ભારતીય પુરુષ ની વ્યથા : એમની પાસે વેકેશનમાં જવા માટે “પિયર” નથી

પુરુષોનો રવિવાર કેવો હોય છે?

ભારતીય પુરુષ ની વ્યથા : એમની પાસે વેકેશનમાં જવા માટે કોઈ “પિયર” નથી

આપણાં પુર્વજોએ લગ્ન બાદ સ્ત્રીએ એનાં માતા-પિતાનું ઘર છોડીને પતિ સાથે એનાં કુટુંબમાં રહેવા જવું એવી પ્રથા બનાવી. ભારતમાં અંદાજે ૮૫ ટકા કપલ જોઈન્ટ ફેમીલીમાં જ રહેતાં હોય છે. આ નિર્ણય માટેનાં કારણોમાં, સ્ત્રીની નવા વાતાવરણમાં ઝડપી અનુકૂલન સાધવાની ક્ષમતા હશે કે પૌરુષી ગર્વ કે એ બંને કે અન્ય કોઈ કારણ એ હું નથી જાણતી. કોણે અને ક્યારે આ સામાજીક વ્યવસ્થા ગોઠવી એનો કોઈ ઇતિહાસ આપણી પાસે નથી. પણ, આ પરંપરામાં ભારતીય પુરુષોને અન્યાય થયો છે એટલું ચોક્કસ છે.

પરિણીત ભારતીય સ્ત્રીઓ માટે પિયર એક એકઝોસ્ટ છે. અંદરનો ઊકળાટ બહાર ખેંચી કાઢે એવી એક નાનકડી બારી એટલે એકઝોસ્ટ.


દિકરી પિયર જઈને પહેલું કામ શું કરે છે એ ખબર છે? વર્ષો જુની પોતાની મુલાયમ શાલ અને નરમ તકિયો લઈને એ ઘસઘસાટ ઊંઘી જશે. આખું વર્ષ સાસરે રહીને નિભાવેલી જવાબદારીઓનો થાક ઊતારવા માટે પિયરનાં ગાદલાંમાં થતી એક જ ઊંઘ કાફી છે.

પછી ચા પીતાં પીતાં, આખા વર્ષમાં સાસરામાં બનેલી ઝીણી મોટી ઘટનાઓ મમ્મીને કહેશે. કંઈ બહું ગમતું થયું હોય, સાસુએ વખાણ કર્યા હોય અથવા પતિએ સરસ ભેટ આપી હોય એ કિસ્સાઓ પહેલાં કહેશે.
પછી, આસ્તે આસ્તે, કોઈને કહી ન શકાયેલી પોતાની નાજુક વેદનાઓ મા આગળ પાથરશે. કોઈ સંતાપો, ભરાઈ ગયેલાં ડુમાઓ અને રોકી રાખેલાં આંસુઓને માનાં ખોળામાં ઠાલવી નાખશે. મમ્મીને બરાબર જાણ હોય છે કે દિકરીને સલાહની નહિં ફક્ત સાંભળવાની જ જરુર છે. દિકરીને ચુપચાપ સાંભળવાની ધીરજ સૌથી વધારે માતા પાસે હોય છે. દિકરીની દરેક વાતોને છેડે બાંધીને છુપાવી રાખવાની કાબેલિયત પણ ફક્ત મમ્મીનાં પાલવમાં જ હોય છે.

જીવન માત્ર કમાવા માટે
પુરુષ ની વ્યથા

પિયર એટલે બેઝિકલી એવું સ્થળ કે જ્યાં સંતાનની સતત રાહ જોવાતી હોય અને એનાં આગમનની તૈયારીઓ થાય. દિકરી આવે એ પહેલાં એને ભાવતાં મેન્યુ, ગમતાં મુવી અને નવી રેસ્ટોરાંનાં લિસ્ટ બની ગયાં હોય. એને પુરતી ટાઢક રહે એટલે એ.સી.ની સર્વિસ થઈ જાય. જેટલાં દિવસ એ રોકાય એટલો સમય બધું એનું ગમતું જ થાય. પિયરમાં હોય ત્યારે થોડાં દિવસ એ ક્વીનનું સ્ટેસ્સ ભોગવે છે. આ થોડાં દિવસોમાં મળેલાં પ્રેમનું રિચાર્જ સ્ત્રીને સાસરામાં આખું વર્ષ ચાલે છે. પિયરમાંથી આખો ખોળો ભરી શકાય એટલી શાંતિ લઈને સ્ત્રી સાસરે આવે છે. વર્ષે થતી પિયરની આવી એકાદ મુલાકાત ભારતીય સ્ત્રીની લાંબી આવરદાનું એક કારણ હોય શકે.

જ્યારે પુરુષને ન કોઈ “પિયર” હોય છે નથી હોતું કોઈ “વેકેશન”. પત્ની પિયર જાય ત્યારે શું કરવું એ વિષયનાં સસ્તાં જોકનાં ફોરવર્ડ સિવાય ‘પિયર’નો આનંદ શું એ એને ખબર જ નથી..


પિયરમાં જોવાતી હોય એવી પ્રતિક્ષાનો આહલાદ પુરુષોને ક્યારેય નથી મળતો. ૩૬૫ દિવસ રોજ સાંજે એ જ ઘરે એને પાછા ફરવું પડે છે. ઘરની ઝીણી કચ-કચ, સાસુ-વહુનાં ઊત્પાત કે પત્ની-બાળકોની ન ગમતી વાતોનો જંક ઠાલવવા એની પાસે કોઈ સેઈફ બીન નથી હોતું. મિત્રો સાથે બિઝનેસ કે નોકરીની કે અન્ય પર્સનલ સમસ્યાઓની ચર્ચા ખુલ્લીને કરી શકતો પુરુષ, ઘરની અંગત નાની નાની પીડાઓને વ્યક્ત કરવામાં તદ્દન નિષ્ફળ જાય છે. કેમ કે અમુક વેદનાઓને ઝીલવા ખભાની નહિં ખોળાની જરુર હોય છે.

મમ્મી નજર સામે હોવાં છતાં અજાણપણે જ, લગ્ન પછી માતાનો ખોળો પુરુષ ગુમાવી દે છે. એક જ ઘરમાં રહેતાં અને નજર સામે રહેવાથી મા-બાપ દિકરાને રોજ કિંગ જેવી ટ્રીટમેન્ટ નથી આપી શકતાં એ હકીકત છે. લગ્ન પહેલાં જે દિકરાને લાડ લડાવતાં એ જ દિકરો હવે માતાપિતા માટે અલગ-અલગ ફરિયાદો કરવાનું ફક્ત સરનામું બની જાય છે. પુરુષ માટે, એ જન્મે ત્યારથી લઈ એ સ્મશાને ન પહોંચે ત્યાં સુઘી રિફ્રેશ થઈ શકે એવાં કોઈ વિકલ્પની સામાજીક વ્યવસ્થા ભારતીય સમાજે વિચારી જ નથી.

ન કહી શકવાની મજબુરી, અકળામણ અને પીડાનો ભરાવો પુરુષની સંવેદનાઓને ધીરે ધીરે બરડ બનાવી દે છે. એની પીગળી શકવાની ક્ષમતા દિવસે દિવસે ઘટતી જાય છે. એ જ કારણે, એ એકસ્ટ્રા મેરાટાઈલ અફેર્સ તરફ વઘું ખેંચાતો હોય એવું બને, જ્યાં એ બે ઘડી વિસામો મેળવી શકે.

Couple
પુરુષ ની વ્યથા

જીવતરની તકલીફો, કૌટુંબિક જવાબદારીઓથી ઘેરાયેલાં સૌને પોરો ખાવાં થોડાં વેન્ટીલેશનની જરુર હોય છે. એ હક આપણી સમાજીક પરંપરાએ પુરુષ પાસેથી છીનવી લીધો છે. પોતાનાં જ ઘરમાં રહીને, માતા-પિતાનાં વ્હાલ સાથે, કોઈ જ જવાબદારી વગર, મનગમતું કરી શકે અને મનફાવે ત્યારે ઊઠી શકે એ સ્વપ્ન મોટાંભાગનાં પુરુષો ક્યારેય પુરું નથી કરી શકતાં. ઘરમાં પુરી ન થયેલી નિંદર ક્યારેક પુરુષને ICUનાં બિછાને પુરી કરવી પડે છે.

પ્રશ્ચિમ દેશોમાં એક મસ્ત ટ્રેન્ડ છે. મેરીડ હોય કે લિવ ઈન રિલેશનમાં, પણ કપલ વર્ષમાં એક વાર નાનકડું વેકેશન પોત-પોતાનાં મિત્રો સાથે એન્જોય કરે. સ્ત્રી પોતાની બહેનપણીઓ સાથે અને પુરુષ પોતાનાં ભાઈબંધો સાથે ફરવા જાય. સમયાંતરે આ ‘ME TIME’ દરેકને, ખાસ કરીને ભારતનાં પુરુષોને મળવો જોઈએ. આવો રિવાજ ભારતમાં ય લાવવા જેવો છે.

પતિને ય “એકઝોસ્ટ” મળે એવું, પત્ની જો ઈચ્છે તો પોતે પિયર જાય ત્યારે ઘરની જવાબદારીઓથી સાવ મુક્ત નાનકડાં “SOLO VACATION”ની પોતાનાં પ્રિયતમને સરપ્રાઈઝ ભેટ આપી શકે. જેથી સ્ત્રી જ્યારે પિયરથી સાસરે પાછી ફરે ત્યારે રિફ્રેશ થયેલું લગ્નજીવન એની પ્રતિક્ષા કરતું હોય.

Also read : પતિ પત્ની ના ઝગડા : છુટકારો, સંબંધથી કે કકળાટથી?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *