ફાધર્સ ડે પર એક પિતાની વ્યથા
ગુજજુમિત્રો, આજે મેં એક લેખ વાંચ્યો. શરદ ત્રિવેદી દ્વારા લિખિત આ નાનકડી કથા બહુ સારગર્ભિત છે. વિદેશો માં મનાવવામાં આવતો ફાધર્સ ડે હવે આપના દેશમાં પણ બહુ પ્રચલિત થઈ ગયો છે. પણ મિત્રો, ફાધર્સ ડે માનવવાની સાચી રીત કઈ છે? શું તમે તમારા પપ્પા ના મનમાં ડોકિયું કરીને તેમની પીડા અને તેમની ખુશી પર ધ્યાન આપ્યું છે? ચાલો વાંચીએ ફાધર્સ ડે પર એક પિતાની વ્યથા અને સમજીએ તેનો સાચો અર્થ.
20 જૂન 2021 ની વાત છે. જૂન મહિનાનો ત્રીજો રવિવાર કે જેને સમગ્ર વિશ્વ ફાધર્સ ડે તરીકે ઉજવે છે. મૌલિકે સવારે ઘરમાં બધાને જાણ કરી કે આજે ન્યૂઝ ચેનલવાળા આપણાં ઘરે ફાધર્સ ડે નિમિત્તે ઇન્ટરવ્યૂ લેવા આવવાના છે, માટે બધાં તૈયાર થઈ જાવ અને હા, ઘરમાં પડેલી અસ્તવ્યસ્ત ચીજોને ગોઠવી ઘર વ્યવસ્થિત કરી નાખો જેથી ટીવીમાં આપણું ઘર અને પરિવાર ને પ્રતિષ્ઠા જળવાય.” આમ કહી મૌલિક હસમુખરાયના રૂમમાં ગયો, “અરે પપ્પા તમે પણ તૈયાર થઈ જાવ અને હા, કબાટમાં તમારા કોટ પેન્ટ પહેરજો, ટીવી વાળા આવવાના છે અને ફાધર્સ ડે નિમિત્તે મારો અને તમારો ઇન્ટરવ્યૂ લેવાના છે. અરે! તમારા વાળ કેટલાં વધ્યાં છે અને દાઢી પણ કરી નથી. શું કરી રહ્યા છો? ટીવી માં બધાં જોશે તો મારી આબરુ નું શું?” મૌલિક તાડ્યૂક્યો.
“બેટા હું તને છેલ્લા પંદર દિવસથી કહું છું કે મારે વાળ કપાવવાના છે પણ તું મને હજામની દુકાને લઈ જાય તો ને.” હસમુખ રાય બોલ્યા.
“પપ્પા તમે હંમેશા ફરિયાદ કરતા હો છો. તમે જુઓ છો કે મારે કેટલું કામ હોય છે. ફેક્ટરી સંભાળવી, સમાજનું કામ, જ્ઞાતિ નું કામ અને કલબમાં પણ જવાનું. કેટ કેટલાં કામ હોય છે. મને કાંઈ નવરાશ છે? ચાલો ચાલો જલ્દી તૈયાર થઈ જાવ હું તમને હજામની દુકાને લઈ જઉં.”
હસમુખરાય ની શહેરમાં એક નાની કરિયાણાની દુકાન. બે બાળકો, મોટી દીકરીને પરણાવી મુંબઈ સાસરે વળાવી. દીકરા મૌલિક ને દુકાને બેસવાની ઇચ્છા ન હતી અને સ્વતંત્ર ઉદ્યોગ શરૂ કરવો હતો. પોતાની દુકાન વેચી અને અંગત મૂડીમાંથી એક નાની ફેક્ટરી બનાવી દીધી. ઈશ્વર કૃપાથી તેનું કામકાજ સારુ ચાલવા લાગ્યું અને સમાજમાં નામ અને પ્રતિષ્ઠા મળી. શહેરનું જુનવાણી મકાન હવે પ્રતિષ્ઠા પ્રમાણે નાનું પડવા લાગ્યું અને મકાન વેચી સોસાયટીમાં બંગલો બનાવ્યો. હસમુખરાયના પત્ની બીમારીમાં ગુજરી ગયા અને પોતે હવે દીકરા સાથે એકલા રહેવા લાગ્યાં.
4:00 વાગે સિટી ન્યૂઝ ચેનલવાળા ઘરે આવી ગયા. ડ્રોઈંગ રૂમમાં એક ખૂણામાં લાઈટો અને કૅમેરા ગોઠવાઈ ગયાં. બધું વ્યવસ્થિત ગોઠવાયું હતું. એક સુંદર સજાવેલી ખુરશીમાં હસમુખરાય ને બેસાડ્યા હતા. ઘણાં વર્ષો પછી જુના કોટ પેન્ટ પહેર્યા હોવાથી થોડાક અસ્વસ્થતા અનુભવતા હતા જે તેમના મોઢા પર દેખાઈ આવતી હતી. મૌલિક બોલ્યો, “જુઓ પપ્પા, તમારે હસતું મોઢું રાખવાનું છે. ટીવીમાં આપણો ઇન્ટરવ્યુ પ્રસારિત થવાનો છે અને લાખો માણસો જોતાં હશે. તેવામાં તમારો આવો ઊતરેલો ચહેરો જોઈને લોકો શું કહેશે?”
ન્યૂઝ ચેનલના રિપોર્ટરે આવીને બધી સુચના આપી. કોને શું કહેવું, કેમ કરવું વગેરે વગેરે.. પ્રાથમિક સૂચનાઓ આપી અને ઇન્ટરવ્યુ ચાલુ કર્યો.
“લાઈટ, કેમેરા, એક્શન, મૌલિકભાઈ તમે આટલી નાની ઉંમરમાં વ્યવસાયમાં પ્રગતિ કરી છે, સમાજમાં પણ સેવા કરો છો. આ બાબત તમારું શું કહેવું છે?” રિપોર્ટર બોલ્યો.
“જુઓ, મને નાનપણથી જ સેવા કરવામાં આનંદ આવતો હતો. અમારા સમાજમાં વિવિધ પ્રસંગોએ હું મારી સેવા આપતો હતો અને આજે પણ તમે જાણો છો તેમ મારા ફેકટરીના કામદારોથી લઇને, વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા હોવાથી તે દ્રારા વિવિધ વર્ગોની સેવાઓ કરવાનો મને આનંદ આવે છે. સમાજ માટે કશુંક કરી છૂટવાનો સંતોષ છે.” મૌલિકે કહ્યુ.
“આજે ફાધર્સ ડે હોવાથી મૌલિકભાઈ તમે તે અંગે શું કહેશો? તમારા પિતાશ્રી સાથેના કોઈ પ્રસંગ જણાવો તો દર્શક મિત્રોને તે જાણી આનંદ થશે.” રિપોર્ટ કહ્યું.
“પિતા સાથેના અનુભવની તો શું વાત કરવી. આપણાં શાસ્ત્રો માં ‘માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ’ માતા પિતાને દેવ સમાન ગણ્યા છે. મને બચપણથી તેમનાં સાથ સહકાર થકી જ હું અત્યારે આ જગ્યાએ પહોંચ્યો છું. આ તકે મને એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે હું નાનો હતો અને અમે કોઈના લગ્ન પ્રસંગે ગયા હતા. પપ્પા એ આજે સૂટ પહેર્યો છે તે સૂટ નવો સીવડાવેલો હતો તે પહેર્યો હતો. લગ્ન વિધિ અને પ્રસંગોમાં કલાકો વીતી ગયા હોવાથી હું થાકી ગયો હતો અને પપ્પા ને મને લઈ લેવાનું કહ્યું.
પપ્પાએ મને સમગ્ર વિધિ દરમિયાન તેડી રાખ્યો. હું નાનો અને અણસમજુ હોવાથી મારા થી પેશાબ છૂટી ગયો અને પપ્પાનો આ નવો કોટ આખો પલળી ગયો. મમ્મી આ જોઈ થોડી મારા પર ગુસ્સે થઈ ગઈ. પરંતુ પપ્પાએ તો કહ્યું હશે, નાનો છે, તેને શું ખબર પડે, કોઈ વાંધો નહીં.” એમ કહી પેશાબ વાળા કપડાં સાથે સમગ્ર પ્રસંગ દરમિયાન હાજર રહ્યા. આમ પપ્પાએ મારા માટે ગમે તેવી મુશ્કેલીઓમાં પણ હસતા મોઢે મારા ઉપર પ્રેમ કરેલો છે. આજના ફાધર્સ ડે નિમિત્તે હું તેમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.” મૌલિકે પોતાનું વક્તવ્ય આપ્યું.
“તો દર્શક મિત્રો તમે જોયું કે આપણા શહેરના એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને તેમના પિતાશ્રી સાથેના સંબંધો આજના ફાધર્સ ડે નિમિત્તે નવયુવાન માટે ઘણું ઘણું કહી જાય છે. મૌલિકભાઈ તમે અને તમારા કુટુંબનો સીટી ન્યુઝ ચેનલ આભાર માને છે.” આમ કહી કરે રિપોર્ટરે ઇન્ટરવ્યુ પૂરો કર્યો.
હસમુખલાલ ઊભા થઇને પોતાના રુમ તરફ જતા હતા ત્યાં તેમનું પાટલુન ભીનું થઈ ગયું અને નીચે પાથરેલો કીમતી ગાલીચો પેશાબથી પલળી ગયો. મૌલિકે અણગમા અને કરડાઈ થી હસમુખ રાય તરફ નજર નાંખી. બીતા બીતા હસમુખ રાયે કહ્યું, “શું કરું મારાથી લાંબો સમય સુધી પેશાબ રોકી શકાતો નથી. પેશાબ છુટી જાય છે. ડાયપર પણ ઘણાં સમય થી ખાલી થઈ ગયાં છે.”
આમ કહી ધીમાં પગલે હસમુખરાય પોતાના રૂમ તરફ ગયા. બાથરૂમમાં જઈ હાથ-પગ ધોઈ કપડાં બદલ્યાં. લાંબો સમય બેસી રહેવાથી તેમનું શરીર જકડાઈ ગયુ હતુ. પલંગ માં જઈ થોડો આરામ કર્યો. આંખો બંધ કરી વિચારે ચડી ગયા. સમગ્ર સ્મૃતિ પટલમાં ભૂતકાળ નાં વિવિધ પ્રસંગો ઉભરી આવ્યાં. મન વ્યથિત થઈ ગયું. મનને આ વિચારોથી દૂર કરવા માટે તેમણે ટીવી ચાલુ કર્યુ. ત્યાં તો ટીવીમાં ફાધર્સ ડે નિમિત્તે શહેરના યુવાન ઉદ્યોગપતિ મૌલિકભાઈ નો ઇન્ટરવ્યૂ આવતો હતો.