રૂડું મારું ગામડું
રૂડું મારું ગામડું
રૂડું મારુ ગામડું
પ્હોંફાટે ગાડા ઓ તો જોડાય
ખણ ખણ કરતા વાડીએ વ્હેતા થાય
વાડી, ગાડા રસ્તે મધુરા સંગીત રેલાય
કોહના પાણી પણ ખળ ખળ વ્હેતા થાય
રૂડું મારુ ગામડું
પનિહારી પણ છમછમ કરતી જાય
હેલ લઈ ને કૂવે પાણી ભરવા જાય
ગરેડીના કિચુડ કિચુડ અવાજે સંગીત ત્યાં રેલાય
મનમાં ગણગણતી પનિહારી મનમાં તો હરખાય
રૂડું મારુ ગામડું
રૂડું મારુ ગામડું નદીએ નાવણ થાય
ચોરે સૌ ભેગા થઈ ચપટી ફાકી ખાય
ચાર ચોક ભેગા થાય તેને ચોરો કહેવાય
ચોરે ચૌટે કામ વગરના ચર્ચાના દોર બંધાય
રૂડું મારુ ગામડું
સવારે શિરામણના પાટ મંડાય
બપોરે ઘરવાળી રોંધો દેવા જાય
ઝાડના છાંયડા તળે પ્રેમથી રોંધો થાય
વામકુક્ષી સાથે ઘરવાળી સાથે મીઠી વાતો મંડાય
રૂડું મારુ ગામડું
સાંજ પડે ચારા સાથે ઘર ભણી વહેતા થાય
બાજરાના રોટલા સાથે દૂધે વાળું થાય
ફળિયામાં ખાટલા ઢાળી, વાતો નો દોર સંધાય
નિરવ શાંતિ ઓઢીને ગામડું પોઢી જાય
રૂડું મારું ગામડું
યાદો માંથી કેમ વિસરાય
વધારે કવિતા વાંચવા માટે અમારા કાવ્યસરિતા વિભાગ ની મુલાકાત અવશ્ય લેજો.