મન મજબૂત તો કોરોના નબળો
મન મજબૂત તો કોરોના નબળો
ગુજ્જુમિત્રો, કોરોનાના કેસ અને તેનો ભય વધી રહ્યો છે. હું તમને આગ્રહપૂર્વક સલાહ આપીશ કે સરકાર દ્વારા સૂચિત બધા જ નિયમોનું પાલન કરો. પરંતુ આ લેખમાં હું તમને કહેવાય માંગું છું કે જો મન મજબૂત તો કોરોના નબળો પડી જશે. અને જો મન નબળું તો કોરોના વધારે ઘાતક થતો જશે.
કોરોના એટલે શું?
કોરોના એટલે એક પ્રકારના વાયરસથી થતો ઝીણો તાવ અને શરદી. આનો પ્રચાર શરૂઆતથી એટલો ભયાવહ રીતે કરવામા આવ્યો છે કે મજબૂત વ્યક્તિનું માનસિક મનોબળ પણ ખૂબ જ નબળુ થઈ ગયું છે. આથી માનસિક ભયને કારણે સતત કોરાનાના વિચારો પણ આવતા રહે છે.
ભયની દવા નથી
મિત્રો હું એમ નથી કહેતી કે કોઈપણ સાવધાની વગર બિન્દાસ થઈને ફરો. હું અહી એક જરૂરી વાત પર તમારું ધ્યાન દોરવા માંગું છું. અને એ છે કે ભય કોરોના કરતાં પણ વધારે ભયાનક છે. ભયની ના તો કોઈ રસી છે અને ના તો કોઈ દવા.
સાવચેતી સારી, ભય ખરાબ
અત્યારે મોટાભાગના લોકોમાં પહેલાથી ભય હોય છે. બધા પોતાના મનમાં એક છૂપો ભય રાખતા હોય છે કે તેમને કોરોના તો નહિ થાય ને? અને રોજ એ જ વાત સતત વિચારવાને પરિણામે એ વાત સાચી પડી છે. વિચારોની મન પર અને મનની શરીર પર અસર થાય જ છે. અત્યારના સમયમાં સામાન્ય તાવ આવે તો પણ આપણને એમ જ મનમાં થાય કે કોરોના તો નહિ હોય ને ? મિત્રો, સાવચેતી જરૂરી છે પણ ભય બહુ ખરાબ છે.
મનની અસર શરીર પર પડે છે
કોઈ વ્યક્તિ ઉપર અતિશય દ્વેષ કે અણગમો થાય એ વખતે ગુસ્સો આવે ત્યારે એ વ્યક્તિ આપણી સામે નહિ હોવા છતાં મનમાં ભરેલ ગુસ્સાને કારણે આપણું શરીર કેવું ગરમ અને લાલચોળ થઇ જાય છે. મતલબ ખાલી આવી રીતે વિચારવાથી જ મનની શરીર ઉપર કેવી અસર થાય છે ? એકની એક વસ્તુ પર સતત વિચાર કર્યા કરવાથી એ મન પર હાવી થઇ જાય છે અને એનો પ્રભાવ શરીર પર પડે છે.
મનને મજબૂત રાખો
તેથી કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સોશ્યિલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરની સાથે અત્યંત જરૂરી છે મજબૂત મન . જો મન મજબૂત અને મક્કમ હશે તો કાંઈ જ નહિ થાય અને કદાચ થાય તો પણ શરીરને એની અસર ઓછી થશે. અને તમે જલ્દીથી સાજા થઈ જશો.
સકારાત્મક વિચારો
સતત આવું જ વિચારો :
હું મક્કમ છું.
હું મજબૂત છું.
અને દરેક પરિસ્થિતિનો સામનો કરવાની મારામાં તાકાત છે.
ઈશ્વર હંમેશા મારી સાથે છે.
મારાં સગા સ્નેહી મિત્રો પણ મારી સાથે છે.
મનની શક્તિને રક્ષાકવચ બનાવી લો
કોરોના કરતા પણ નબળું મન આપણા શરીરને વધારે નુકસાન કરે છે. અને મન મક્કમ કરવાની કોઈ દવા નથી હોતી એ તો આપણે જાતે જ એને મજબૂત કરવુ પડે. માટે ડર્યા વગર કોરોના આવ્યા પહેલા જે રીતે જિંદગી જીવતા હતા એવી જ રીતે પરંતુ થોડીક સાવધાની રાખીને જીંદગી જીવો. સરકાર બૂમ પાડી પાડીને કહે છે કે…..સોશ્યિલ ડિસ્ટન્સ રાખો. માસ્ક પહેરો. અને સેનેટાઇઝરનો ઉપયોગ કરો. સરકારની બધી જ વાતો માનો. એ આપણા જ હિત માટે છે. અને આની સાથે સાથે મજબૂત મન રાખવાનો સંકલ્પ કરો. આપણે આપણી જાતને રોજ કહેવાનું છે કે હું મજબૂત છું.
આ પણ વાંચી જુઓ : શુભ બોલીને કોરોનાથી બચો