કાનમાં ક્હેવાય એવું છે !
કાનમાં ક્હેવાય એવું છે !
પ્રભુ, એકાદ નાનું કામ મારું થાય એવું છે ?
સરળ હપતા કરી દો તો, દરદ વેઠાય એવું છે.
તમે છો એટલે આશા હજી પડતી નથી મૂકી,
મને વિશ્વાસ છે પૂરો, હૃદય સંધાય એવું છે.
નથી નાખી દીધાં જેવું કલેવર હાલ તો મારું,
હજી તો થીગડાં પર થીગડું દેવાય એવું છે.
નથી મોહક રહ્યું પહેલા સમું એ વાત સાચી છે,
છતાં આ ખોળિયું થોડાં વરસ પ્હેરાય એવું છે.
કરી છે કરકસર મેં શ્વાસની, વાંધો નહીં આવે,
હજી બે-ત્રણ વરસ તો પ્રેમથી ખેંચાય એવું છે.
મુસીબત છે, કરે છે જીદ સાથે આવવાની સૌ,
અને આ સ્વપ્ન કેવળ એકલા જોવાય એવું છે.
નિયમ તો છે લખીને આપવાનો, હુંય જાણું છું.
ઘણું એવુંય છે જે કાનમાં ક્હેવાય એવું છે !
- કિશોર જિકાદરા
Also read : વાળ સફેદ થવાના વૈજ્ઞાનિક અને વ્યાવહારિક કારણો