કાશીબા નો ભૂલાય નહીં એવો પ્રકોપ : ગુજરાતી ટૂંકી વાર્તા

door

કાશીબા નો ભૂલાય નહીં એવો પ્રકોપ : ગુજરાતી ટૂંકી વાર્તા

ગુજજુમિત્રો, હાલમાં મને કોઇકે ગુજરાતી માં એક દિલચસ્પ ટૂંકી વાર્તા મોકલાવી હતી. મને આશા છે કે તમને આ વાર્તા વાંચવી ગમશે.

અવાજ થયો કે તરત બારી ખૂલી. ગુસ્સાથી લાલચોળ કાશીબા લાકડી લઈને બહાર આવ્યાં. ‘આજ તો હાડકાં ભાંગી જ નાખીશ, નખ્ખોદિયા! તારો બાપ કંઈ દાટી ગયો છે કે ખોદવા આવ્યો છે!’ એમ કહીને એ એવા ઝનૂનથી ધસી આવ્યાં કે બકુલ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો!.

ત્યારનો પોતાનો ગભરાટ યાદ કરીને બકુલ મનોમન હસી પડ્યો. કાશીબા જીવતાં હશે તો એમને પગે લાગવા જઈશ એ નિર્ધાર સાથે એ પાછો ભૂતકાળમાં ખોવાઈ ગયો..

કાશીબાના પતિનું નામ હીરાલાલ. આળસુનો પીર,સૂકલકડી શરીર અને જુગારનો શોખીન હીરો કાશીબાથી દબાઈને રહેતો હતો. પસાર થતા મલક આખાના બાવાઓ ગામને પાદર રામજી મંદિરમાં બે-ત્રણ દિવસનો પડાવ નાખે. એ વખતે હીરાલાલ ચોવીસેય કલાક ત્યાં એમની સાથે પડ્યો રહે. એમાં એ ગાંજાનો બંધાણી થઈ ગયો હતો. એના આવા ધંધાને લીધે કાયમ પતિ-પત્ની વચ્ચે યુદ્ધ ચાલ્યા કરે.

Anger bomb

એમાંય હીરો જુગાર રમવા માટે ઘરમાંથી કોઈ વસ્તુ ચોરીને ભાગ્યો હોય અને હારીને પાછો આવે ત્યારે કાશીબા આખું ફળિયું ભેગું કરીને એને ખખડાવે, પણ હીરો નફ્ફટ બની ચૂક્યો હતો. ડેલીના બારણા પાસે બે હાથ વચ્ચે માથું પકડીને એ ચૂપચાપ ભોંય પર બેસી રહે. ધમકાવીને થાકી ગયા પછી કાશીબા ધ્રૂસકે ધ્રૂસકે રડે એ વખતે હીરો હળવેથી ઘરમાં ઘૂસે. પંદર-વીસ દિવસ શાંત રહ્યા પછી ફરીથી ઈતિહાસનું પુનરાવર્તન થાય અને ફળિયું ભેગું થાય!.

છેલ્લા ઝઘડામાં કાશીબાનું રૌદ્ર રૂપ તો આજેય યાદ હતું. શ્રાવણ મહિનામાં બાજુના ગામમાં જુગારનો અડ્ડો ચોવીસેય કલાક ધમધમે. કાશીબાના વધેલા તમામ દાગીના લઈને ભાગેલો હીરો આઠ દિવસ પછી બધુંય હારીને પાછો આવ્યો. અસ્તવ્યસ્ત વાળ અને વધેલી દાઢી. રાતના નવ વાગ્યે વરસાદ ચાલુ હતો. લાજશરમ મૂકીને કાશીબાએ ફળિયા વચ્ચે એને ઝૂડવાનું શરૂ કરેલું.

મારતાં જાય અને રડતાં જાય. વચ્ચે વચ્ચે ધ્રૂજતા અવાજે ઉભરો ઠાલવે. “તારાથી ગળે આવી ગઈ છું.મૂવા! મને મારી નાખ કાં તું જતો રહે બાવાઓની જમાતમાં! મૂવા જુગારિયા! ગંજેરી! નીકળી જા ઘરની બહાર, થઈ જા બાવો! તારેય શાંતિ ને મારેય લોહીઉકાળા નહીં! આખી જિંદગીમાં છાંટોય સુખ નથી આપ્યું. લોહી પીવામાં બાકી નથી રાખ્યું. મને દુભાવી છે એનો દીનાનાથ બદલો વાળશે, રુંવાડે રુંવાડે કીડા ખદબદશે! ”.

નિરોગી રહેવા માટેના ઉપાયો

ભૂલ પોતાની હતી એટલે નીંભર પશુની જેમ હીરો ચૂપચાપ માર ખાતો રહ્યો. પડોશી સ્ત્રીઓએ મહાપ્રયત્ને કાશીબાને શાંત પાડ્યાં. એ પતિ-પત્ની ઘરમાં ગયાં. ટોળું વિખેરાયું. એ પછી આખી રાત ધોધમાર વરસાદ વરસેલો..

બીજા દિવસે બારેક વાગ્યે કાશીબા ઘરમાંથી બહાર આવ્યાં. રડી રડીને આંખો સૂઝી ગઈ હતી. પડોશણો તરત ભેગી થઈ ગઈ..

“પરોઢિયે એ અભાગિયો ક્યાંક ભાગી ગયો!” એમણે રડીને કહ્યું એટલે બે પડોશીઓ રામજી મંદિરે તપાસ કરી આવ્યા. .

“પાંચ-છ બાવાનું ટોળું ત્રણ દિવસથી ધામા નાખીને પડ્યું હતું, સવારે ઉચાળા ભરીને જતા રહ્યા છે.” માહિતી આપીને એણે ઉમેર્યું. “હીરાલાલ બાવો બનીને એમની જોડે રવાના થઈ ગયો હશે!” .

“એ માણસ ત્યાંય સખણો નહીં રહે. એનાં લખ્ખણ હું જાણુંને? બાવાઓને બેવકૂફ બનાવીને એ ધૂતારો ત્યાંય ધાપ મારીને મારું લોહી પીવા પાછો આવશે.”.

પણ કાશીબાની એ ધારણા ખોટી પડી. સમય વહેતો રહ્યો પણ હીરાલાલ પાછો ના આવ્યો.મંદિરે બાવાઓનું નવું ટોળું આવ્યું છે એવી ખબર પડે કે તરત પાડોશણો હીરાબાને લઈને રામજીમંદિર પહોંચી જતી.બધા બાવાઓના થોબડાનું નિરીક્ષણ કરીને નિરાશ થઈને ટોળું પાછું આવતું..

મિત્ર ની વ્યાખ્યા

કંડક્ટરે બૂમ પાડી કે વરખડી આવી ગયું એટલે બકુલ વર્તમાનમાં આવ્યો. બસમાંથી નીચે ઊતર્યો. આખું ગામ જાણે બદલાઈ ગયેલું લાગતું હતું. ચારે બાજુ નજર ફેરવતો એ આગળ વધ્યો. ભૂપેન્દ્ર અને ભાવેશના ઘરમાં ખાસ કોઈ ફેરફાર નહોતો થયો. કાશીબાની જૂની ડેલી આખી અદૃશ્ય થઈ ગઈ હતી. ઉજ્જડ માટીમાં જંગલની જેમ આડેધડ ઝાંખરા ઊગેલાં હતાં..

અગાઉથી જાણ નહોતી કરી એટલે ભૂપેન્દ્રને આશ્ચર્ય થયું. વર્ષો જૂનો મિત્ર પોતાની પીડામાં સહભાગી થવા આવ્યો એને લીધે એ ગળગળો થઈ ગયો. ભાવેશ સાથેનાં તોફાનો યાદ કરીને એકમેકને ભેટીને બંને મિત્રો મન ભરીને રડ્યા..

વાતાવરણ થોડુંક હળવું થયું પછી સાથે જમ્યા. ભૂપેન્દ્રને પાનની ટેવ હતી એટલે જમ્યા પછી બંને બહાર નીકળ્યા. સામેના ઝાંખરાઓ બતાવીને બકુલે નિરાશા સાથે પૂછ્યું. “કાશીબા ક્યારે ગયાં? તને યાદ છે ને? છેલ્લે છેલ્લે કોડીઓ સંતાડવા હું એમની ડેલીમાં પાછળ ખોદતો હતો ત્યારે એ સાક્ષાત કાળકામાતા બનીને મારવા દોડ્યાં હતાં! આટલો ગુસ્સો કેમ હતો એ તો હજુય સમજાયું નથી, એ છતાં જીવતાં હોત તો હાથ જોડીને માફી માગવાની હતી એમની. ક્યારે ગુજરી ગયાં?” .

ભૂપેન્દ્ર એની સામે તાકી રહ્યો. “એક વર્ષ પહેલા ઊંઘમાં જ એટેક આવી ગયો. એ પહેલાં શામજીકાકાને કહી દીધેલું કે હું મરું પછી ડેલી તમારી. પંચ નક્કી કરે એ પૈસા રામજીમંદિરમાં આપી દેજો. શામજીકાકાએ વચન પાળીને રામજીમંદિરમાં દાન આપી દીધું. ડેલી તોડીને દીકરા માટે હવેલી જેવું મકાન બનાવવાના હતા.” .

“તો પછી હવેલી કેમ ના બની?” .

“તું કોડીઓ દાટવા ગયો ત્યારે કાશીબાનું ઝનૂન તેં જોયેલુંને? બસ, એ જ કારણ.”.

આશ્ચર્યથી તાકી રહેલા બકુલને એણે સમજાવ્યું.

નોંધ: ગુજજુમિત્રો, મને ખબર નથી કે આ ગુજરાતી ટૂંકી વાર્તા કોણે લખી છે પણ મને લાગે છે કે એ વ્યક્તિ આજે કોઈ બહુ મોટો લેખક હશે. તેની લેખનકળાને સલામ. આ વાર્તા ના અંત વિષે તમે શું સમજ્યા એ વિષે comments section માં ચોક્કસ લખજો.

Also read : જૈન ધર્મ માં તિથિ પર લીલોતરી ન ખાવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *