તણાવ (સ્ટ્રેસ) ને ફટાફટ દૂર કરવાના ૬ રામબાણ ઉપાયો
તણાવ (સ્ટ્રેસ) ને ફટાફટ દૂર કરવાના ૬ રામબાણ ઉપાયો
ગુજજુમિત્રો, આજકાલ ના સમયે ગુસ્સો, ચિંતા, બેચેની, દુઃખ, મૂંઝવણ જેવી ભાવનાઓ વ્યક્તિને તણાવ થી ભરી દે છે. સ્ટ્રેસ ના શિકાર માત્ર નોકરિયાત વર્ગ જ નથી પણ વિદ્યાર્થીઓ અને ધંધાદારી લોકો, ઘર અને ઓફિસ સંભાળતી સ્ત્રીઓ પણ છે. આજે આ લેખ માં તમને તણાવ દૂર કરવાના રામબાણ ઉપાયો બતાવી રહી છું. મને આશા છે કે તમને આનાથી મદદ મળશે.
તણાવ ના સમયે શ્વાસ સાથે શું થાય છે?
તણાવ ના સમયે તમે કેવી રીતે શ્વાસ લો છો તે તમારી મન:સ્થિતિ અને ભાવનાત્માક સ્થિતિ ને નિર્ધારિત કરે છે. બેચેની અને વ્યાકુળતા ના સમયે તમારા શ્વાસ -ઉચ્છવાસ ની ગતિ તેજ થઈ જાય છે અને તે છીછરા થઈ જાય છે. સામાન્ય રીતે આપણે એક મિનિટ માં 9 થી 15 વાર શ્વાસોચ્છવાસ લઈએ છીએ પણ ભયંકર તણાવ (સ્ટ્રેસ) અથવા ગભરામણ ના સમયે (પૅનિક અટેક) ના સમયે આપના અંદર આવતા શ્વાસ અને બહાર છોડતા પ્રશ્વાસ ની સંખ્યા દર મિનિટે 25 થી 30 જેટલી થઈ જાય છે.
શ્વાસ અને હૃદય ના ધબકારા વચ્ચે અતૂટ સંબંધ
હૃદય ના ધબકારા પણ વધી જાય છે જેને કારણે વ્યક્તિ હજી વધારે વ્યગ્રતા અને આવેશ નો અનુભવ કરે છે. હવે વાત એમ છે કે જ્યારે તમારા શ્વાસોચ્છવાસ ધીમા થાય છે ત્યારે તમારા હૃદયના ધબકારા પણ ધીમા એટલે કે નોર્મલ થતાં જાય છે જેને કારણે તમે શરીર અને મન માં શાંતિ અને આરામ નો અનુભવ કરો છો. તણાવ માં ઝડપ થી શ્વાસ લેવા ને કારણે ફેફસા પર પણ દબાણ આવે છે અને તેને પોતાના કાર્ય ની ગતિ અતિશય વધારવી પડે છે. જેને કારણે આખા શરીર માં પૂરતા પ્રમાણ માં ઑક્સીજન પહોંચી શકતો નથી. હવે, આ વાત ની ગંભીરતા તો તમે સારી રીતે જાણો છો. બસ એટલું જાણી લો કે તમારું શરીર અતિશય જોખમ માં આવી જાય છે અને શરીર ના આંતરિક અંગો પર તેની બહુ મોટી આડ અસર થઈ શકે છે.
તણાવ ને દૂર કરવાના ૬ રામબાણ ઉપાયો
તણાવ દૂર કરવાના ૬ રામબાણ ઉપાયો વાંચતાં પહેલા હું જણાવવા માગું છું કે આ બધા ઉપાયો સરળ અને સસ્તા છે. વર્ષો થી અકસીર પુરવાર થયેલા છે. તમે આને અજમાવી જુઓ અને મને વિશ્વાસ છે કે તેનાથી તમને ફાયદો થશે.
બેલી બ્રીધીંગ – નાભિ થી શ્વાસ લેવો
તમારા હાથ ને નાભી ની નીચે મૂકો અને જુઓ કે શું શ્વાસ અંદર બહાર જાય ત્યારે તમારું પેઢું એટલે કે પેટ ની નીચે નો ભાગ પણ હાલે છે કે નહી. એવી કલ્પના કરો કે તમારા પેટ માં એક ફુગ્ગો છે. જ્યારે તમે શ્વાસ અંદર લો ત્યારે તે ફુગ્ગો ફુલે છે અને પેટ બહાર ની તરફ આવે છે. જ્યારે શ્વાસ અંદર લો ત્યારે ફુગ્ગો સંકોચાય છે અને તમારું પેટ પણ. એક વાત યાદ રાખો : ઉચ્છવાસ ની પ્રક્રિયા આપોઆપ થાય છે અને તેના માટે તમારે કોઈ પ્રયત્ન કરવાની કે બળ લગાવવાની જરૂર નથી. બસ તમારી માંસપેશીઓ ને રિલેક્સ થવા દો . ઉચ્છવાસ એક આરામદાયી, સહજ અને સરળ પ્રક્રિયા છે. તેનો આનંદ માણો.
એક બે મિનિટ માટે આ રીતે શ્વાસ લેતા રહો. જ્યારે તમે આ રીતે શ્વાસ લેવામાં સહજ થઈ જાઓ પછી એવો પ્રયાસ કરો કે તમારો ઉચ્છવાસ થોડો લાંબો થાય. શ્વાસ લો અને તેનાથી લાંબો ઉચ્છવાસ બહાર છોડો. પણ યાદ રાખો ઉચ્છવાસ એક સહજ પ્રક્રિયા છે તેમાં બળજબરી કરવાની જરૂર નથી. શ્વાસ કરતાં પ્રશ્વાસ લાંબો થતાં જ તમે જોશો કે તમારું આખું શરીર તણાવમુક્ત થઈ રહ્યું છે.
બ્રેથ રીટેન્શન – શ્વાસ ને હળવો રોકવો
- આ ઉપાય માં તમે ઊંડો શ્વાસ અંદર લો, પછી જરા થોભો.
- શ્વાસ ને બહાર છોડતા પહેલા તેને તમારી અંદર 2-3 સેકન્ડ માટે હળવો રોકો.
- પછી પ્રશ્વાસ બહાર છોડો.
- ફરી થી શ્વાસ અંદર લેતા પહેલા થોભો. પ્રશ્વાસ ને બહાર છોડતા પહેલા તેને બહાર 2-3 સેકન્ડ માટે હળવો રોકો.
- પછી એક ઊંડો શ્વાસ અંદર લો.
- આ પ્રક્રિયા ત્રણ થી પાંચ મિનિટ સુધી કરતાં રહો. શરૂઆત માં શ્વાસ ને 2 સેકન્ડ રોકશો તો પણ ચાલશે, ધીરે ધીરે તેને 10 સેંકડ રોકવા ની કોશિશ કરવી.
️તમારી ભાવનાઓ ને સ્વીકારો
ખૂબ જ તણાવ માં હોવ ત્યારે બહાર જોર જોરથી બરાડા પાડીને તમારી શક્તિનો વ્યય ના કરો. તમે આ રીતે કોઈ સમાધાન સુધી નહીં પહોંચી શકો, તેના બદલે એવું બોલી નાખશો જે ન બોલવું જોઈએ. બીજા ને તકલીફ પહોંચાડી શકો કે નહીં પણ તમારા મગજ ના તંતુ ઓ ને તમે તીવ્ર તણાવ માં મૂકી દો છો, તેથી આવા સમયે મૌન રહો. મનમાં ને મનમાં સ્વીકારો કે “હા, મને ગુસ્સો આવે છે. હા, મને દુઃખ થાય છે. પણ આ સમય પસાર થઈ જશે. હા મને ચિંતા થાય છે, પણ બધુ સારું થઈ જશે. રાત પછી દિવસ આવે છે તેમ આ સમય જતો રહેશે.” જો તમને ભગવાનની અપાર શક્તિ માં અને પ્રાર્થના માં વિશ્વાસ હોય તો, મનમાં પ્રાર્થના કરો કે “ભગવાન મારી સાથે છે અને ભગવાન સહુ સારા વાના કરશે. ભગવાન મારું ધ્યાન રાખશે જ.” આ રીતે ભાવનાઓ થી લડવાનું બંધ કરી, પરિસ્થિતિનો શાંતિ થી સ્વીકાર કરો.
