એલ. ટી. શ્રોફ : બિઝનેસમેન થી મહાત્માનો સફર
એલ. ટી. શ્રોફ : બિઝનેસમેન થી મહાત્માનો સફર
મારા ઓફિસ બિલ્ડીંગની બહાર વરસાદને કારણે ભીના થયેલા પગથિયા ઉતરતા આ મહાત્માને મે રમૂજ કરતા કહ્યું: મહારાજ..! મારો હાથ ઝાલો, હેઠાં ઉતારું…લપસશો ને પગ ભાંગશે તો સેવા કરવા ચેલો શોઘવો પડશે.
એમણે મારો હાથ પકડીને પગથિયું ઉતરતા ઉતરતા ઢળતી આંખે મારી સામું જોઈ બોલ્યા: બેટા..! આખી જિંદગી મેં બધાના હાથ ઝાલ્યા છે અને અત્યારે મારે કોઈનો હાથ ઝાલવો પડે એવી સ્થિતિ છે. મને એમની વાતમાં થોડુ રહસ્ય દેખાયું એટલે મે વિનંતી કરતાં કહ્યુ: મહારાજ..! આજે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે, અનુકૂળતા હોય તો ઓફીસમાં પગલાં કરો, મને ખુશી થશે. એમણે સંમતિ દર્શાવી અને મારો હાથ ઝાલી ધીરે ધીરે ચાલતા ઓફીસમાં આવ્યા.
ભગવાનનું નામ લેતા લેતા ઓફીસમાં બેઠા, પાણી પીધું અને મેં ચા મંગાવી એમને પૂછ્યું: મહારાજ..! આપનો આશ્રમ કઈ જગ્યાએ છે..? એમણે જવાબ આપતા કહ્યુ: બેટા..! આશ્રમ તો મારે નથી, પરંતુ અહિંયા ગાંધીનગર નજીક વાસણીયા મહાદેવની જગ્યામાં શંકરસિંહ બાપુએ મને એક રૂમ આપ્યો છે અને ત્રણ ટાઈમ ત્યાં ચાલતા સદાવ્રતમાં જમી લઉં છું. અમદાવાદ શહેરમાં કંઈક દવાખાનાનું કામકાજ હોય તો શટલ જીપમાં આવીને પાછો જતો રહુ છું.
વળી મેં પૂછ્યું: મહારાજ..! મૂળ આપ ક્યાંના છો..? ગુજરાતી કે કોઈ હિંદીભાષી..? એમણે મને કહ્યુ: બેટા..! તે એલ. ટી. શ્રોફનુ નામ સાંભળ્યું છે..? મેં કહ્યું: હા…બાપજી…! એ તો બહુ જ મોટા બિલિયોનર માણસ અને સેવાભાવી પણ એવા…અને હુ જ્યારે ૧૯૯૪માં મેમનગર ગુરુકુલમાં ભણતો ત્યારે ગુરુકુલના ઘણા પ્રસંગોમાં અતિથી વિશેષ તરીકે આવેલા અને એ સમયે હુ સંસ્થામાં ફોટોગ્રાફી પણ કરતો એટલે અમારા સ્વામીજી સાથે એમની ઘણી તસવીરો મેં ખેંચેલી અને મોટી ફ્રેમો કરીને સ્વામીજીના હસ્તે ભેટ પણ અપાવેલી.
એ સમયે અમારા સ્વામીજીને એલ. ટી. શ્રોફ એમના કાંકરીયા કાંઠે આવેલા લક્ષ્મી વિલાસ પેલેસમાં પધરામણી કરવા લઈ ગયેલા ત્યારે હુ અને ગુરુકુલના એંકર ભાનુભાઈ પટેલ પણ સાથે હતા, એમના પેલેસમાં અમે બંને મિત્રો ચાંદીની ડીશમાં તો જમેલા એવી મોટી હસ્તી સાથેની સ્મૃતિઓ આજે પણ મને યાદ છે.
મહાત્મા ધીરાં એવા સુરમાં બોલ્યા: બેટા..! એ જ એલ.ટી. શ્રોફ હુ પોતે છું. આટલુ સાંભળી હુ તો ખુરશીમાંથી ઊભો થઈ ગયો, મારી તો આંખો ફાટી ગઈ. શુ વાત છે મહારાજ..! આપ પોતે જ એલ. ટી. શ્રોફ..? મને તો માનવામાં નથી આવતુ, હુ તો એમની સાથેના ઘણા પ્રસંગોનો સાક્ષી છું, અત્યારે આપશ્રી આ અવસ્થામાં કેમ..? બિઝનેસમેન થી મહાત્માનો સફર કળવો મારા માટે મુશ્કેલ હતો.
એમણે મને શાંત કરતાં કહ્યું: હા..બેટા..! પણ અત્યારે હુ એલ. ટી. શ્રોફ નથી, અત્યારે મારું નામ સ્વામી લલિતાનંદ છે. મને તો એમની આ વાત ગળે ઉતરતી જ નહોતી, આવુ કેમ બને..? પણ પછી એણે બધી માંડીને વાત કરી કે પોતે એલ. ટી. શ્રોફ માંથી સ્વામી લલિતાનંદ કેવી રીતે બન્યા..?
મારી જાણ મુજબ એ સમયે એનો બહુ જ મોટો ફાઇનાન્સનો વ્યવસાય, એમનું પુરુ નામ લક્ષ્મીનારાયણ તુલસીદાસ શ્રોફ, અમદાવાદના મોટા ભાગના બાંધકામ વ્યવસાયમાં એમનું ધિરાણ હોય જ, એવુ કહેવાય કે હજારો કરોડની પાર્ટી, સાથે સમાજ સેવામાં પણ એવુ જ યોગદાન. મીઠાખળી ખાતે એમનુ કોર્પોરેટ હાઉસ, બેંક જેવી જ સમાંતર વ્યવસ્થા સાથે બહુ જ મોટુ ફાઇનાન્સ કરે અને જાહોજલાલી પણ એવી, કાંકરીયા ખાતે મોટો લક્ષ્મી વિલાસ પેલેસ, ફેરારી જેવી અનેક લકઝરી ગાડીયુનો કાફલો, રંગબેરંગી ડીઝાઈનર સુટબુટમાં શોભતા એલ. ટી. શ્રોફ મેમનગર ગુરુકલમાં મારી સાથે ભણેલા સહાધ્યાયીઓને યાદ હશે.
આજે એ જ એલ. ટી. શ્રોફ મારા ઓફિસ બિલ્ડીંગમાં ચાલતી એક ટ્રસ્ટની આંખની હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર કરાવવા સ્વામી લલિતાનંદજીના રૂપમાં આવ્યા. મારી સાથે વાત કરતાં કરતાં એમણે કોઈ ચેનલને આપેલું ઈન્ટરવ્યુ મારા કોમ્પ્યુટરમાં સર્ચ કરી મને સંભળાવ્યું પણ ખરું. આવી જાહોજલાલીમાંથી આ બધુ કેમ પરિવર્તન આવ્યુ અને ક્યાંથી ક્યાં કેવી રીતે આવ્યા, તેમજ જીવનનુ મૂલ્ય, જિંદગીના ચઢાવ ઉતારમાં કેમ રહેવુ, ઈશ્વર શુ છે..? વગેરે જેવી ઘણી બધી વાતો કરીને મને કંઈક નવુ જ ગુરુ જ્ઞાન આપ્યુ.
જીવનમાં માતાપિતાથી લઈને જેની જેની પાસેથી કંઈપણ જ્ઞાન કે શીખ લીધી છે, એ બધા મારા ગુરુ છે જ.., પરંતુ આજે એક જુદા જ ગુરુનો ભેટો થયો અને જ્ઞાન ગોષ્ટી સાથે ઓફીસમાં નવા જ પ્રકારની ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ.
કલાક સત્સંગના અંતે સ્વામી લલિતાનંદજી વિદાય લેવા ઊભા થયા એટલે મે એમને સેવા રકમનું એક કવર અર્પણ કરતાં કહ્યું: મહારાજ..! ગુરુકુલ સંસ્થામાં એ સમયે આપના તરફથી ઘણી બધી આર્થિક સેવા આવેલી છે એટલે અત્યારે હુ ગુરુકુલના પ્રતિનિધી તરીકે આ સેવા રકમ સ્વીકારવા આપને વિનંતી કરુ છું.
તો એમણે એટલો જ જવાબ આપ્યો: બેટા..! આ હાથે બહુ જ અપાયું છે, હવે હુ ના લઈ શકું..! ઉપર ઈશ્વરને હાથ ઊંચો કરી એટલુ જ બોલ્યા: કીડીને કણ, હાથીને મણ આપનારો ઉપરવાળો ઈશ્વર છે. મારે કણથી પુરુ થાય એમ નથી અને મણ મારે જોઈતું નથી. બે ટંક બસ્સો ગ્રામ ભોજન જોઈએ છે; જે ઈશ્વર મને આપી રહે છે એટલે આ રકમ હુ નહી સ્વીકારી શકું, રાજી રહેજે….એમ કહી વિદાય લીધી…🙏
-ભાસ્કર તળાવિયા
(અહિંયા એમના એ ઈન્ટરવ્યુની લીંક મૂકી છે, સમય મળે અડધો કલાકનું એ ઈન્ટરવ્યુ જોજો, બહુ જ રસપ્રદ છે.
https://youtu.be/phUI5R6BVvc )