અંબા આવો ને મારે આંગણે

અંબા આવો ને મારે આંગણે

અંબા આવો ને મારે આંગણે રે,
આજે આઠમની છે રાતડી.
તમ સંગે મારે એક વાતડી રે,
આજે આઠમની છે રાતડી.

માજી આવો ને મારે મંદિરે રે,
આજે આઠમની છે રાતડી.
નવલ ઘવલ નોરતાની રાતડી રે,
આજે આઠમની છે રાતડી.

આઠમની રાતડી-આઠમની રાતડી
ચાંદની એ ચોકમાં પાડી છે ભાતડી
રમવા સરીખડી છે રાતડી રે ….
આજે આઠમની છે રાતડી

આછેરા આછેરા ચમકે છે તારલા
વરસી વરસી ને ગયા આઘેરા આભલા
મંદ પવન લ્હેર માં મીઠાશડી રે …
આજે આઠમની છે રાતડી

શું કરૂ ઓ શ્યામા મારી શેરી છે સાંકડી ,
તોય છે રચેલ કુંજ લાવીને પાંદડી
ગેરૂએથી ભીંત કીધી રાતડી રે…
આજે આઠમની છે રાતડી

સાંજડી પડીને મેં તો સાથીયા કઢાવીઆ
મોતીડા મળ્યા ન ચોક તેથી ના પુરાવીયા
ફરતી વેરી છે ફૂલ પાંખડી રે…
આજે આઠમની છે રાતડી

પરમ પુનિત પલલ્વોના તોરણોને બાંધીયા
અંબાના નામ મારા દ્વારમાં લખાવિયા
છોડી છેક આજ લોક લાજાડી રે … આજે આઠમની છે રાતડી

સાધનો અપૂર્ણ માજી શોભા હું શું કરૂ ?
રંક હું રાજેશ્વરીને જોગ ભેટ શું ધરૂ?
ચરણમાં સમર્પું મારી જાતડી રે….
આજે આઠમની છે રાતડી

એક છો, પરંતુ માઁ અનેક રૂપ અંબીકે
ત્રિપુર સુંદરી તમે, ત્રિલોક તારીણી શિવે
ભક્ત હૃદય કુંજમાં વિહારણી રે….
આજે આઠમની છે રાતડી

માઁ મહાન થી મહાન વિશ્વમાં ન માઓ છો
નાનું મારૂ હૈયું તોય સહેલ થી સમાઓ છો
અજબ ગજબ એ તમારી વાતડી રે….
આજે આઠમની છે રાતડી

પલક પલક ભાસ થાય માઁ તમે પધારીયા
મલક મલક મુખ મારૂ થાય એ ઉલ્હાસમાં
છલક છલક થાય મારી આંખડી રે …
આજે આઠમની છે રાતડી

વીતી મધરાત માત કેમ ના પધારીયા ?
ઝમઝમાટ ઝાંઝરોના કેમ હજી ના થયા ?
વાર ક્યાં લગાડી આવડી રે …
આજે આઠમની છે રાતડી

પાંખહીન પંખી જેમ જનનીને ઝંખતા
વાછડાં લવારા જેમ માં વિના ન ઝંપતા
તેમ હું તમારી જોવું વાટડી રે…
આજે આઠમની છે રાતડી

આવે દિવાળી, લોક આપતા વધામણી
તમ વિના ઓ માત મારે અંતરે હુતશણી
નહિ નહિ વળે મન નિરાંતડી રે …
આજે આઠમની છે રાતડી

જેમ જેમ જાય રાત ધૈર્ય ના ધરાય છે
આશાની વેલ મારી અંબિકે સુકાય છે
થડક થડક થાય મારી છાતડી રે…
આજે આઠમની છે રાતડી

માઁ તમારી આશમાં છે રોજનો ઉજાગરો
હે દયા નિધાનમાં દયા કરો દયા કરો
બાળને વિસારો કેમ માવડી રે ….
આજે આઠમની છે રાતડી

ઓચિંતી ઓચિંતી ઝબકી છે વીજળી
તેજ પુંજમાંથી બહુ બાળાઓ નીકળી
સકળ રૂપ રંગમાં સમોવડી રે ….
આજે આઠમની છે રાતડી

સોનલા ઈંઢોણી શિર ગરબા છે હેમના
રમતી આળી આંખડીમાં ગુપ્ત ઝરણ પ્રેમના
ગૌરવદન ગાલમાં રતાશડી રે ….
આજે આઠમની છે રાતડી

દિવ્ય રૂપ દિવ્ય તેજ દિવ્ય વસ્ત્રો શોભતા
સકલ બાલિકાની મધ્ય અંબિકા હંસી પડ્યા
ચરણમાં પડી હું જેમ લાકડી રે ….
આજે આઠમની છે રાતડી

દિવ્યદર્શને દયાળી દુઃખ મારા ટાળીયા
શ્રી દયા કલ્યાણ મારા કોડને પુરાવ્યાં
સફળ સફળ આજ મારી જાતડી રે ….
આજે આઠમની છે રાતડી

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *