ચાલને, સુરત માં હું આંટો મારી આવું!
ચાલને, સુરત માં હું આંટો મારી આવું!
ચાલને, સુરતમાં હું આંટો મારી આવું
જરા અહીં તહીં ભમી,
જરા બે જણાને પૂછી,
હું આ શહેરની નવાઈભરી વાતો જાણી આવું
અલ્યા,
ચાલને સુરતમાં હું આંટો મારી આવું.
મને પહેલા તો ટ્રેનના પાટાને પૂછવા દો
અને આખી રાત જાગતું આ સ્ટેશન જોવા દો
જો હું મેઈન રોડ પર જરા આગળ વધું તો
ડાબી બાજુ મને
સીનેમાની લાઈનો મળે છે…
તેથી તો આ રસ્તાને
ઘણા વરસોથી લોકો
રાજમાર્ગને બદલે સીનેમારોડ કહે છે…
એ જ રસ્તે જો ડાબી બાજુ જોતો જાઉં
લાલ ઈંટોથી બનેલો એક ટાવર જણાય
એની ટોચ પર મોટી ઘડિયાળ જે દેખાય
તેમાં ઘણીવાર કલાકો કે મીનીટો જ નહીં,
મને મહીના ને વરસો ય એમાં વંચાય…
પછી આવે છે તે ચોકડીનું ભાગળ છે નામ
સદીઓ પહેલા જૂના મોગલોના કાળમાં
અહીંથી બુરહાનપુર વેપાર થતો’તો
એથી આ જગાને બરાનપુરી ભાગળ કહે છે…
ભાગળ થી લાલગેટ સુધીના આ રસ્તાને
રાવના ગાળામાં ખૂબ પહોળો કરાયો…
અને સુરતને ચોખ્ખાચટ શહેરનું બિરૂદ દઈ
ભારતમાં ફરી વાર જાણીતું બનાવવાનો
નવો ને નવેલો ઈતિહાસ એક રચાયો…
સુરતમાં પરાઓનો જબરો છે ઠાઠમાઠ
હરિપુરા..રામપુરા..નવાપુરા..ગોપીપુરા…
ઊંચાઊંચા ઓટલાવાળા મકાનો જયાં ઊભા છે
એ પરૂ સગરામપુરા નામથી છે જાણીતું…
વળી મહીધરપુરા..મંછરપુરા..ધાસ્તીપુરા..
રૂધનાથપુરા..બેગમપુરા..
સૈયદપુરા..નાનપુરા..રૂસ્તમ ને સલાબતપુરા…
પરાઓની જેમ અહીં પાટિયા ય ઘણા છે
એક ઉનપાટિયા ને બીજું વેસુપાટિયા…
વળી અડાજણ પાટિયા ને પરબત પાટિયા…
ને પાલનપુર પાટિયા એ એના નમૂના છે…
ભાઈ, સુરતનો જોટો નથી…
કેમકે પરાઓ અને પાટિયાની જેમ
અહીં વાડ અને વાડા અને વાડીનો ય તોટો નથી…
ખારવાવાડ..માછીવાડ..ખાટકીવાડ..કસાઈવાડ..
ડબગરવાડ..મોમનાવાડ..ગોલવાડ..બુંદેલાવાડ..
બોરવાડ..પખાલીવાડ..હિજડાવાડ..ટીમલીયાવાડ..
અહીં મોગરાવાડી અને ગુલાબવાડી છે
સાથે તાડવાડી,ચીકુવાડી ને ખજૂરાવાડી…
દોસ્ત, જૂના સુરતમાં માંડીને ફરો તો..
તમે ફળિયાઓના નામ જાણીને હસી લો..
એક ઢીંગલીફળિયા
બીજું વાડીફળિયા છે
એક નાગરફળિયા
બીજું હાટ ફળિયા છે
એક સોનીફળિયા ને
બીજું શેતાનફળિયું…
અહીં બંબાગેટ..દિલ્હીગેટ..લાલગેટ
જ્યાં મજૂરો નથી એવું એક છે મજૂરાગેટ
અને ગોપીઓ વગરનું છે એક ગોપી તળાવ
રાણી નથી રહી તો ય છે રાણી તળાવ
અને ભાગવા ન દે એવું છે એક ભાગાતળાવ
અહીં લાલ દરવાજા, વળી માન દરવાજા
એક ઊધના દરવાજા, બીજા વેડ દરવાજા
લાલ રંગ વિનાનો એક લાલબંગલો છે
અને હોડીઓ વગરનો એક હોડીબંગલો છે
જયાંથી જવાતું’તું મકકા એ મકકાઈપુલ જુઓ
પછી હોપપુલ જુઓ અને ચૌટાપુલ જુઓ
પછી સરદારપુલ જુઓ અને નહેરૂપુલ જુઓ
..જયાં ઈચ્છાઓ વધુ હશે તે કહેવાયું ઈચ્છાપોર
..જે જગાએ શાહ રહયા હશે તે બન્યું શાહપોર
..જયાં હશે નાણાનો વટ તે બન્યું છે નાણાવટ
..અને મુગલીસરાઈથી કદાચ મોગલોએ
કીધો હશે પોતાના ગાળાનો બધો વહીવટ…
અહીં હજીરામાં શેલ અને ગેઈલ ને એસ્સાર…
રીલાયન્સ , ongc, ,ક્રીભકો ને ntpc
અહીં પાપડી માટે જાણીતું છે કતારગામ
અને ગઝલ,ક્રીકેટનો રાંદેરમાં મુકામ…
અહીં તાજિયા, ગણેશ એક જ રસ્તેથી જાય
અને ચૌટામાં હો ભીડ તો ય ખરીદી તો થાય
દર વરસે જે વધતો ને વધતો જ જાય
એવા ગૌરવપથની વાત ભૂલી ન શકાય
અને શહેર આખું જેના આલિગંનમાં સમાય
એ છે ગોળાકાર આથી રીંગરોડ કહેવાય…
અહીં રાતના સફાઈ થાય જેની કોઈ મીસાલ નથી..
જો કે રીક્ષાઓ માં મીટરો ચલાવવાનો ચાલ નથી
તો યે મને
સુરતમાં સાંજ ને સવારે
આંટા મારવાનું ગમે…
નદીના તટે સરિતા સાગર સંકુલ
ત્યાંથી નીકળીને બાજુમાં જ શોભી રહેલા
સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવાનુ ગમે…
પેલી ડચની સીમેટ્રી ભલે રેઢી પડી રહે..
મને ઝાંપાની મસ્જિદ જોઈ આવવાનું ગમે..
મને રાહમાં રખડતાં ઢોરોની ખૂબ ચીડ
પણ સરથાણા પ્રાણીઓનો બાગ બહુ ગમે…
શનિવારે ક્ષેત્રપાલના મંદિરે જઈ આઉં…
અને શનિવારી હાટથી ખરીદી કરી લાઉં…
ચાલને, સુરતમાં હું આંટો મારી આવું
જરા અહીં તહીં ભમી,
જરા બે જણાને પૂછી,
હું આ શહેરની નવાઈભરી વાતો જાણી આવું
અલ્યા,
ચાલને સુરતમાં હું આંટો મારી આવું.
Also read : ગુજ્જુની ગરિમા