જિનિયસ વૈજ્ઞાનિકોની પત્નીઓ શું કહેતી હશે?!
જિનિયસ વૈજ્ઞાનિકોની પત્નીઓ શું કહેતી હશે?!
ભલભલા વૈજ્ઞાનિકોએ ભલભલી શોધ કરી નાંખી હશે પરંતુ પત્નીનો સ્વભાવ બદલવાની શોધ હજી સુધી કોઈ કરી શક્યું નથી ! જરા કલ્પના કરો, વિશ્વના જિનિયસ વૈજ્ઞાનિકોની પત્નીઓ તેમને શું કહેતી હશે ?
♥️ થોમસ આલ્વા એડિસનની પત્ની : ‘બસ બસ, ખબર છે તમે વીજળીથી ચાલતા ગોળાની શોધ કરી છે તે ! હવે એને હોલવી નાંખો અને પથારીમાં આવો. મને ઊંઘ આવે છે.’
♥️ આર્કીમિડિઝની પત્ની : ‘તમને જરાય શરમ આવે છે ? કપડાં વિના ભીના શરીરે ગલીમાં દોડતાં પહેલાં મારો તો સ્હેજ વિચાર કરવો હતો ? અને પેલી ‘યુરેકા’ કોણ છે ?’
♥️ કોલંબસની પત્ની : ‘ક્યાં ક્યાં રખડો છો ? મને તો ઇન્ડિયા જઉં છું એમ કહીને નીકળ્યા હતા અને પછી અમેરિકામાં રખડતા હતા !’
♥️ આઇન્સ્ટાઈનની પત્ની : ‘આ તમારા વાળનું કંઈ કરો ભૈશાબ ! કાં તો કપાવી નાંખો કાં તો ચોટલી બાંધવાનું રાખો ! અને શેમ્પુ તો કરો ? આખા ઘરમાં ડેન્ડ્રફ ખરે છે !’
♥️ ઝુકરબર્ગની પત્ની : ‘ખબરદાર જો મારા મોબાઈલમાં કંઈ ફંફોસ્યું છે તો !’
♥️ બિલ ગેટ્સની પત્ની : ‘જ્યાં જાઓ છો ત્યાં બારીઓમાં શું જોયા કરો છો ? કઈ સગલીને શોધી રહ્યા છો ?’
♥️ આર્યભટ્ટની પત્ની : ‘કેટલા દહાડાથી જોઉં છું… દિવાલ પર, રેતીમાં, કાગળ ઉપર, થાળીમાં… બધે ગોળ ગોળ શું ચીતર્યા કરો છો ?’
♥️ ગેલેલિયોની પત્ની : ‘બળ્યું તમારું દૂરબીન ! એમાં ચાંદો અને સૂરજ જોઈને શું કરવાનું ? મારા પિયરનું ઘર તો દેખાતું નથી !’
લિ.મન્નુ શેખચલ્લી ????????
Read more jokes.