હેપી ફ્રેન્ડશીપ ડે! – મિત્ર દિવસ ને હેપી કેવી રીતે બનાવવો?
ગુજજુમિત્રો, હેપી ફ્રેન્ડશીપ ડે! તમારા અને તમારા અંગત મિત્રો વચ્ચે વિશ્વાસ અને પ્રેમની મીઠાશ દિવસે ને દિવસે વધતી રહે એવી શુભેચ્છા.
ભારતમાં ફ્રેન્ડશીપ ડે નો ક્રેઝ
દરવર્ષે ઓગસ્ટ મહિના ના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે મનાવવામાં આવે છે. ભારતમાં પહેલા તો આવા બધા દિવસો ઉજવાતા નહોતા કારણકે આપણે ત્યાં વારે-તહેવારે ઉત્સવ જેવો જ માહોલ હોય છે. પણ છેલ્લા થોડા વર્ષોથી ભારતીયો પણ મધર્સ ડે, ફાધર્સ ડે, ફ્રેન્ડશીપ ડે, વેલેન્ટાઈન્સ ડે જેવા દિવસો મનાવવા લાગ્યા છે. ખેર, મારું માનવું છે કે વર્ષ નો કોઈ એક જ દિવસ મિત્ર કે માતા-પિતાનો નથી, આ લોકો તો આપણાં રોજબરોજ ના સાથી છે. તેમ છતાં આ રીતે પણ લોકો એકબીજા ને પોતાનો પ્રેમ અને આભાર વ્યક્ત કરે તો આવા દિવસો મનાવવામાં ખોટું તો કઈ નથી.
ફ્રેન્ડશીપ ડે ને કેવી રીતે ઉજવવા માં આવે છે?
તો, આજે હું મિત્ર દિવસ વિષે વાત કરવા માગું છું. આજકાલ ટ્રેન્ડ પ્રમાણે મિત્રો આજ ના દિવસે એકબીજા ના હાથ પર રંગબેરંગી ફ્રેન્ડશિપ બેલ્ટ અને વીંટીઓ પહેરાવે છે. કેક, ચોકલેટ અને કાર્ડ આપીને શુભેચ્છા પાઠવે છે. આનો સૌથી વધારે ક્રેઝ તો સ્કૂલ અને કોલેજ ના બાળકો માં હોય છે પણ આજકાલ વડીલો પણ પીછેહઠ નથી કરતાં. આજના દિવસે વૉટ્સઅપ્પ સ્ટેટસ પર, ફેસબૂક અને ટ્વીટર પર પણ લોકો પોતાના મિત્રો સાથે સુંદર ફોટા મૂકીને પોતાના દોસ્તને ખાસ મહસૂસ કરાવે છે.
મિત્રતા નું આપણાં જીવનમાં મહત્ત્વ
જરા વિચારીએ કે ફ્રેન્ડશિપ એટલે કે મિત્રતા નું આપણાં જીવનમાં શું મહત્ત્વ છે? હું કહીશ કે ખૂબ જ મહત્ત્વનો છે આ સંબંધ. માત્ર સ્કૂલ કોલેજમાં જ નહીં, પણ ખાસ કરીને જીવન ના પરિપક્વ અને ગંભીર પડાવ પર પણ. લગ્ન પછી ના જીવનમાં આવતી મુસીબતો, બાળકો સાથે નો સંઘર્ષ, નોકરી ધંધા ની પરેશાનીઓ — એક માણસ ના જીવનમાં એવી ઘણી બધી વસ્તુઓ થાય છે જેને એક હમઉમ્ર દોસ્ત એટલે કે એવો મિત્ર જેની ઉમર લગભગ તમારા જેટલી જ છે, તે તમારા દૃષ્ટિકોણ ને સારી રીતે સમજે છે અને સ્પષ્ટ સલાહ આપી શકે છે. શું તમને પણ નથી લાગતું?
એક મિત્ર બનાવો પણ તેને જીવનભર સાચવો
એક મિત્ર સાથે ની નિખાલસ વાતો, મજાક-મશ્કરી અને નિ :સ્વાર્થ પ્રેમ તમારા સુખ ને વધારે છે અને દુઃખ ને ઓછું કરે છે. હું તમને એક સલાહ આપીશ કે જીવનમાં પચ્ચીસ મિત્રો બનાવવા જરૂરી નથી. એક મિત્ર પણ અગિયાર બરાબર છે, પરંતુ મિત્ર ને બહુ સાવધાની થી પસંદ કરજો. અને જો એકવાર તમને આવો મિત્ર મળી જાય, તો તેને હંમેશા હૃદય ની પાસે રાખજો. હંમેશા તેના સુખદુઃખ માં સાથ આપજો. યાદ રાખજો, સાચા મિત્ર ની મિત્રતા અમૂલ્ય હોય છે.
દરેક સંબંધ નો પાયો છે મિત્રતા
મિત્રતા એક એવો અહેસાસ છે કે તે દરેક સંબંધ નો પાયો છે. કહેવાય છે કે જ્યારે બાળક મોટા થઈ જાય તો મા-બાપે તેમને પોતાના મિત્ર બનાવી લેવા જોઈએ. તેથી તમારા સાસુ સસરા હોય, કે પતિ/પત્ની, માતાપિતા હોય કે ભાઈ બહેન, એ દરેક સાથે સંબંધની મર્યાદા સાચવી ને મિત્રતા જાળવી રાખો. સંબંધ માં મિત્રતા હોવાનો અર્થ છે કે એકબીજા સાથે પ્રામાણિક રહેવું, એકબીજા ને પ્રેમથી સાંભળવું અને સમજવું.
સ્વયં ના મિત્ર બનો
સૌથી છેલ્લી અને મહત્ત્વ ની વાત. તમે ખુદ તમારા સારા મિત્ર બનો. હા, તમે બરાબર વાંચ્યું. આખી દુનિયા એક તરફ અને તમારી પોતાના આત્મા સાથે મિત્રતા એક તરફ. સ્વયં થી પ્રામાણિક રહો. અઠવાડિયા માં એકવાર એકાંતમાં સમય વિતાવો અને મન ના દર્પણ માં તમારી સારી અને ખરાબ આદતો ને જુઓ. પોતાની ભૂલોને સમજો અને સુધરવા ની રીતો શોધો. આ મિત્રતા તમને બહુ આગળ સુધી લઈ જશે અને જીવન ને સુખમય બનાવશે.
ફરી એકવાર, હેપી ફ્રેન્ડશીપ ડે! ગુજજુમિત્રો ના દરેક મિત્ર ને અને પાઠક ને મારા તરફથી મિત્ર દિવસ ની હાર્દિક શુભકામના. હું આશા કરું છું કે આપણી આ મિત્રતા જીવનભર જળવાઈ રહે!
Also read: એક ગઝલ, મિત્રતાને નામ