શારીરિક કસરત કરો
ખૂબ જ તણાવ માં પ્રતિક્રિયા આપવાને બદલે પોતાને એ જગ્યાએ થી થોડા દૂર લઈ જાઓ. જો શક્ય હોય તો રૂમ માં જઆ આંટા મારો અથવા હાથ -પગ ના વ્યાયાય કરો. આવું કરવાથી શ્વાસ આપોઆપ લાંબા અને ધીમા થવા લાગશે અને તમારું શરીર તણાવ ની અસર થી બચી જશે. વળી, પરસેવો પણ તણાવ ને દૂર કરે છે. પરસેવા ની સાથે સાથે નકારાત્મક વિચારો પણ શરીર ની બહાર નીકળી જાય છે. 10 થી 15 મિનિટ સુધી કસરત કરી જુઓ. ઉદાહરણ તરીકે તમે આ પ્રમાણે હળવા વ્યાયામ કરી શકો છો :
- સીધા ઊભા થાઓ. તમારા પગને કામરની સીધ માં રાખો.
- ધીરે થી નીચે વળીને પગ ના ઘૂંટણ અથવા શક્ય હોય તો પગ ના અંગૂઠા પકડો. ધીરે ધીરે શ્વાસ લો.
- ધીરેથી ઊભા થઈને સામાન્ય સ્થિતિ માં પાછા આવી જાઓ.
- ઊંડા શ્વાસ લેતા રહો. તમારા હાથ ને ઉઠાવો અને માથા તરફ સીધા કરો.
- 10 થી 15 સેકન્ડ માટે શ્વાસ રોકો અને પછી ઉચ્છવાસ લેતા લેતા હાથ ને નીચે લઈ આવો.
- આ વ્યાયામ ને 3 વાર કરો. ઊંડા શ્વાસ લેતા રહો.
- પછી આરામ થી બેસી જાઓ.
બે ગ્લાસ પાણી પીવો
કહેવાય છે કે પાણી તમારા શરીર નું તાપમાન જાળવી રાખે છે. સ્ટ્રેસ કે ગુસ્સા ને કારણે જ્યારે શરીર તપવા લાગે ત્યારે કોઈ પ્રતિક્રિયા આપતા પહેલા માટલાનું ઠંડુ પાણી પી જાઓ. તમને તરત જ ફરક મહસૂસ થશે. એટલા માટે જ જ્યારે કોઈ રડે છે ત્યારે તેને પાણી આપવાથી તે વ્યક્તિ નો તણાવ ઓછો થાય છે અને તેનું રડવાનું બંધ થઈ જાય છે. વાંચો : પાણી ના ફાયદા માટે તેને પીવાની સાચી રીત જાણો
ધ્યાન કરો
ધ્યાન એક એવી પ્રક્રિયા છે જે તમને તમારા અંતરાત્મા સાથે જોડી દે છે. ધ્યાન તમને તમારી સાચી સમાજ અને ધીરજ સાથે જોડી દે છે. તે માત્ર તમારા શ્વાસ ને સ્થિર નથી કરતું પણ ચિત્ત ને પણ શાંત કરે છે અને લાંબાગાળે તમને પરિસ્થિતિ ને પરિપક્વતા સાથે સામનો કરવા માં મદદ કરે છે. એટલે જો તમારે તણાવ ને જડમૂળ થી કાઢવી હોય તો નિયમિત પણે ધ્યાન કરો. વાંચો : ધ્યાનનું વિજ્ઞાન