મારું મૌન, મારી મજબૂરી

એક સપનુ સાવ બોગસ નીકળ્યું

ગુજજુમિત્રો, હાલમાં મેં એક કાવ્ય વાંચ્યું જે મને બહુ માર્મિક અને હ્ર્દયસ્પર્શી લાગ્યું. એક સ્ત્રીનું મૌન તેની મરજી નથી. એક સ્ત્રી પાસે સ્વતંત્ર વિચારસરણી હોય છે, તેની લાગણીઓ, તેના સપનાઓ, તેના મંતવ્યો તેના પોતાના અનુભવોથી આવે છે. જ્યારે પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીના વિચારોને પણ વાચા મળશે, ત્યારે આ સમાજમાં સાચું બેલેન્સ, સાચું સંતુલન સર્જાશે. આવો વાંચીએ, મારું મૌન, મારી મજબૂરી.

નાની હતી
ખૂબ બોલતી
મા ટોકતી
ચૂપ રહે,
નાનાં છોકરાં બહુ ના બોલે!

કિશોરી બની
તોળીને બોલતી
છતાં મા કહેતી
ચૂપ રહે,
હવે તું નાની નથી!

યુવતી બની
મોં ખોલું
ત્યાં મા ઠપકારતી
ચૂપ રહે,
પારકા ઘરે જવાનું છે!

નોકરી કરવા ગઈ
સાચું બોલવા ગઈ
બોસ બોલ્યા
ચૂપ રહો,
માત્ર કામમાં ધ્યાન આપો!

પુત્રવધૂ બની
બોલવા જાઉં
તો સાસુ ટપારતી
ચૂપ રહે,
આ તારું પિયર નથી!

ગૃહિણી બની
પતિને કાંઈ કહેવા જાઉં
પતિ ગુસ્સે થતો
ચૂપ રહે,
તને શું ખબર પડે!

Woman

માતા બની
બાળકોને કાંઈ કહેવા જાઉં
તો તે કહેતા
ચૂપ રહે,
તને એ નહીં સમજાય!

જીવનની સાંજ પડી
બે બોલ બોલવા ગઈ
સૌ કહે
ચૂપ રહો,
બધામાં માથું ના મારો!

વૃદ્ધા બની
મોં ખોલવા ગઈ
સંતાનો કહે
ચૂપ રહે,
હવે શાંતિથી જીવ!

બસ……..
આ ચૂપકીદીમાં
અંતરના ઊંડાણમાં
ઘણુંય સંઘરાયું છે
એ સઘળું
શબ્દોમાં ઉજાગર કરવા જાઉં
ત્યાં સામે યમરાજા દેખાયા
તેમણે આદેશ આપ્યો
ચૂપ રહે,
તારો અંત આવી ગયો!!

મારું મૌન, મારી મજબૂરી
બની ગયું અને
હું ચૂપ થઈ ગઈ
હંમેશ માટે!!!!!!!!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *