જિગરની વાત છે જો પરવડે તો ખોતરી નાંખો
જિગરની વાત છે જો પરવડે તો ખોતરી નાંખો
ત્વચા પર ભેખડોના થર ચડે તો ખોતરી નાખો.
જિગરની વાત છે જો પરવડે તો ખોતરી નાંખો.
સૂની આંખોને ભરવાનું બીજું સામર્થ્ય કોનું છે?
પ્રસંગો એક બે જૂના જડે તો ખોતરી નાખો.
કોઈ પંખીની આશાએ હૃદયથી સાચવેલું હો:
છતાં એ ઝાડના મૂળિયાં સડે તો ખોતરી નાંખો.
પરિવર્તન નિયમ સંસારનો છે એ હકીકત છે;
કોઈ સિદ્ધાંત જો એમાં નડે તો ખોતરી નાખો.
રહસ્યો જિંદગીનાં શક્ય છે એમાં મળી આવે;
બે આંસુ આંખથી આગળ દડે તો ખોતરી નાંખો.
તિરાડો કોઈ સાંધી હો સંબંધો કે દીવાલોમાં;
ફરી એવી ને એવી જો પડે તો ખોતરી નાંખો.
ખુશી દેવી એ સિક્કાની ‘અગન’ જો એક બાજુ છે;
બીજી બાજુ છે:કોઈ આથડે તો ખોતરી નાંખો.
-‘અગન’ રાજયગુરુ
Also read : શું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે ઘસાતું બોલવું વ્યાજબી છે??