જ્યાં ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત !
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત !
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યા જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !
ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત;
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યા જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !
કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઇ ઝુઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઊછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !
અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી,
જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !
~અરદેશર ફરામજી ખરબરદાર
દમણમાં જન્મેલા આ કવિનું ઉપનામ છે “અદલ”. એમનું આ કાવ્ય ‘સદાકાળ ગુજરાત’ ખૂબ જાણીતું બન્યું. આપણે ત્યાં રાષ્ટ્રગાન છે, રાજ્યગાન પણ છે. કવિની પંકિત જ્યારે જનપ્રિય ઉલ્લેખ બનીને પ્રજાના હૈયે ને હોઠે રમતી થઇ જાય ત્યારે એ કવિની સર્જકતાને સલામ કરવાનું મન થાય. આજે પણ જ્યારે ગુજરાતીના ગૌરવની વાત થાય છે ત્યારે આ કવિની પંકિત અચૂક યાદ કરાય છે.
આ કવિતા માં ગુજરાતીઓ માટે કહેવામાં આવેલો એક એક શબ્દ સાચો છે. દેશ વિદેશ માં રહેતા આપણા ગુજરાતી લોકો આપણી સંસ્કૃતિ અને તહેવારો ને મન ભરીને ઉજવે છે. એ જ કારણ છે કે આપણા ગુજરાતી ગરબા દેશ વિદેશ માં પ્રચલિત છે. હું જ્યારે નોન ગુજરાતી લોકો ને પણ ઠેઠ ગુજરાતી માં ગવાતા ગરબા પર નાચતા જોઉં છું તો ધન્યતા અનુભવું છું કારણકે તેમણે એનો અર્થ પણ ના સમજ માં આવતો હોય પણ આનંદ પુષ્કળ થતો હોય છે. શું આ જ ગુજરાતની મહિમા નથી?!!!
આવા જ અવનવા લેખો માટે ગુજજુમિત્રો ની મુલાકાત લેતા રહેજો!