ગામડું કેવું હોય…
ગામડું કેવું હોય…
ભવ્ય ભૂતકાળમાં ડોકીયુ
(ગુંજતું અને ગાજતુ ગામડુ)
ઘમ્મર વલોણા નાદ જયાં પરભાત ગાયો ભાંભરે,
સારંગ ટહુકા ગાન કલરવ, ઘંટ, ઝાલર મંદિરે,
તુલસી ક્યારે દિપ પ્રગટે શ્વાન રોટી આપતા,
વખત ઈ વયો ગયો દિન ઉગે ગામડાં ગાજતાં.
ભતવારી લેતી ભાત માથે વાટ કંથા નિરખતા,
સક્કર સરખા રોટલાને મહી મટકા ઉભરતાં,
ખેડુ જાગે પોર ચોથો વ્હાલ વૃષભ વેરતા,
વખત ઈ વયો ગયો દિન ઉગે ગામડાં ગાજતાં.
ભેંસ ખાડુ ગામ ગૌધન પાર પાવા વાગતા,
દાણ દેતા દિલ દરિયા ગોવાળ મનડાં હરખતાં,
ઉત્સવ ઉજવે મોજ મેળા મનખ સૌએ માણતાં,
વખત ઈ વયો ગયો દિન ઉગે ગામડાં ગાજતાં.
નાગ પાંચમ, માત શીતળા કાન જનમ ઉજવતાં,
ઝીલણ ઠાકર ગરવો ગરબો આવે નવલાં નોરતાં,
ખળવાળ ખેડુ હાક હાલરું ધાન મબલખ પકવતા,
વખત ઈ વયો ગયો દિન ઉગે ગામડાં ગાજતાં.
ઘેઘુર વડલા,નદી ખળખળ સીમ સોને ઝળહળે,
કણ મુછાળા કોઠરેને અમી ઝરણાં ખળખળે,
હેત હેલી મનેખ ભોળુ ધોધ ઉરથી છલકતા,
વખત ઈ વયો ગયો દિન ઉગે ગામડાં ગાજતાં.
ભરત, ગૂંથણ હીર ઝુલા ધીડી ધીંગા ગૂંથતી,
સંધ્યા ટાણે ઠાકર મંદિર નિત ઝાલર ગુંજતી,
હેલ માથે કૂખ છોરું તોય મુખડાં મલકતાં,
વખત ઈ વયો ગયો દિન ઉગે ગામડાં ગાજતાં.
લાય લાગી હાય ધનની દાટ વાળ્યો મશીનીયે,
ગયા બળદો ગઈ ગવતરી માપ થઈ ગ્યા ભરતીયે,
“શંકર” સમય છે ચેતજે સાંભળ વખતની વારતા,
વખત ઈ વયો ગયો દિન ઉગે ગામડાં ગાજતાં.
– શંકરસિંહ સિંધવ (લોકસાહિત્યકાર)
Also read: મોઢામાં ચાંદા પડવા થી પરેશાન છો તો અજમાવો આ ૧૦ ઘરેલુ ઉપાય