પાસવર્ડે જીવન બદલી નાખ્યું!
પાસવર્ડે જીવન બદલી નાખ્યું!
ગુજ્જુમિત્રો હાલમાં મને એક સરસ પ્રસંગ વાંચવા મળ્યો. આ પ્રસંગમાં એક ભાઈ વર્ણન કરે છે કે કેવી રીતે કમ્પ્યુટર ના પાસવર્ડથી તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. આજના જમાનામાં જ્યારે આપણાં મોબાઈલ ફોનથી લઈને બેંક અકાઉંટ સુધી દરેક વસ્તુ માટે આપણે પાસવર્ડ રાખતા હોય છે ત્યારે પાસવર્ડે જીવન બદલી નાખ્યું! – આ લેખ તમને પણ પ્રેરિત કરશે એવી આશા.
એક સરસ મજાની સવારે ઓફિસ પહોંચી મેં મારું કોમ્પ્યુટર ચાલુ કર્યું ત્યાં જ સામે મેસેજ આવ્યો “તમારો પાસવર્ડ એક્સપાયર થઈ ચૂક્યો છે.” ઓફિસમાં સુરક્ષા પોલીસીને ધ્યાનમાં લઈ અમારે દર મહિને પોતપોતાના કોમ્પ્યુટર નો પાસવર્ડ ચેન્જ કરવો પડે છે. મારા થોડા જ સમય પહેલા થયેલા છૂટાછેડા ને લીધે હું ઘણો વ્યથિત હતો. તેણે એટલેકે મારી પત્નીએ મારી સાથે જે કર્યું એ તે કઈ રીતે કરી જ શકે એવા વિચારો મને સતત સતાવતા હતા.
પાસવર્ડ બદલતી વખતે મારા બોસે મને આપેલી એક સલાહ યાદ આવી. તેમણે કહેલું,”હું એવો પાસવર્ડ રાખીશ જે મારું જીવન બદલી નાખે.”
મારી વર્તમાન મન:સ્થિતી એવી હતી કે હું કોઇપણ એક કામ પુરું કરવા તેના પર ધ્યાન કેન્દ્રીત કરી શકતો નહોતો. આ પાસવર્ડ વાળી પરિસ્થિતીએ મને વિચાર કરવા પ્રેર્યો કે મારે મારા છૂટાછેડાની ઘટનાને મારા પર હાવી થવા દેવી જોઇએ નહિ અને મારે પરિસ્થિતી બદલવા થોડા મજબૂત મનોબળ સાથે ચોક્કસ કંઈક કરવું જોઇએ.
મેં મારો પાસવર્ડ રાખ્યો ‘Forgive@her’ – અર્થાત તેને માફ કરી દે.
હવે દિવસમાં ઘણી વાર જ્યારે મારું કોમ્પ્યુટર લોક થઈ જાય ત્યારે તે અનલોક કરવા મારે મારો આ નવો પાસવર્ડ ટાઈપ કરવો પડતો. રોજ જમ્યા પછી કામ પર પાછો ફરું, બ્રેક બાદ કોમ્પ્યુટર પર કામ ફરી શરૂ કરું ત્યારે મારી પત્નીને હું માફ કરતો. આ એક સરળ પગલાએ મારો ભૂતપૂર્વ પત્ની તરફ જોવાનો દ્રષ્ટીકોણ બદલી નાખ્યો.
ક્ષમાભર્યા એ નાનકડા પાસવર્ડ સંદેશાએ મને જે ઘટનાઓ બની હતી તેનો સ્વીકાર કરતા શિખવ્યું અને મને હતાશાની એ ઊંડી ખીણમાંથી બહાર કાઢ્યો જેમાં હું સરકી ગયો હતો. એ પછીના મહિને જ્યારે પાસવર્ડ બદલવાનો વારો આવ્યો ત્યાં સુધી હું હળવોફૂલ થઈ ગયો હતો, મુક્ત થઈ ગયો હતો.
એ પછીના મહિના માટેનો મારો નવો પાસવર્ડ હતો.. ‘Quit@smoking4ever’- અર્થાત હંમેશાં માટે સિગરેટ પીવાનું છોડી દે.
આ વખતે મને ધૂમ્રપાન છોડી દેવાના લક્ષ્યને સિદ્ધ કરવાની પ્રેરણા મળી અને હું એ બદીમાંથી મારી જાતને મુક્ત કરી શક્યો.
એક મહિના પછી મારો પાસવર્ડ હતો…. ‘Save4trip@europe’ – અર્થાત યુરોપની યાત્રા માટે પૈસા બચાવ. અને ત્રણ મહિનામાં હું યુરોપની મુલાકાતે જઈ આવ્યો.
આ પાસવર્ડ ના નાનકડા બદલાવે મને મોટા મોટા લક્ષ્યાંકો હાંસલ કરવામાટે સતત પ્રેર્યો, ઉત્સાહીત કર્યો અને એમાં સફળતા અપાવી.
કેટલીક વાર તમારા ધ્યેયો સિદ્ધ કરવાનું કામ અઘરું બની જતું હોય છે પણ આ રીતે તેમને સતત યાદ રાખતા રહેવાથી અસરકારક પરીણામ મળે છે.
હવે પછીનો મારો પાસવર્ડ છે… ‘Lifeis#beautiful’ – અર્થાત જીવન સુંદર છે….
અને મને વિશ્વાસ છે મારું જીવન ટૂંક સમયમાં બદલાઈ જવાનું છે…