પાર્થ ટોરોનીલ દ્વારા લિખિત ટૂંકી ગુજરાતી વાર્તા : આઈસક્રીમ નું કાગળ
પાર્થ ટોરોનીલ દ્વારા લિખિત ટૂંકી ગુજરાતી વાર્તા : આઈસક્રીમ નું કાગળ
ભડભડતા ઉનાળાની ગરમીમાં શેકાતા રોડ ઉપર એક આઇસક્રીમવાળો ભાઈ દોરીથી સતત ઘંટડી રણકાવી દરેક ગલીમાં ફરતો હતો.
ટીન…ટીન…ટીન…ટીન…
ઘંટડીનો લોભામણિયો સૂર અમીના કાને પડતાં જ આંખો સામે આઇસક્રીમનું લલચાવતું મનો:ચિત્ર ખડું થઈ ગયું. હોઠ ઉપર જીભ ફેરવી પપ્પાના એસી રૂમમાં દોડતી ઘૂસી ગઈ.
પપ્પા એસીની મસ્ત આહલાદક ઠંડકમાં આંખો મીંચી, શરીર પાથરી, અને દરેક શ્વાસે નસકોરાંનું રણશિંગુ બોલાવતા પડ્યા હતા. અમીએ એમનો ખભો હલાવી ઢંઢોળ્યા, ‘ડેડી ડેડી, મારે આઇસસ્ક્રીમ ખાવો છે. પ્લીઝ ડેડી લઈ આપોને…’ અમી પગ પછાડતી ખોટું ખોટું રડવાના નખરાં કરતાં બોલી.
ઊંઘ ભરેલી આંખના ભારેભરખમ પોપચાં માંડ અડધા ઊંચકાયા. ઘેનાયેલા અવાજે કહ્યું, ‘બેટા, સાંજે…’ કહીને પાછી આંખો મીંચી દીધી.
‘ના ડેડી, અત્યારે જ… પ્લીઝ ડેડી પ્લીઝ… લઈ આપોને…’ અમી જીદ ઉપર અડી રહી.
ગોળમટોળ અને ઘેનમાં રેલાતું શરીર ઊંચકી કમને પણ પપ્પાને ઊભા થવું પડ્યું.
‘જલ્દી ચાલોને ડેડી નહીંતર આઇસસ્ક્રીમવાળા અંકલ જતાં રહેશે…’ અમી પપ્પાનો હાથ ખેંચી ઉતાવળ અને ઉત્સાહમાં ઉછળતા પગે કહ્યું.
અમી ઉઘાડા પગે જ બહાર દોડી જઇ આઇસસ્ક્રીમવાળા ભાઈને બોલાવ્યા.
‘ડેડી જલ્દી…’ અમી આઇસસ્ક્રીમની લારીના સ્ટેન્ડ ઉપર ચડીને બોલી.
‘કયો આઈસક્રીમ ખાવો છે બોલ અંકલને’ પપ્પાએ આંખો આગળ હાથનું છજું કરી કહ્યું.
‘ઝૂલૂબાર’ બોલીને તરત જ હોઠ ઉપર જીભ ફેરવી લીધી.
આઇસસ્ક્રીમવાળા ભાઈએ કાગળ ખોલી ઝૂલૂબાર હાથમાં પકડાવ્યો.
‘યેયેયે…’ અમીએ ઠેકડો મારી આઈસક્રીમનો ઉત્સાહ વ્યક્ત કર્યો, ‘થેંક્યું ડેડી…’ દાંત વચ્ચે નાનું બટકું ભરી ‘મમ્મી મમ્મી…’ કરતી દોડતી ઘરમાં જતી રહી.
ટીન…ટીન…ટીન…ટીન… આઇસસ્ક્રીમની લારી આગળ ચાલી.
કચરાનો કોથળો લીંબડાના થડે ટેકવી એક નાનો છોકરો આ ઘટનાને છાંયડા નીચે ઊભો-ઊભો નિહાળી રહ્યો હતો. ઘંટડીના અવાજ સાથે આઇસક્રીમની લારી એની તરફ આવતી જોઈને એણે સૂકા હોઠ ઉપર જીભ ફેરવી ભીના કર્યા. આઈસક્રીમની લારી એની સામેથી પસાર થઈ. લારી ઉપર દોરેલા અલગ-અલગ આઈસક્રીમોના ચિત્રો એની આંખોમાં ઘડીકભર માટે તો લલચાવતી ઠંડક ભરી દીધી. મોઢામાંથી જાણે પાણીની ધારાઓ ફૂટી નીકળી. આઈસક્રીમની લારી સામેથી જતી રહી અને એનો ચહેરો નિરાશ થઈ પીગળી પડ્યો. કોઈ આઈસક્રીમ લઈ આપે એવું એનું કોઈ નહતું.
મોઢામાં વળેલું પાણી ગળા નીચે ઉતારી મન મનાવ્યું. એટલામાં જ ગરમ પવનની લૂ ફૂંકાઈ અને ઝૂલૂબારનું પેલું કાગળ રખડતું-રખડતું એના પગ આગળ આવી રમવા લાગ્યું.