વાળ ખરતા અટકાવવા માટે સસ્તો પણ અકસીર ઘરેલુ ઉપચાર

ખરતા વાળ અટકાવવા ઘરેલુ ઉપચાર

વાળ ખરતા અટકાવવા માટે સસ્તો પણ અકસીર ઘરેલુ ઉપચાર

ગુજજુમિત્રો, આજકાલ આપણી જીવનશૈલી અને ખોરાક એવો થઈ ગયો છે કે શરીર ને પૂરતા પ્રમાણ માં પોષણ મળતું નથી અને તેની પહેલી અસર થાય છે આપણા વાળ પર. ભલે તે સ્ત્રી હોય કે પુરુષ, કહેવાય છે કે વાળ માણસની સુંદરતા નું પ્રતીક છે. એટલે તેની માવજાત કરવી બહુ જ જરૂરી છે. આજે હું તમને એક વાળ ખરતા અટકાવવા માટે એક અકસીર અને સસ્તો ઘરેલુ ઉપચાર જણાવવા માગું છું. આ પ્રયોગ અજમાવેલો છે અને તેના બાજુ જ સારા પરિણામ મળ્યા પછી જ અહીં શેર કરી રહી છું. મને આશા છે કે તમને આ ઉપાય મદદરૂપ થશે.

ખરતા વાળ અટકાવવા અતિશય જરૂરી કેમ છે?

વાળ નો એક સ્વાભાવિક જીવનકાળ હોય છે. વાળ ઊગે છે ત્યારે તે પાતળો હોય છે. પણ જેમ જેમ તે આપણાં માથા પર ઊગે છે, તેમ તેમ તેને પોષણ મળતું જાય છે. આપણા ભોજન ના સત્ત્વો અને તેલ થી મળતા પોષણ ને કારણે તે ધીરે ધીરે જાડો થતો જાય છે. અને આવી જ રીતે વાળ નો ગ્રોથ દેખાય છે અને લાગે છે વાળ ઘટાદાર અને જાડા છે. અમુક સમયે તેનું ખરવાનું નિશ્ચિત હોય છે. જૂના વાળ ખરશે અને તેની જગ્યાએ નવા વાળ ઊગશે. તેમાં ચિંતા કરવાની જરૂર નથી.

padma

ક્યારે ચિંતા કરવી જોઈએ?

પણ તકલીફ ત્યારે ઊભી થાય છે જ્યારે રોજ જ મોટા પ્રમાણ માં વાળ ઉતારવા લાગે. તમારા ઓશીકા પર વાળ હોય, માથું ઓળતી વખતે કાંસકો વાળ થી ભરાઈ જાય અને વાળ ધોવો ત્યારે આખા ઘરમાં વાળ વાળ પડેલા દેખાય. આવી રીતે ખરતા વાળ તાત્કાલિક અટકાવવા ખૂબ જ જરૂરી છે. કારણકે નવો વાળ પાતળો હોય છે અને તે જાડો થાય તેની પહેલા જ જો ખરી જાય તો વાળ ધીરે ધીરે પાતળા થતાં હોય એવું લાગે છે અને હળવી તાલ જેવી અસર દેખાય છે. તો સૌથી મોટી સમસ્યા છે કે ખરતા વાળ ને તાત્કાલિક કેવી રીતે અટકાવવા.

કેમીકલ પ્રોડક્ટ કરતાં નૈસર્ગિક ઘરેલુ ઉપચાર સારો

માર્કેટ માં ઘણી બધી પ્રોડક્ટ ઉપલબ્ધ છે પણ તેમાં ઘણા કેમીકલ હોય છે જે લાંબા ગાળે વાળ ને નુકસાન કરે છે. આવા રસાયણો થી વાળ જલ્દીથી સફેદ થાય છે. તેથી હું તમને આવી મોંઘી પ્રોડક્ટ નો અખતરો કરતાં પહેલા બહુ સાવધાની રાખવાની સલાહ આપીશ. કારણકે આપણા વાળ કુદરત ની દેન છે અને તેને પોષણ કુદરતી તત્ત્વો થી જ મળશે. એટલે જ હું એવો ઘરગથ્થું ઉપચાર બતાવી રહી છું જેની કોઈ આડઅસર નથી.

ઘરે જ બનાવો મધ નો હેર પેક

ગુજજુમિત્રો, આ ઘરેલુ ઉપચાર માટે તમારે કોઈ મોંઘી વસ્તુઓની જરૂર નથી. બસ બે વસ્તુઓ થી જ ઘરે એક હેર પેક બનાવો. એક ચમચી કોપરેલ નું તેલ એટલે કે નાળિયેર નું તેલ લો અને તેમાં એક ચમચી શુદ્ધ મધ ઉમેરો. બંને ને સારી રીતે મિક્સ કરી લો. જો નાળિયેર નું તેલ થીજી ગયું હોય તો વાપરતા પહેલા તેને પ્રવાહી કરી લેવું. તેલ અને મધ ના આ પેક ને માથા માં પાંથીએ પાંથીએ આંગળીથી લગાવી દો . પછી આંગળી ના ટેરવાં થી હળવી સ્કાલ્પ પર એટલે કે માથા ની ત્વચા પર માલિશ કરો. ૫ મિનિટ સુધી માલિશ કર્યા પછી કાંસકો ફેરવ્યા વિના જ વાળ ને બાંધી દો . ૧ થી ૨ કલાક પછી વાળ ને સારી રીતે કોઈપણ શેમ્પૂ થી સાફ ધોઈ લો.

નાળિયેરનું તેલ

મધ અને નાળિયેર ના તેલ ના ફાયદા

મધ અને નાળિયેર નું તેલ વાળ ઊગે તે છિદ્રો માટે બહુ જ લાભદાયી છે. સૌથી પહેલા તો તે તમારા માથા ને ઊંડાણ થી મોસચુરાઈઝ અને હાઈડ્રેટ કરે છે એટલે કે તેને ખૂબ જ સારી રીતે પોષણ આપે છે. આ એવું જ છે જાણે તમારા પગ ની સૂકી ત્વચા પર તેલ ની માલિશ કરવાથી ત્યાંની સ્કીન કૂણી અને જીવંત થઈ જાય છે. આ ઉપરાંત, માલિશ ને કારણે મધ અને તેલ તમારા વાળ ના છિદ્રો ને ખોલી દે છે, તેની અશુદ્ધિઓ ને દૂર કરી ને તેને નવી ઊર્જાથી ભરી દે છે એટલે ત્યાંથી વધારે સારી ગુણવત્તા ના વાળ ઊગવાની શરૂઆત થાય છે. વળી, આ છિદ્રો મજબૂતીથી વાળ ને પકડી રાખે છે જેને કારણે વાળ ખરતા અટકે છે. વાંચો : નાળિયેરનું તેલ : એક સ્વાદિષ્ટ અને અદભૂત ઔષધ

કેટલીવાર આ ઘરેલુ ઉપચાર કરવો જોઈએ?

આ ઘરેલુ ઉપચાર ને શરૂઆત માં દર અઠવાડિયે કરી જુઓ. મને વિશ્વાસ છે કે તમને લાભ થવા લાગશે. પછી તેને પંદર દિવસે એકવાર કરી શકો છો. અને હા, સ્ત્રીઓ, પુરુષો અને નાના બાળકો પર પણ આ ઉપચાર અસરકારક છે અને તેની કોઈ આડઅસર આજ સુધી નોંધાઈ નથી.

ગુજજુમિત્રો, જો તમને આ ઘરેલુ ઉપચાર ગમે તો આ પોસ્ટ ની લીંક તમારા પરિવારમાં અને મિત્રોમાં ચોક્કસથી મોકલજો. Also read : વર્ષો ના અનુભવનો સાર : ૩૮ ઘરગથ્થુ અને દેશી ઉપચાર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *