નાજુક સંબંધની તાકાત

old man

બા-બાપુજી દવાખાને બતાવીને લાકડીને ટેકે રીક્ષામાંથી ઉતરી ઘેર મોડે મોડે દોઢ વાગે પહોંચ્યા. ત્યાં તો દરવાજો બંધ. તાળું મારેલુ.

બાપુજી ધ્રુજતા હાથે ખિસ્સામાથી મોબાઇલ કાઢે ત્યાં જ પાડોશીએ કહ્યુ, ”તમારી વહુ ચાવી આપી ગઇ છે અને તેણે તાળું ખોલી આપ્યું.”

Old Couple Gujarati

દંપતી અંદર પહોંચે ત્યાં જ વહુ પહોંચી ગઇ. ઝડપ થી એક ગ્લાસમાં બાપુજી માટે માટલાનું અને એક ગ્લાસમાં હાંડાનું પાણી બા માટે લઇ આવી.

લાલાની પેરેન્ટ્સ મીટીંગમાંથી આવતા પંચર પડયું ને મોડું થયુ એવો અફસોસ કરતાં રસોડામાં જઇ ફટાફટ દાળ ગરમ મુકી. બા માટે ખમણેલી હળદર, બાપુજી માટે કટકા. બાપુજીની દાળ ગરણીથી ગાળી નાખી.

થાકેલ બા ને ડાયનીંગ ટેબલને બદલે સોફા પર જ જમવાનું દેવાના હેતુથી થાળી વાટકો ગ્લાસ ટીપોઇ પર ગોઠવતી હતી ત્યાં તો બાએ વહુનો હાથ પકડી લીધો.

વહુ કહે; “બા કેમ? સારુ તો છે ને?” કહી વહુ બા નાં પગ પાસે બેસી ગઇ.

બા એ દવાની કોથળી ખોલી એમાંથી દવાખાને જતી વખતે વહુએ છાનુંમાનું મુકી દીધેલ બિસ્કીટનું પેકેટ ખોલી બે બિસ્કીટ વહુના મોઢામાં મુકી દીધાં.

“બા તમે દવાખાને ખાધા નહીં?” વહુએ પુછયું.

બા કહે, ”તને મૂકીને હું ઘરડી ડોશી ખાઇ લઉ? ઘડીક શ્વાસ લે.”

વહુ બા નાં ખોળામા માથું રાખી દીધું ને આખો થાક ઉતરી ગ્યો.

અચાનક વહુ કહે “બા મારે એકાદશી હતી.”

બા કહે, “તું અમને જે રીતે સાચવે છે ને તને તો રોજ ભાગવત સપ્તાહનું પુણ્ય મળે છે.” કહેતાં કહેતાં બે બિસ્કીટ પાછા મોઢામાં મુકી દીધાં.

ત્યાં સામેની ખુરશીમાં બેઠેલ બાપુજીએ બિસ્કીટ માટે મોઢું ફાડી રાખેલ જે જોઇ સાસુ વહુ ખડખડાટ હસી પડ્યા.

આ બધાં પ્રસંગ વચ્ચે ઘરનો દરવાજો ખુલ્લો રહીં ગયો એ ખબર ન રહીં. ધ્યાન ગયું ત્યારે દાદાની હયાતી ચેક કરવા આવેલ દોઢ લાખ પગારવાળા બેન્ક મેનેજર આ દૃશ્ય જોઇ રડી રહ્યાં હતાં. ખબર નહીં કેમ?!!!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *