હનુમાન ચાલીસાના પાઠની રચના કેવી રીતે થઈ?
હનુમાન ચાલીસાના પાઠની રચના કેવી રીતે થઈ?
પવનપુત્ર હનુમાનની આરાધના સહુ કોઇ હનુમાન ચાલીસા ગાઈને કરે છે. પરંતુ એ કેમ રચાણી એની ભાગ્યે જ કોઇને ખબર હશે. આ એક વાર્તા નહીં, સત્ય કથા છે, જેની કદાચ જ કોઇને ખબર હશે. (ગુજરાતી માં હનુમાન ચાલીસા વાંચવા માટે અહીં ક્લીક કરો : દર શનિવારે ખાસ વાંચો હનુમાન ચાલીસા નો આ પાઠ)
તુલસીદાસજીના જીવનકાળ વખતે ઈ.સ. ૧૬૦૦ના અરસામાં અકબર બાદશાહની હકુમત હતી. એક વાર તુલસીદાસજી મથુરા જતા હતા. રાત પડવા આવી હતી એટલે એણે આગ્રામાં મુકામ કર્યો. લોકોને જેવી કે ખબર પડવા લાગી કે તુલસીદાસજી મથુરા પધાર્યા છે કે લોકો તો એમનાં દર્શન કરવા ઉમટી પડ્યાં.
અકબરને આ વાતની ખબર પડી એટલે એણે બિરબલને પુછ્યું કે આ તુલસીદાસજી કોણ છે? બિરબલે જણાવ્યું કે તુલસીદાસજી રામભક્ત છે અને એણે રામચરિતમાનસ રચ્યું છે. હું પણ એનાં દર્શન કરીને જ અહીં આવ્યો છું. તો અકબરે પણ તુલસીદાસજીનાં દર્શન કરવાની ઇચ્છા દર્શાવી. બાદશાહ અકબરે સિપાહીઓની ટૂકડી મોકલી અને તુલસીદાસજીને બાદશાહનું ફરમાન સંભળાવ્યું કે લાલકિલ્લામાં હાજર થાઓ.
તુલસીદાસજીએ જણાવ્યું કે હું તો ભગવાન શ્રી રામચંદ્રજીનો ભક્ત છું અને મારે બાદશાહ કે લાલકિલ્લા સાથે કાંઇ લેવાદેવા નથી, લાલકિલ્લે હું જાવાનો નથી. તુલસીદાસજીનો જવાબ બાદશાહને મળ્યો તો એને ઘણું ખોટું લાગી ગયું બાદશાહ અકબર રાતાપીળા થઈ ગયા, એણે તુલસીદાસજીને હાથકડી પહેરાવીને લાલકિલ્લે પકડી લાવવા ફરમાન કર્યું.
તુલસીદાસજીને હાથકડી પહેરાવી લાલકિલ્લે પકડી લાવવામાં આવ્યા તો અકબરે કહ્યું કે તમે તો કાંઇક ચમત્કારી વ્યક્તિ લાગો છો, કશોક ચમત્કાર કરી દેખાડો. તુલસીદાસજીએ કહ્યું કે હું તો રામચંદ્ર ભગવાનનો કેવળ ભક્ત માત્ર છું, કોઇ જાદુગર નથી કે જાદુના ખેલ કરીને તમને ચમત્કાર કે કૌવત દેખાડું. અકબર કાળજાળ ક્રોધિત થયા અને ફરમાન કર્યું કે આને હાથકડી પહેરાવીને કાળી કોટડીમાં પૂરી દો.
બીજે દિવસે આગ્રાના એ લાલકિલ્લા ઉપર લાખોની સંખ્યામાં વાંદરાંઓ એકસામટા તૂટી પડ્યા અને આખોયે લાલકિલ્લો ખેદાનમેદાન કરીને સંપૂર્ણ વિધ્વસ્ત કરી નાખ્યો. લાલકિલ્લાની તબાહી જોઈને અકબરે બિરબલને પુછ્યું કે આ બધું શું બની રહ્યું છે…? બિરબલે કહ્યું કે હુજુર, આપને ચમત્કાર જોવો હતો તો જોઈ લો.
અકબરે તરત જ તુલસીદાસજીને કાળી કોટડીમાંથી મુક્ત કરીને હાથકડી છોડાવી નાખી. તુલસીદાસજીએ બિરબલને કહ્યું કે મને વગર અપરાધે સજા મળી છે. હું તો એ કોટડીમાં પૂરાઈને રામચંદ્રજી અને હનુમાનજીનું સ્મરણ કરતાં કરતાં રોઈ રહ્યો હતો. હનુમાનજીની પ્રેરણાથી મારા હાથ આપોઆપ જ લખવા મંડ્યા હતા. ૪૦ ચોપાઇ હનુમાનજીની પ્રેરણાથી લખાઈ ગઈ છે.
તુલસીદાસે આગળ કહ્યું, “જો કોઇ વ્યક્તિ સંકટ કે દુઃખમાં હોય ત્યારે એનો પાઠ કરશે એનાં સઘળાં દુઃખ કે સંકટ દૂર થશે. એ હનુમાન ચાલીસા નાં નામથી ઓળખાશે.”
અકબર ઘણા જ છોભીલા પડી ગયા. તુલસીદાસજીની એણે માફી માગી. પૂરાં સન્માન અને ઠાઠથી તેમ જ સૈન્ય પહેરા સાથે એમને મથુરા તરફ વિદાય આપી. હનુમાનજી એટલે જ સંકટમોચન કહેવાય છે. શનિવારે હનુમાન ચાલીસા સહુ કોઇ કરે છે.
હનુમાન ચાલીસા ના પાઠ નો સૂરમય અને મધુર ઓડિયો સાંભળવા માટે અહીં ક્લીક કરો. જય શ્રી રામ! બોલો જય શ્રી રામ ….જય શ્રી રામ