આંતરડા ના રોગો ન થાય તેના માટે તમારે શું શું કરવું જોઈએ?

આંતરડા ના રોગો

આંતરડા ના રોગો ન થાય તેના માટે તમારે શું શું કરવું જોઈએ?

આંતરડાના આરોગ્ય માટે ખોરાક સરળતાથી પચે તેવો, રેસા-તરલ પદાર્થો યુક્ત હોવો જરૂરી છે.

આંતરડાની કામગીરીનું મહત્ત્વ

આંતરડાની કામગીરીનું મહત્ત્વ માત્ર શરીરનાં પોષણ અને શક્તિ પૂરતું જ મર્યાદિત નથી. તેવું અનેક શોધ-સંશોધનો, ક્લિનિકલ ટ્રાયલથી પૂરવાર થઈ રહ્યું છે. તેવા સમયે પ્રાચીન સમયથી આંતરડાને આપવામાં આવતા મહત્વ પાછળ રહેલા ગૂઢાર્થનો અંદાઝ આવે છે. ૨૫૦૦ વર્ષથી પણ પહેલા પ્રાચીન ગ્રીક ફિઝીશ્યન હિપોક્રિટસની ઉક્તિ ખૂબ પ્રચલિત થયેલી. હિપોક્રિટસનાં જણાવ્યાનુસાર ‘દરેક રોગની શરૂઆત આંતરડાથી જ થાય છે.

આંતરડા ના રોગો ન થાય તેના માટે વૈજ્ઞાનિક મત


આંતરડાની ક્રિયાશીલતાના અભાવમાં પાચનમાં થતી ગડબડ, મળનો સંગ્રહ શરીરમાં વિષ પેદા કરે છે જેની આડઅસરથી રોગ જન્મે છે તેવું માનવામાં આવતું. સમયાંતરે તે સમયના વૈજ્ઞાનિકો દ્વારા, ‘ધ એન્સિઅન્ટ થિયરી ઓફ ઓટોઈન્ટોક્સિફિકેશન’ નો વિરોધ પણ થયો. વધતા સંશાધનો અને શોધથી આંતરડાની કામગીરી અને પાચનના વિવિધ તબક્કા વિશે વધુ સૂક્ષ્મ અને સચોટ માહિતી મળી અને આંતરડામાંથી મળને પરાણે બ્હાર કાઢવા તથા રોગ પેદા કરતાં વિષદ્રવ્યોને કાઢવા લેવામાં આવતી પર્ગેટિવ્ઝ દવાઓ સામે વિરોધ અને તેની આડઅસર જાહેર થઇ. આમ આંતરડા માત્ર મળને જૂદો પાડી નિકાલ બહાર કરતી નળીઓ જ છે, તેવું ન હોવા વિશેની સભાનતાના પરિણામ સ્વરૂપ અનેક શોધ-સંશોધનો ચાલ્યા, હજુ પણ ચાલે છે. આંતરડામાં રહેલા માઈક્રોબ્સ અને તેની ઉપયોગીતા-કામગીરી સબંધિત લગભગ ૨૪૦૦ જેટલા ક્લિનિકલ ટ્રાયલ્સ માત્ર ૨૦૧૮માં થયા હતા !

આંતરડાના આરોગ્યની શરીરનાં સર્વાંગી આરોગ્ય પર થતી અસર

માત્ર પાચન, શોષણ અને પોષણ જ નહીં પરંતુ શરીરમાં ફેટનું સંતુલન, લોહીમાં ગ્લુકોઝનું સંતુલન, માનસિક ક્ષમતા જાળવતા સ્ત્રાવ, અંત:સ્ત્રાવ વગેરેનું સંતુલન પણ આંતરડામાં રહેલા માઈક્રોબ્સ દ્વારા નક્કી થતાં હોવાનું જણાવતા સંશોધનોએ વૈજ્ઞાનિકોને આંતરડાના આરોગ્યની શરીરનાં સર્વાંગી આરોગ્ય પર થતી અસર માટે જવાબદાર ગણવા વિચાર કરતાં કર્યા છે. આ મુજબની માહિતી વિશેની જાણકારી હાલમાં સાયન્ટિફિક રિડક્શનિસ્ટ એનાલિટિકલ મેથડ – વિશ્લેષણોથી મળી રહી છે. જયારે આયુર્વેદનાં આર્ષદ્રષ્ટાઓએ આહાર અને આરોગ્યને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. આયુર્વેદની આહારદ્રષ્ટિ ખૂબ જ સાદા ઉપદેશો આપે છે પરંતુ તે દરેકની પાચન સંસ્થાની કામગીરી તથા આહારથી પોષણ માત્ર નહીં, પરંતુ આરોગ્ય મળે તેવી અસર હોય છે.

આયુર્વેદમાં આહાર-પદ્ધતિ વિશે અપાયેલા સૂચનો

⏩ આયુર્વેદ આહારના પદાર્થો, તેનું પ્રમાણ-પ્રકાર, વ્યક્તિને પ્રકૃતિગત માફક આવે છે કે નહીં તે ઉપરાંત તેમાંથી બનતો ખોરાક તાજો તથા સુપાચ્ય-સહેલાઈથી પચે તેવો હોવા પર ભાર મૂકે છે. આયુર્વેદાનુસાર ખોરાક અગ્નિના સંપર્કમાં સીધો આવે ત્યારે ઘઉં, જવાર, મકાઈ વગેરેની ધાણી સ્વરૂપે રૂપાંતર પામે છે આવા અનાજ પચવામાં સહેલા છે. તેવી જ રીતે પિષ્ટાન્ન-ઘંટીમાં પીસીને લોટ બનાવી અને પકવવામાં આવતા ખોરાક જો અગ્નિથી સીધા સંપર્કમાં આવે તે રીતે રોટલી, ફુલકા, રોટલા વગેરે અગ્નિનાં ભાઠામાં બનાવવામાં આવે ત્યારે તે સહેલાઈથી પચે તેવા બને છે. ખૂબ જ ઝીણા દળવામાં આવે તેવા લોટ વધુ તેલ-ઘી ભેળવીને કે પછી તળીને બનાવાતા પુરી, કચોરી જેવા ખોરાક વધુ પાચનશક્તિ માંગી લે છે. આથી ખોરાકને સરળતાથી પચે તેવો રાંધવો તથા તાજો ખાવાનું સૂચન છે.

⏩ આહારના પદાર્થો, પ્રકાર, રાંધવાની પધ્ધતિ ઉપરાંત ખોરાક ખાતા સમયે ‘સમનસ્ક’ આહાર કરવા સૂચવાયું છે. ખોરાક ચાવીને, તેમાં લાળ યોગ્ય રીતે ભળે તે રીતે મન પરોવીને જમવાની પાચન પર સારી અસર થાય છે. ખોરાકના પ્રમાણનું પણ નિયમન થવાથી ઓવરઈટિંગ કે ઈમોશનલ ઈટિંગ થતું અટકે છે. સમનસ્ક જમવાથી ભોજનનો આનંદ આવે છે, તેની અસર બ્રેઈન પર તથા આંતરડા વગેરેમાં થતાં પાચકરસો, એન્ઝાઈમ્સ વગેરેનાં સ્ત્રાવ પર પણ થવાથી પાચન, શોષણ સરળતાથી થાય છે.

⏩ આયુર્વેદ કુક્ષી – પેટના ચાર ભાગની કલ્પના કરી અને બે ભાગમાં ખોરાક, એક ભાગમાં પાણી-તરલ વાનગી અને એક ભાગ પાચનક્રિયામાં થતા ‘ફેનોદભવ’ વગેરે માટે સરળતા રહે તે વીશે સંકેત કરે છે. આથી જ મન પરોવીને જમતી વ્યક્તિ જરૂરથી-ક્ષમતાથી વધુ નહીં જમે તો સ્વાભાવિક રીતે પાચન અને શોષણ યોગ્ય રીતે થશે.

ઘરેલુ ઉપચાર નીરોગી રહો
આંતરડા ના રોગો ન થાય તેના માટે ફળો ખાઓ

⏩ અનાજમાંથી બનતાં લોટ, દાળ-કઠોળ વગેરે સાથે લીલાં શાકભાજી, સલાડ, ઋતુ મુજબનાં ફળો, દૂધ, છાશ, ખજૂર-બદામ વગેરે ડ્રાય ફ્રુટ્સ જેવા ખાદ્યપદાર્થોની વિવિધતા ખોરાકમાં જળવાય તો પાચન માટે આવશ્યક સોલ્યુબલ તથા નોનસોલ્યુબલ ફાઈબર્સ, છાલ-છોતરાથી બનતાં રેસા, ચીકાશ, પાણી-તરલતા જળવાઈ રહે છે. આંતરડાના આરોગ્ય માટે ખોરાક સરળતાથી પચે તેવો, રેસા-તરલ પદાર્થો યુક્ત હોવો જરૂરી છે.

⏩ અગાઉ ખવાયેલા ખોરાકનું પચે તેવા સરળરૂપમાં રૂપાંતર થઈ પોષક અને મળરૂપે વિઘટન થવા માટે જરૂરી સમય કરતાં ઓછા સમયે વારંવાર ખાધા કરવાથી અપકવ ખોરાકના પાચન અને મળનાં નિકાલ માટે આંતરડાને યોગ્ય સમય-શક્તિ ન મળવાથી આંતરડાની પૂર:સરણગતિ, પોષકરસનું શોષણ, મળનો નિકાલ કરવાની કામગીરી યોગ્ય રીતે થતી નથી જેથી આંતરડાના મધ્યભાગમાં રહેલ પાચકપિત્ત, અંતિમ ભાગ સ્થિત અપાનવાયુ જેવા વાયુ અને પિત્ત તત્વો તેમનું કામ યોગ્ય રીતે કરી શકતા નથી. આથી કબજીયાત, ઝાડા, કોલાઈટીસ, આંત્રકંજન, મ્યૂક્સ સાથે ઝાડા, અશક્તિ, વજન વધવું-ઘટવું જેવી બિમારીના મૂળ રોપાય છે.

પલાળેલી મેથી ખાવાના ફાયદા

આંતરડાનાં આરોગ્ય માટે મદદરૂપ ઘરેલુ ઉપાય

⏩ મેથીના પાવડરને છાશમાં પલાળી ૪-૫ કલાક રાખી જમ્યા પછી પીવાથી મ્યુકોકોલાઈટીસ, અપચાથી થતાં ઝાડા મટે છે.

⏩ દાડમની છાલને ધોઈ ૪ ગણા પાણીમાં પલાળી, ઉકાળીને ઠંડુ થયે ચોળી-ગાળી લઈ તે પાણીમાં સાકર, શેકેલું જીરૂ-સંચળ ઉમેરી પીવાથી વાયુ સાથે થતાં ઝાડામાં રાહત થાય છે.

⏩ વારંવાર આંતરડામાં ઇન્ફેક્શન થઈ તાવ, ઝાડા માટે એન્ટીબાયોટિક્સ દવા લેવી પડતી હોય તેઓએ પાણી-ખોરાકની સ્વચ્છતાનું ધ્યાન રાખવું. તે સાથે ૧ કપ દહીંમાં ૨ ચમચી ઈસબગુલ ભેળવી એક વખત પી જવું. જરૂર જણાય તો બિલીના ફળને બાફી સાકર સાથે મુરબ્બો બનાવી એક ચમચી સવાર-સાંજ ખાવો.

વાતાવરણને શુદ્ધ અને પવિત્ર કરનારા કપૂર ના ફાયદા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *