આપણા અમદાવાદની અજાણી વાતો
આપણા અમદાવાદની અજાણી વાતો
ગુજ્જુમિત્રો, હાલમાં મને આપણા અમદાવાદની અજાણી વાતો જાણવા મળી. અમદાવાદ ગુજરાતનું ગૌરવ છે અને ભારતભરમાં સુવિખ્યાત છે. ડો.માણેક પટેલના લેખમાંથી વાંચવા મળેલી આ વાતોએ મારા મનમાં અમદાવાદની યાદને તાજી કરી દીધી. તમને પણ જો અમદાવાદની યાદ આવતી હોય, તો ચાલો આ લેખ વાંચતાં વાંચતાં આપણે એક સાથે અમદાવાદ જઈએ!!
(1) ઉસ્માનપુરા ગામનું નામ ઈસ્લામિક લાગે છે પણ તેના પ્રારંભિક વસવાટ કરનારા હિન્દુ જ હતા.
(2) અમદાવાદમાં એક રામજી મંદિરમાં કાળા કલરના રામ છે. રામ બધે ઊભેલા હોય છે આ મંદિરમાં બેઠેલા રામ છે. અહીં રામનવમીએ જન્મપત્રિકાનું વાચન થાય છે.
(3) વાડ નહોતી તેથી ગામનું નામ પડ્યું વાડજ.
(4) સોલા ગામનું રામજી મંદિર ઐતિહાસિક છે. અહીં સ્વાતંત્ર્ય સેનાનીઓ ને રાખવામાં આવ્યા હતા.
(5) વસ્ત્રાપુર ગામમાં ઠાકોરોની મોટી વસ્તી છે. આ ગામમાં એક હજાર દુકાનો છે, પણ એક પણ દુકાન ઠાકોરની નથી.
(6) જુહાપુરામાં હજારો મુસ્લિમો રહે છે, પણ આ ગામ જુહાજી ઠાકોરે વસાવ્યું હતું.
(7) આઝમખાન જ્યારે અમદાવાદનો સૂબો હતો ત્યારે તેણે પોતાના હુકમથી ગાવા ન આવેલી આઠ ગાવાવાળી બહેનોને મરાવી નાખી હતી. એ ખૂબ ક્રૂર હતો. તેની ક્રૂરતા પરથી ગરબો રચાયો… કે કે લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ.. બાદશાહ બડો મિજાજી.. એ ઈશ્કમિજાજી હતો..
(8) મહાગુજરાત આંદોલનની લડતમાં 226 દિવસ ચાલેલો સત્યાગ્રહ સમગ્ર દેશનો અનોખો સત્યાગ્રહ હતો.
(9) ચંદ્રવિલાસની તુવરની દાળ ખૂબ વખણાતી. લોકો લાંબી લાઈનમાં ઊભા રહીને દાળ લઈ જતા. ચંદ્રવિલાસનો વકરો એટલો આવતો કે સિક્કાનું વજન કરીને કેટલો વકરો થયો છે તે નક્કી કરાતું.
(10)અમદાવાદમાં રાધનપુરના દિવાન સૈયર બાવા મિયાન કાદરીનો બંગલો હતો. એમના દીકરા એમ.બી.કાદરી અમદાવાદ શહેરના પ્રથમ ડેપ્યુટી મેયર બન્યા હતા. તેમનો દીકરો આઈ.એમ.કાદરી મુંબઈનો શેરિફ બન્યો હતો. હવે આ બંગલો હોટલમાં પરિવર્તિત થયો છે.
(11) અમદાવાદમાં 1856માં આંગડિયા સર્વિસ શરૂ થઈ. ઊંઝાના જીવાજી ઈચ્છાજી પટેલે શરૂ કરેલી. પછી તો આંગડિયા સર્વિસ એટલી ચાલી કે સરકારનો પોસ્ટ વિભાગ હલબલી ગયો. તેમની ઘરાકી ઘટી એટલે તેમણે કેસ કર્યો. વાત છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી જેમાં આંગડિયાઓની જીત થઈ હતી.
(12) સરદાર પટેલ ટપાલીઓના યુનિયનના નેતા બન્યા હતા. એ વખતે ટપાલીઓ દિવસમાં ત્રણ ત્રણ વખત ટપાલ વહેંચવા જતા. પગાર મળતો હતો માત્ર 18 રૂપિયા. સરદાર પટેલને તેમની વાતમાં તથ્ય લાગ્યું. તેમના નેતૃત્વમાં હડતાળ પડી. ટપાલીઓ જીત્યા અને પગાર 18નો 22 રૂપિયા થયો.
(13) જલેબી અને ફાફડાના કોમ્બીનેશનનો પ્રારંભ અમદાવાદની ચંદ્રવિલાસ હોટલે કર્યો હતો.
(14) અમદાવાદમાં હડકેશ્વરી દેવીનું મંદિર છે. જેને કૂતરું કરડ્યું હોય તે અહીં પગે લાગે તો સારું થઈ જાય છે.
(15) એક હસતી બીબીનો ગોખલો છે. તે એક એવી બીબી કે મહિલા હતી જે માંદા બાળકો પર હાથ મૂકે તો તેને સારું થઈ જતું હતું.
(16) બોપલ ગામ વસાવનારને તેનો યશ નથી મળ્યો. આ ગામની બહાર બોપલ દેસાઈ પોતાનાં પશુઓ લઈને બેસતો. લોકો કહેતા કે બોપલ દેસાઈની વસાહતે જવું છે.. તેમાંથી બોપલ નામ પડી ગયું.
વાહ મારુ અમદાવાદ
અદ્ભુત વર્ણન કર્યું છે
yesss,true
Wow. A lot of great information about Amdavad!