મિત્ર એટલે કોણ?

મિત્ર

મિત્ર એટલે મળવા જેવો માણસ,
મિત્ર એટલે હળવા જેવો માણસ,
મિત્ર એટલે ભળવા જેવો માણસ,
મિત્ર એટલે કળવા જેવો માણસ,
મિત્ર એટલે રળવા જેવો માણસ,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!

મિત્ર એટલે પ્રથમ પહેલો શ્વાસ,
મિત્ર એટલે હોવાનો અહેસાસ,
મિત્ર એટલે ઝળહળતો અજવાસ,
મિત્ર એટલે છેવટ સુધીનો સહવાસ,
મિત્ર એટલે મળવા જેવો માણસ !

મિત્ર એટલે ઊઘડતું આકાશ,
મિત્ર એટલે સૂરજનો પરકાશ,
મિત્ર એટલે આંખોની ભીનાશ,
મિત્ર એટલે હૈયાની હળવાશ,
મિત્ર એટલે હળવા જેવો માણસ…!

મિત્ર એટલે મૂળપણાને શોધે
મિત્ર એટલે પોતાને સંશોધે,
મિત્ર એટલે અંતરને ઉદ્બોધે,
મિત્ર એટલે વહે વિના અવરોધે,
મિત્ર એટલે ભળવા જેવો માણસ…!

મિત્ર

મિત્ર એટલે શાણપણે જે ઠરિયો,
મિત્ર એટલે વ્હાલપનો સમદરિયો
મિત્ર એટલે દરિયો જેને વરિયો
મિત્ર એટલે સમદર જેણે હરિયો
મિત્ર એટલે કળવા જેવો માણસ…!

મિત્ર એટલે નીલી નીલી ઝાંય,
મિત્ર એટલે શીળી શીતળ છાંય,
મિત્ર એટલે પકડી લે જે બાંહ્ય,
મિત્ર એટલે ઊભો રહે જે વાંહ્ય,
મિત્ર એટલે રળવા જેવો માણસ…!

મિત્ર એટલે વરસે અનરાધાર
મિત્ર એટલે અણદીઠો આધાર
મિત્ર એટલે સહેજ કરે ના વાર,
મિત્ર એટલે અજવાળું ઝોકાર,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *