અધૂરું સપનું ફળી જાય તો મજા આવી જાય
કોઈ અધૂરું સપનું ફળી જાય,
તો મજા આવી જાય,
કોઈ રૂઠેલું જો પાછું વળી જાય,
તો મોજ આવી જાય.
આપડે ક્યાં જોઈએ છે
છાંયડો આખા ઝાડનો ભલા,
એક ડાળ આ બાજુ વળી જાય,
તો મોજ આવી જાય.
મનમાં થતી હોય મુંજવણ કે ,
એમને ગમશે કે નહિ,
એ જ દિલની વાત કળી જાય,
તો મોજ આવી જાય.
અજાણ્યા મેળામાં એકલા
અથડાતા હોઈએ આમતેમ ,
કોઈ મનગમતું સામે મળી જાય,
તો મોજ આવી જાય .
સંઘર્યા જ છે કાયમ,
કદી સોદા નથી કર્યા સરે બાજાર,
મુશાયરાના માર્કેટમાં શેર ઉછળી જાય,
તો મોજ આવી જાય.
મૃત્યુને તો માણવું છે મન ભરી,
મન મૂકીને મોજથી,
પણ ! ‘એની’ ગોદમાં આંખ ઢળી જાય,
તો મોજ આવી જાય.
“મિત્ર”આપણે નથી,
કંઈ સાધુ સંત કે અવતારી ઓલિયા,
આ ભવસાગરના ફેરા ટળી જાય,
તો મજા આવી જાય.
Also read : ચા, દાળ અને પત્ની – એક હાસ્ય રચના