ભગવાનની લાઠી નો અવાજ નથી આવતો : એક સત્યઘટના

father son

ભગવાનની લાઠી નો અવાજ નથી આવતો : એક સત્યઘટના

એક બાજુ ફરસાણ અને મીઠાઈની મોટી દુકાન બીજી બાજુ નજીકના મંદિરમાં ભક્તોની ભીડ હતી. કાર પાર્ક કરી … હું મંદિર તરફ આગળ વધતો હતો ત્યાં ..!!!! મીઠાઈની દુકાન બહાર ઉભા રહી એક ભિખારી જેવું લાગતું બાળક કાચ માંથી મીઠાઈ જોઈ રહ્યું હતું. મોઢા ઉપરથી કોઈક સારા ઘર નું બાળક લાગતું હતું.

ઘડીકમાં ગરમાગરમ ઉતરતા ફરસાણ તરફ તો ઘડીક માં મીઠાઈ તરફ તેનું ધ્યાન કેન્દ્રિત થતું હતું. મારા મંદિર તરફ જતા પગલાં ધીરાં પડ્યા અને એ બાળકની આંખો અને મોઢાના ભાવ હું શાંતિથી જોવા લાગ્યો. ત્યાં દુકાનની અંદરથી શેઠ ભગવાનને અગરબત્તી કરતા કરતા બહાર આવ્યા. અને ન બોલવાના શબ્દો બોલી પગેથી ધક્કો મારી બાળકને પછાડી દીધો. અને બોલ્યા સવાર સવારમાં ક્યાંથી હેંડ્યા આવે છે … ખબર નથી પડતી …

બાળક માટે આ નવું ન હતું. કારણ કે, ગરીબી એટલે લોકોની ગાળો ખાવાની અને લોકોની લાતો ખાવાની એ તેના માટે રોજનું હતું. એ બાળક તો ઉભો થઇ મંદિર તરફ જાણે કંઈ બન્યું ન હોય તેમ આગળ વધ્યો. પણ મારા પગ એ દુકાન પાસે અટકી ગયા … આખી દુકાન વિવિધ મીઠાઈઓ ને માવાથી ભરેલ હતી … પણ આ શેઠનું માનવતા રૂપી દિલ ખાલી હતું.

હું સ્વસ્થ થઈ આગળ વધ્યો. એ બાળક મંદિર પાસે ઉભો રહી બહારથી ભગવાનના દર્શન કરતો હતો. મને અંદરથી ખાતરી થતી ગઈ ચોક્કસ આ બાળક કોઈ સારા પરિવાર નું લાગે છે. આજે રજાના દિવસે ખાસ મંદિરે આવવાનું મારૂ કારણ અમારી કંપનીમાં બે વર્ષથી ઇન્ક્રિમેન્ટ થયું ન હતું. અચાનક ઇન્ક્રિમેન્ટ થવાની ખુશીમા એ ઇન્ક્રિમેન્ટની રકમ હું ભગવાનના મંદિર એ મુકવા આવ્યો હતો.

પેટ ભરીને ખાઓ આ મધુરાષ્ટકમ

મેં એ રકમ પોકેટમાંથી હાથ માં લીધી અને ભગવાનને મનોમન કીધુ. “પ્રભુ આ રકમની તારા કરતા બહાર બેઠેલ બાળક ને મારી દ્રષ્ટિએ વધારે જરૂર છે … મને ખબર છે … તને વાંધો નહિ હોય…” આટલું બોલી .. ભગવાનને કીધુ ભગવાન તું આ ગરીબ અને લાચાર બાળકના પેટ ઉપર લાત મારનાર દુકાનદારને સજા કરીશ કે નહીં ..???

મને ખબર હતી જ કે આ પ્રભુ બોલે છે ઓછું, પણ જુએ છે વધારે તેની કામ કરવાની પદ્ધતિ બધા દેવો કરતા અલગ પ્રકારની છે. તે યોગ્ય સમયે જ ઘા કરે છે. ભગવાનની લાઠી નો અવાજ કયા આવે છે?

હું બહાર નીકળ્યો .. આજે નિર્ણય કર્યો હતો .. આ બાળક પાછળ જેટલો સમય નીકળે તેટલો કાઢવો છે…
હું એ બાળકની નજીક ગયો અને પૂછ્યું .. ભૂખ લાગી છે? થોડા સંકોચ સાથે બોલ્યો હા સાહેબ ..!!

મેં કીધું એક કામ કર… મારી કારમાં બેસી જા … તેના માટે તો આશ્ચર્ય હતું … એ થોડી બીક અને થોડા આનંદ સાથે મારી સાથે બેઠો…મેં કારને હૈરકટિંગ સલૂન પાસે ઉભી રાખી .. એ બાળકને અંદર લઈ ગયો .. વાળ કપાવીને બહાર આવ્યો.

સામે બાળકોના કપડાંની દુકાન હતી … ત્યાંથી તેના કપડાં લીધા … બાજુમાંથી બુટ મોજા પણ લીધા, પ્રોવિઝન સ્ટોરમાંથી સાબુ અને શેમ્પુ લીધું… પછી મેં કીધું .. બેટા! તું રોજ કયાં ન્હાવા નું રાખે છે ..??? એ બાળક તે જગ્યાએ મને લઇ ગયો .. એ નાહીંધોઈ નવા કપડાં અને બુટ પહેરી મારી સામે ઉભો રહ્યો … ત્યારે મને આનંદ થયો.

અને મને ખાતરી પણ થઈ આ કોઈ ખાનદાન પરિવારનું બાળક છે. અને ચોક્કસ આ બાળક, બાળકો ઉપાડી જતી ગેગનું શિકાર બન્યું લાગે છે. મેં કીધું બેટા તારું નામ તો કીધુ નહીં ..? એ બોલ્યો … વીર…

વાહ.. સુંદર નામ છે… પછી અમે કારમા એજ દુકાને ગયા જ્યાં એ કાચમાંથી સ્વીટ જોતો હતો. અમે અંદર ગયા, એ બાળકને મેં કીધુ .. બેટા આ દુકાનમાંથી તને ભાવતી કોઈ પણ વસ્તુ પેટ ભરી ને ખાઈ લે … એ બાળક મારી સામે જોતો જાય અને આનંદ થી ખાતો જતો હતો …જાણે ભગવાન અન્નકૂટ ખાતા હોય.

ખરેખર તો ભગવાન તો ખાતો જ નથી હોતો પણ તેના નામે ભોગી લોકો પ્રસાદના નામે બધું ખાય જાય છે.

છેલ્લે જયારે બિલ ચૂકવવાનું આવ્યું… ત્યારે મેં દુકાનના શેઠ ને કીધુ… આ એજ બાળક છે જેને સવારે તમે લાત મારી હતી. ધ્યાનથી જોઈ લ્યો, આ માસુમ બાળકનો ચહેરો .. તમારી લાતનો જવાબ આપવાની તાકાત તો આ બાળક મા ન હતી, પણ આ તાકાત ઈશ્વરની પાસે જરૂર છે. આજ નહીંતો કાલ આ લાતનો જવાબ તમને ઈશ્વર આપશે… સાહેબ તમે ખોટી જગ્યા એ લાત મારી છે.

કોઈને મદદ કરવી કે ન કરવી એ તમારી અંગત વાત છે. પણ તેને અપમાનિત કરવાનો અધિકાર ભગવાને કોઈને નથી આપ્યો.

એક વાત યાદ રાખજો… ભગવાન જેનો હાથ પકડે છે, તેને ઉભા થતા વાર નથી લાગતી. અને જેને તે લાત મારે છે, તેને દુનિયાની કોઈ તાકાત ઉભું નથી કરી શકતું.

