વૃદ્ધાવસ્થા માટે તૈયાર રહો : જાણો કેવા પરિવર્તનો થશે?
વૃદ્ધાવસ્થા માટે તૈયાર રહો
ગુજજુમિત્રો, ઘણાં વૃદ્ધો હકીકતમાં, જ્યારે વૃદ્ધ થવાની વાત આવે ત્યારે તેઓની આગળ જે પરિસ્થિતિ આવે તેના માટે બિલકુલ જ તૈયાર નથી હોતા. તમારી 60 વર્ષની વય પછી, અને મૃત્યુની ઘડી આવે ત્યાં સુધી,
કેટલીક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે, જેથી તમે વૃદ્ધાવસ્થા માં જે આવવાનું છે તેના માટે તૈયાર રહો અને તમે ગભરાવ નહીં.
વૃદ્ધાવસ્થાની સંવેદનશીલ વાતો
વૃદ્ધાવસ્થા એ એક વાસ્તવિકતા છે, જેને આપણે બધાંએ જ સ્વીકારવાની અને એ માટે તૈયાર થવાની જરૂર છે. ‘The Sky Gets Dark, Slowly’ નામની Zhou Daxin લિખિત નવલકથા માં વૃદ્ધાવસ્થાની સંવેદનશીલ વાતો અને વૃદ્ધોના જટિલ, ભાવનાત્મક જગત નું વર્ણન છે. તેમાં તે લખે છે કે, “ઘણાં વૃધ્ધોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે, પરંતુ વૃદ્ધાવસ્થા વિષે તેઓ હકીકતમાં બાળકો જેટલાં જ અજ્ઞાની છે.
૧. લોકો ઘટવા લાગશે
તમારી આજુ- બાજુના લોકો ઘટવાનું ચાલુ થશે. તમારા માતા-પિતા અને દાદા-દાદીની પેઢીના લોકો મોટા ભાગે ઘટી રહ્યાં હશે, જ્યારે તમારા ઘણાં હમઉમ્ર માટે પોતાને સંભાળવાનું વધુને વધુ મુશ્કેલ બનશે, અને યુવા પેઢીના બધાં લોકો તેમના પોતાના જીવનમાં વ્યસ્ત રહેશે. તમારી પત્ની અથવા પતિ પણ તમારા ધાર્યા કરતાં વહેલાં મૃત્યુ પામી શકે છે, અને પછી જે થશે તે ખાલીપણું હશે. તમારે એકલાં કેવી રીતે રહેવું અને એકાંતનો આનંદ કેમ માણવો તે શીખવું પડશે.
૨. સમાજનું ધ્યાન ઓછું થશે
સમાજનું તમારા તરફનું ધ્યાન ઘટતું જશે. તમારી અગાઉની કારકીર્દી ગમે તેટલી ગૌરવપૂર્ણ હતી અથવા તમે કેટલા પ્રખ્યાત હતા તે મહત્વનું નહિ રહે, ઉંમર તમને હંમેશાં વૃદ્ધ કે વૃદ્ધા માં પરિવર્તિત કરશે. સ્પોટલાઇટ હવે તમારા પર ચમકશે નહીં અને તમારે એક ખૂણામાં શાંતિથી રહેવાનું શીખવું પડશે, તમારા માટેના બીજાના મંતવ્યોને સ્વીકારી લેવા જોઈશે અને તમારે ઈર્ષ્યા અને બડબડવાની ઇચ્છાને દૂર કરવી જોઈશે.
૩. સ્વસ્થ શરીર માટે પ્રયત્નો કરવા પડશે
આગળનો રસ્તો વિઘ્નોવાળો અને અનિશ્ચિન્તતાથી ભરેલો હશે. અસ્થિભંગ, હૃદયને લગતાં રોગ, મગજની કૃશતા, ઘૂંટણનો ઘસારો, કેન્સર વિગેરે સંભવિત બીમારી છે, જે તમને કોઈ પણ સમયે આવી શકે છે, અને તમે તેને રોકી શકશો નહીં. તમારે માંદગી અને બિમારીઓ સાથે જીવવું પડશે, તેમને સાથી તરીકે જોવા પડશે. તમારા શરીરમાં કોઈ તકલીફ વગરના સ્થિર, શાંત દિવસો આવે એવી કલ્પના પણ કરશો નહિ. સકારાત્મક માનસિકતા જાળવી રાખી અને યોગ્ય, પર્યાપ્ત કસરત કરવી એ ખુબ જ જરૂરી છે, અને આ નિયમિત ચાલુ રહે તે માટે ખુબ જ મનોબળની પણ જરૂર પડશે.
૪. પથારી માં પણ ખુશ રહેવું પડશે
પથારી વશ જીવન એટલે બાળપણમાં પરત થવા જેવું જીવન આવી શકે છે. માતાએ આ જન્મ આપી અને પથારી પર સુવાડ્યા , અને હવે અનેક વળાંકવાળી સફર અને સંઘર્ષમય જીવન પછી, તમે તમારી પ્રારંભિક સ્થિતિ એટલે કે પથારી અને અન્ય લોકો દ્વારા સંભાળ રાખવાની સ્થિતિમાં પાછાં ફરો છો. ફરક માત્ર એટલો જ છે કે, ત્યારે આપણી માતાએ આપણી સંભાળ રાખી હતી, જ્યારે હવે રવાના થવાની તૈયારી કરીશું, ત્યારે આપણી સંભાળ રાખવાવાળા સગા હાજર ન પણ હોય. કદાચ આપના સગા હોય, પણ તેમની સંભાળ તમારી માતાની નજીક ક્યારેય નહીં આવે. બની શકે કે નર્સિંગ સ્ટાફ તમારી સંભાળ લે; જે ભાગ્યે જ તમારી સાથે લાગણીથી જોડાયેલા હશે. શાંતિથી પડ્યા રહેજો અને એમનું કામ મુશ્કેલ ન કરશો. એમનો આભાર માનવાનું ભૂલશો નહિ.
૫. તમારા જીવનભરની કમાણી ને બચાવવી પડશે
દુનિયામાં ઘણાં બધાં ધુતારા છે તે બધાં જાણે છે કે વૃદ્ધો પાસે ઘણી બધી બચત હોય છે, અને તેઓ તમારી સાથે છેતરપિંડી કરવાની રીત જાણતાં હશે: આ માટે તેઓ ફોન કોલ્સ, ટેક્સ્ટ સંદેશાઓ, મેઇલ, ફૂડ અને પ્રોડક્ટ ના નમૂનાઓ, દીર્ધાયુષ્ય માટે ના કીમિયા દ્વારા તમારા પૈસા પડાવવા કોશિશ કરશે. સાવચેત રહો, તમારા પૈસા તમારી પાસે રાખો. તમારા પૈસા સમજદારીપૂર્વક ખર્ચ કરો.
વૃદ્ધાવસ્થા માટે તૈયાર રહો – પણ કેવી રીતે?
- 60 વર્ષના થયા પછી, જીવન જે છે તેને વળગી રહેવું, આપણે જે કરી શકીએ તેમાં જીવનનો આનંદ માણવો, અને સમાજની મુશ્કેલીઓ અથવા તમારા બાળકો અને પૌત્ર-પૌત્રોની બાબતો પોતાના માથે ન લેવી.
- નમ્ર રહો, તમારી પોતાની વયને લીધે ચડિયાતા હોવાની કોશિશ ન કરો. આ બધું તમને અને બીજાને નુકસાન જ કરશે. જેમ જેમ આપણે વૃદ્ધ થતાં જઈએ છીએ, તેમ આપણે સમજવું જોઈએ કે આદર શું છે અને તેનું શું મહત્વ છે.
- તમારા જીવનના આ પછીના દિવસોમાં, તમારે બધી લાગણીઓના બંધનોને છોડી દેવા અને માનસિક રૂપે તમારી જાતને તૈયાર કરવી પડશે .