ઘડપણ એટલે શું?
ઘડપણ એટલે શું?
ગુજ્જુમિત્રો, ઘડપણ એટલે શું? તમે મને કહેશો કે ઉંમર વધે અને ઘરડાં થઈએ એટલે ઘડપણ. પરંતુ હું માનું છું કે કોઈ વ્યક્તિ ઘરડી નથી થતી, તે તો સમય સાથે અનુભવી થતી જાય છે. આવા જ એક અનુભવી વ્યક્તિએ ઘડપણ અને તેને કારણે સંબંધો પર પડતી અસર વિષે પોતાની સમજ મને જણાવી જે હું અહીં તમારી સાથે શેર કરું છું.
ઘડપણ એટલે બીજું બાળપણ. બાળકની જેમ જ નાની-નાની વાતમાં ખુશી શોધવાની આદત પડી જાય છે. એટલે જ મોટી ઉંમરની વ્યક્તિને નાની ઉંમરના બાળકો સાથે સમય વ્યતીત કરવો વધારે ગમે છે.
જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ ઝગડા કરવાની શક્તિ પણ ઓછી થતી જાય છે, સમજ શક્તિ ખીલતી જાય છે, પહેલાં નાની-નાની વાતો ઉપર દલીલ અને ઝગડા થતાં હોય છે અને પછી દલીલોને હસવામાં કાઢી નાખીએ છીએ. કારણકે સમય અને પરિસ્થિતિ ની થપ્પડ ભલ-ભલાને ઢીલા કરી નાખે છે.
ઉંમર વધતાં પતિપત્ની વચ્ચે પરસ્પર સ્નેહ વધતો જાય છે કારણકે સતત એક બીજાને બીક લાગે છે કે કયું પંખી કયારે ઉડી જશે તે ખબર નથી. બચેલા દિવસો આનંદ અને મસ્તીથી વિતાવી લઈએ.
પતિ-પત્ની ના સંબંધોમાં નિખાલસતા આવતી જાય.. જીતવા કરતા હારવામાં મજા આવતી જાય. દલીલ કરવા કરતાં મૌન રહેવામાં મજા આવતી જાય. એક બીજાના શરીર પ્રત્યેના આકર્ષણ ઓછું થતું જાય છે અને પ્રભુ પ્રત્યે આકર્ષણ વધતું જાય છે.
જે લોકો ઘડપણમાં ફક્ત રૂપિયાનું જ આયોજન કરે છે, તે લોકો હંમેશા દુઃખી હોય છે અને બીજા ને પણ દુ:ખી કરે છે. તેઓ ઘડપણમાં મંદિર કે બાગ બગીચામાં જવાનું આયોજન નથી કરતા પણ બેંકમાં પાસ બુક ભરવાનું આયોજન પહેલેથી કરી રાખે છે, તેમની જીંદગી બેન્ક અને ઘર વચ્ચે જ ખલાસ થઈ જાય છે.
ઘડપણમાં લેવા કરતા છોડવાની ભાવના, કટાક્ષ કરવા કરતા પ્રેમ ની ભાષાનો ઉપયોગ કરવો જરૂરી છે. સંતાન હોય કે સમાજ, પૂછે એટલાનો જ જવાબ આપતા થશો ત્યારે ઘડપણની શોભા વધી જશે.
તમારી નિખાલસતા, આનંદી સ્વભાવ અને જરૂર લાગે ત્યારે તટસ્થ અભિપ્રાય એ તમારા અનુભવની, તમારા ઘડપણની સાચી ઓળખ છે.