સત્સંગ જવાના ૬ વ્યાવહારિક ફાયદા
ગુજજુમિત્રો, પહેલાના જમાનામાં સત્સંગ જવાની પ્રણાલી શરૂ થઈ. વધુ પાછળ જવાની જરૂર નથી. એકાદ પેઢી અગાઉ એટલે કે પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં વયસ્કો, પ્રૌઢો, નિવૃત્ત લોકો સવાર સાંજ મંદિરે સત્સંગ કરવા અથવા ઉપાશ્રય કે દેરાસર જતાં .આપણે સત્સંગ જવાના ૬ વ્યાવહારિક ફાયદા ગણીએ અને આધુનિકીકરણ બાદ તેના અભાવમાં કરવા પડતાં કામની યાદી જોઈએ.
પહેલો ફાયદો : રોજ નિયમિતપણે ચાલવાનું થતું
સત્સંગ માટે મોટેભાગે નજીકના મંદિરે ચાલીને જતાં આવતાં. દિવસમાં બે વાર જવા આવવાનું. સહેજેય ચાર પાંચ કિલોમીટર ચાલવાનું થઈ જતું. અત્યારે જાહેરાતો કરવી પડે છે કે રોજ એકાદ કલાક અથવા પાંચ કિલોમીટર ચાલવું જોઈએ.
બીજો ફાયદો : રોજ ગાવાથી ગળું અને ફેફસા સ્વાસ્થ્ય રહેતા
સત્સંગમાં મોટે મોટેથી કીર્તનો, ભજનો કે સ્તવનો ગવાતા. ગળાની અને ફેફસાની કસરત થઈ જતી. અત્યારે આ માટે લાફિંગ કલબોમાં જવું પડે છે. ભજન કીર્તન કથાઓ પુરાણો કંઠસ્થ ન હોય માટે વાંચવાની આદત પડે. સત્સંગમાં હાજરી આપતી દરેક વ્યક્તિ વારાફરથી પાઠ વાંચતી. અત્યારે વાંચન ભુલાતું જાય છે.
ત્રીજો ફાયદો : તાળીઓ પાડવાને કારણે એક્યુપ્રેશર થતું
કીર્તનો ગાતાં ગાતાં અડધો કલાક તાળીઓ પાડતા. અજાણતા કેટલી સરસ કસરત થઈ જતી. અત્યારે એક્યુપ્રેશર સારવારમાં હથેળી અને આંગળીઓના બધા પોઈન્ટ દબાય માટે તાળીઓ પાડવા કહેવાય છે. વધુ વિગત માટે વાંચો : તાળી પાડવાના 12 ફાયદા
ચોથો ફાયદો : ડીપ્રેશન નહોતું થતું
રોજિંદા કામમાંથી મુક્તિ મળે, થોડીવાર નવું વાતાવરણ મળે, ભગવાનને યાદ કરે, મન શાંત થાય, એકચિત્તે બેસવાની આદત પડે. પહેલા કોઈને ડીપ્રેશન નહોતું થતું. અત્યારે આ માટે રૂપિયા ખર્ચી મેડીટેશન માં કોર્સ કરવા પડે છે.
પાંચમો ફાયદો : લોકો સાથે વાતચીત થતી
સત્સંગમાં સારા માઠા બધા પ્રકારના લોકોનો સંપર્ક થાય અને વ્યવહારુ જ્ઞાન મળે અને વ્યક્તિ ઘડાય. અત્યારની સાસુ વહુના કાવાદાવા વાળા ધારાવાહિક જોવાની જરૂર ન પડે.
છઠ્ઠો ફાયદો : સગપણ સમયસર થતાં!
થોડી રમુજી પણ હકીકત વાત છે કે સત્સંગમાં સગપણ નક્કી થતાં. સત્સંગ પુરો થતાં ડોશિયું અને ભાભલાવ પંચાત કરવા બેસતાં અને એકબીજાની સાત પેઢી સુધીની માહિતી મેળવી લેતા અને કેટલાય દીકરા દીકરીઓના સગપણ નક્કી કરી દેતાં. અત્યારે વ્યવહાર ઘટતાં મેરેજ બ્યુરો અને મેટ્રીમોનિયલ સાઈટ નો આશરો લેવો પડે છે.
આમ, સત્સંગ જવાના માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ વ્યાવહારિક ફાયદા પણ ઘણા છે. તેની તમારા મન, શરીર અને આત્મા પર ઊંડો પ્રભાવ પડે છે.