે કરે છે.”
પૂજારીએ તેની વાત ધ્યાન થી સાંભળી કહ્યું, “ઠીક છે. પણ અંતિમ નિર્ણય લેતા પહેલા મારી એક વાત માનશો ?”
ભાઈ બોલ્યા, “હા, કહો મારે શું કરવાનું છે?”
પૂજારીએ કહ્યું,” એક ગ્લાસ પાણી ભરી લો અને તે હાથમાં પકડી ૩ વાર મંદિર પરિસરની પ્રદક્ષિણા કરી લો. શરત એટલી કે ગ્લાસમાં થી બિલકુલ પાણી ઢોળાવું જોઈએ નહીં.”
ભાઇએ કહ્યું, “સારુ, હું એ મુજબ કરીશ. “
પછી થોડી વારમાં ભાઇએ પૂજારીના કહ્યા પ્રમાણે કરી બતાવ્યું. પાછી એ ભાઇને પૂજારીએ ત્રણ સવાલ પૂછ્યા –
૧. શું તમે કોઈને ફોન પર વાત કરતા જોયાં?
૨. શું તમે કોઈને મંદિરમાં ગુસપુસ કરતાં જોયાં?
૩. શું કોઈને પાખંડ કરતાં જોયાં?
ભાઈ બોલ્યા, “ના, મેં આમાંથી કંઈ નથી જોયું”
પૂજારી બોલ્યા, “જ્યારે તમે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસ પર કેન્દ્રીત હતું જેથી તેમાંથી પાણી છલકાઈ ન જાય, એથી તમને બીજું કંઈ દેખાયું નહીં. હવે જ્યારે પણ મંદિરે આવો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ભગવાનનાં દર્શનમાં જ કેન્દ્રિત કરજો તમને આસપાસ નું કંઈ દેખાશે નહીં. માત્ર ભગવાન જ સર્વત્ર નજર આવશે.”
એ ભાઈને પોતાની ભૂલ સમજાઈ અને ભગવાન નાં દર્શન કરવાની સાચી રીત શિખાવડવા માટે તેમણે પૂજારીનો આભાર માન્યો .