મેં કીધું બેટા પિક્ચર જોવું છે ..?? એ બોલ્યો… હા અંકલ… પણ સાંજ સુધીમા મારે 200 રૂપિયા ઘરે આપવા પડે નહિતર સાંજે જમવાનું નહીં આપે અને માર પડશે એટલે પિક્ચર મારે નથી જોવું.

મેં કીધું.. બેટા ઘરે કોણ મારે છે…? મમ્મી-પપ્પા…? ના અંકલ… કહી રડતા રડતા એ વિચારમાં ખોવાઈ ગયો … મેં કીધું તું ચિંતા ન કર… હું તારી સાથે છું. અમે ત્યાંથી નીકળી સીધા જ પોલીસ સ્ટેશને ગયા. મેં ત્યાંના PIને બધી વાત કરી અને થોડી મદદ કરવા વિનંતી કરી.

ભગવાન જયારે હાથ પકડે ત્યારે દરેક રસ્તા સાફ અને સરળ બનતા જાય, તમારા સંપર્કમાં આવતી વ્યક્તિઓ પણ સરળ અને માયાળુ બનતી જાય છે.

બાળકનો અંગુઠો જેવો પોલીસ ઇન્સ્પેક્ટરે કોમ્યુટર પાસે પડેલ મશીન ઉપર મુક્યો એ સાથે બાળકના આધાર કાર્ડ નંબર સાથેની માહિતી ખુલી ગઇ. હું આનંદમા આવી ગયો.. એ માહિતીના આધારે અમે તેના માઁ બાપ સુધી પહોંચી ગયા.

એક બાળકને તેના માં બાપ મળ્યા અને માં બાપને ખોવાયેલ સંતાન મળ્યું. દરેક ના ચહેરા ઉપર આનંદ અલગ અલગ પ્રકારનો હતો તેમના માં બાપ બે હાથ જોડી મને અને પોલીસ ઇન્સ્પેક્ટરને પગે લાગી ખૂબ આભાર માન્યો.

વીર.. પણ દોડીને મને ભેટી પડ્યો અને બોલ્યો “અંકલ! હવે તમે કયારે ઘરે પાછા આવશો?” મેં કીધું કે “જ્યારે પ્રભુ બોલાવે ત્યારે…” એ બોલ્યો… “પિક્ચર તો બતાવવાનું બાકી રહી ગયું અંકલ ?” “બેટા તારી કહાની એક પિક્ચર જેવી જ છે…” મેં કીધુ.

Temple

રસ્તામા મેં, પોલીસ ઇન્સ્પેક્ટર ને કીધુ… “સાહેબ! મંદિરે મુકવા આવ્યો હતો મારી ઇન્ક્રિમેન્ટની રકમ, પણ પ્રભુ એ રૂપિયા કોઈ સારા કામ માટે વાપરવા તરફ ઈશારો કર્યો. આ પુણ્યના કામના આપ પણ ભાગીદાર છો.”

આજે સવારે છાપામાં જયારે મેં વાંચ્યું. લોકડાઉન ને કારણે એજ સ્વીટની દુકાન જ્યાં માસુમ બાળકના પેટ ઉપર લાત મારવામાં આવી હતી. એ દુકાનમાંથી લાંબા ગાળાના લોકડાઉનને કારણે વાસ આવતા મ્યુનિસિપલ કોર્પોરેશને લાખો રૂપિયાની સ્વીટ ટ્રેકટરમાં ભરી નિકાલ કર્યો અને એ દુકાનને સિલ કરી.

મેં ભગવાન સામે જોઈને કહ્યું તારા દરબાર માં દેર હશે પણ અંધેર તો નથી જ.

સજા કરવાની તારી અદા પણ અનોખી છે… ભગવાન લાઠી પણ તારી… સમય અને સ્થળ પણ તારૂ… વાહ… છતાં પણ ભગવાનની લાઠી નો અવાજ નહીં.

Also read : વિરુદ્ધ આહાર વિષે આયુર્વેદિક અભિગમ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *