અજાણતાં જ હાથથી સરી ગયાં સંબંધો
અજાણતાં જ હાથથી સરી ગયાં સંબંધો,
ચીમળાયેલા ફૂલ માફક ખરી ગયાં સંબંધો.
પ્રેમની મીઠાશ તો ક્યારની ય જતી રહી,
બસ નામ પૂરતાં માત્ર રહી ગયાં સંબંધો.
સ્હેજ એક તિરાડ પડી જ્યાં સંબંધોના સેતુમાં,
સમયના ધોધમાર વ્હેણમાં વહી ગયાં સંબંધો.
શું થયું, અચાનક કેમ જિંદગી મહેકી ઉઠી ?
વાતાવરણમાં ચોતરફ શું પ્રસરી ગયાં સંબંધો ?
આબાદ જેને રાખવા, બરબાદ હું થાતો રહ્યો,
એ આખરે મને બદનામ કરી ગયાં સંબંધો.
સ્નેહીનો સંગાથ છૂટતો ગયો ધીરે ધીરે,
એકલો હું થઈ ગયો, મને વિસરી ગયાં સંબંધો.
થયું થયું ને બે ઘડીનું આ મિલન ક્યાં થયું ?
શાંત જિંદગીમાં અજંપો ભરી ગયાં સંબંધો.
ચમન સાથે જે રીતે ફૂલોએ દગો કર્યો,
બસ એ જ રીતે મને છેતરી ગયાં સંબંધો.
અજાણતાં જ હાથથી સરી ગયાં સંબંધો,
ચીમળાયેલા ફૂલ માફક ખરી ગયાં સંબંધો.
કંદર્પ ગાંધી દ્વારા રચિત
Also Visit : કાવ્ય સરિતા